ભાગ · અધ્યાય ૪૧–૪૨

રાજા કંથાધાર અને રાણી હડકાયીની કથા

આ અધ્યાય 41–42 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, સૌરાષ્ટ્રમાં કોડીનાર પુરમાં કંથાધાર નામે ધાર્મિક રાજા રાજ્ય કરતો હતો. તે શંકરના લિંગની પૂજા કરતો. પૂજા તપથી પ્રસન્ન થયેલા શંકરે રાજાને કાળદંડ આપ્યો. તેથી તેના રાજ્યમાં યમદૂતો, રોગ, વ્યાધિ, ચોરી, હિંસા વગેરે પ્રવેશ કરતા નહીં. તે રાજા રોજ “ૐ કાલકાલાય સંકર્ષણાય સંભવે નમ:” એ મંત્રનો જાપ સવારથી બપોર સુધી કરતો. બપોર પછી એકવાર ફળનો આહાર કરી પૃથ્વી પર સૂતો. એકવાર તેને પુષ્કર તીર્થની યાત્રા કરવાની ઈચ્છા થઇ. ત્યાં એક માસ રોકાણો. વશિષ્ટ ઋષિની સેવા કરી. વશિષ્ટ ઋષિએ આશિર્વાદ આપ્યા. ચિરંજીવ થા. પછી રાજાએ રાજ્યમાં આવતા માર્ગમાં સ્વપ્ન થયું તેમાં વિપ્ર પુત્રને કોઇ લઇ જતા જોયો. રાજા રક્ષણ કરવા ગયો ત્યાં નિંદ્રા ઊડી ગઇ. રાજા રાજ્યમાં આવ્યો. ત્યાં પુરોહિતનો પુત્ર મરણ પામેલો. વિપ્રને રુદન કરતો જોઇ રાજા આશ્વાસન આપી, કાળદંડ લઇ યમપૂરીમાં ગયો. દંડ યમદૂતોને અડાડ્યો ત્યાં યમદૂતો પડી ગયા અને યમરાજા પાસે જઇ વાત કરી. કોઇ માનવ દંડ લઇને આવ્યો છે, તેની પાસે અમે જઇ શકતા નથી. યમરાજાએ મૃત્યુને મોકલ્યો. રાજાએ તેને કાળદંડ બતાવ્યો તે પણ પાસે આવી ન શક્યો. એટલે યમરાજાએ કાળને મોકલ્યો. કાળ રાજાને નમન કરી સાથે લઇ યમરાજ પાસે આવ્યો.

યમરાજ કહે : તમે કોણ છો ? રાજા કહે : હું શંકરનો ભક્ત છું. તમારા દૂતો વિપ્ર પુત્રને અહીં લાવ્યા છે. તેને લેવા આવ્યો છું. તેનો પિતા અતિ રૂદન કરે છે તેથી તેને લેવા આવ્યો છું. યમરાજાએ ચિત્રગુપ્તને બોલાવી વિપ્ર પુત્રનું કર્મ જોયું. તે ગયા જન્મમાં દેવનો પૂજારી હતો. ન્હાયા વિના પ્રભુને જગાડતો, તે પાપે તેનું આયુ પૂર્ણ થયું હતું. રાજા કહે : હું તેને આયુષ્ય આપું છું. એમ કહી પાણી મૂક્યું. યમરાજા કહે : તું અહીં કેમ આવ્યો ? રાજા કહે : શંકરે આપેલા કાળદંડથી સર્વસ્થાનમાં હું ગતિ કરું છું, પછી યમરાજાએ પ્રસન્ન થઇ પોતાની પુત્રી હડકાયીની રાજાને પરણાવી તથા બ્રાહ્મણ પુત્રને આપ્યો. કંથાધાર રાજાએ બ્રાહ્મણને તેનો પુત્ર આપ્યો. રાજા નવી રાણી હડકાયીની સાથે યજ્ઞ હોમ, હવન, દાન-દક્ષિણા કરતો. રાજા શંકરની પૂજા કરી, બ્રાહ્મણોને ભોજન કરાવતો તે નવી રાણીને ગમતું નહીં. તેથી રાજાને ધર્મથી, દાનથી, પુણ્યથી, ભક્તિથી પાડવા માટે રાજાને કહે : તમારે આ યજ્ઞ, દાન, પુણ્ય, કરવાની જરૂર નથી. તમે રાજા ઇશ્વરનો અંશ છો. તેથી તમારે શંકરની પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવવાની જરૂર નથી. તમે જ બ્રહ્મા છો. વિષ્ણુ શંકર પ્રજાપતિ સર્વે તમે છો. તમે યમરાજાના જમાઇ છો. તમારાથી મોટું કોણ છે ? તમારાથી સર્વ દેવ નાના છે. આવી રીતે નવી રાણી હડકાયીનીએ કંથાધાર રાજાને નિત્ય અવળો ઉપદેશ આપી રાજાની બુદ્ધિ ફેરવી નાખી. પાપી અને નાસ્તિકના સંગની સાથે રહેવાથી, ભોજનથી, સ્પર્શથી, વાતથી, નાસ્તિક થવાય છે. શંકરે આપેલા કાળદંડથી વિમાનમાં બેસી કંથાધાર રાજા ત્રિલોકીમાં ફરતો, પરંતુ નાસ્તિક રાણીના કહેવાથી તે રાજાએ પ્રજામાં અધર્મ ફેલાવ્યો અને સત્કાર્યો બંધ કરાવવા લાગ્યો.

શ્રીકૃષ્ણ કહે : રાધા, નાસ્તિક રાણીના યોગથી કંથાધાર રાજા અધર્મી થઇ ગયો અને પ્રજામાં જાહેર કર્યું કોઇએ યજ્ઞ કરવો નહીં, દાન કરવું નહીં, દેવનું પૂજન, સાધુ વિપ્રોને ભોજન કરાવવું નહીં, જે કાંઇ દેવું તે સર્વે મને આપવું. મારી પૂજા કરવી. સર્વેનું રક્ષણ કરનારો હું છું, પાલન કરનારો હું છું, ગૌદાન, ભોજન, દાન, દક્ષિણા જે કાંઇ દેવું તે સર્વે મને આપવું. રાજાના આવા અધર્મ નાસ્તિક વાક્યો સાંભળી યજ્ઞ કરનારા, વેદ ભણેલા વિદ્વાનો, રાજાને શિક્ષા આપવા નીતિ વચનો કહેવા લાગ્યા, રાજન્ યજ્ઞ વિના દેવો પ્રસન્ન થતા નથી. યજ્ઞ વિના વરસાદ થતા નથી. દેવ પૂજન વિના પ્રજા સુખ મેળવતી નથી. દેવોનું પૂજન ન થવાથી દુષ્કાળ પડે છે. દેશમાં યુદ્ધ થાય વગેરે અનેક આપત્કાળ આવે.

રાજા નાસ્તિક બુદ્ધિથી કહે : અગ્નિદેવ જમતાં નથી, તે તો સાધુ-બ્રાહ્મણોએ પોતાને જમવા માટે કલ્પેલું છે. મૂર્તિ પણ ધરેલું કાંઇ જમતી નથી, માટે યજ્ઞ, દાન, પૂજન સર્વ બંધ કરો. નહીં તો મારા કાળદંડને પાત્ર થશો. એ રીતે રાજાએ આજ્ઞા કરવાથી રાજ્યમાં સર્વે ધર્મ, કર્મ બંધ થવાથી, દેશમાં દુષ્કાળ પડવા લાગ્યા. પ્રજા પીડાવા લાગી. ભૂખે મરતી પ્રજા સર્વે રાજા પાસે આવી રૂદન કરીને અન્ન લઇ જવા લાગી. કાળદંડની સામર્થી પણ ન ચાલી, ત્યારે રાજા અતિ દુ:ખી થઇ કહે : દેવોના અપરાધથી મારું સર્વે નાશ પામ્યું. પ્રજા સર્વે સમૃદ્ધિ લઇ ગયા. રાજા-રાણી ભયથી વનમાં ચાલ્યા ગયા. એક વર્ષના કુમાર બાળક રણંગમનું બ્રાહ્મણોએ રક્ષણ કર્યું. કાળદંડ અને વિમાન શંકર પાસે જતું રહ્યું. શ્રીકૃષ્ણ કહે : રાધા, માનવોની પાસે પુણ્ય વધવાથી સંપત્તિ, અને કીર્તિ વધે છે અને પાપ થવાથી સર્વ નાશ થાય છે. વનમાં રાજા મરણ પામ્યો. રાણી હડકાયીની અન્નજળનો ત્યાગ કરી મરણ પામી. તે બંને મ્લેચ્છ જન્મ પામી, મકરાલયમાં વાસ કરતા.

કુમાર રણંગમ બાર વર્ષનો થયો. પિતાની અસદ્ગતિ વિપ્રોથી જાણી બ્રાહ્મણો પાસે જનોઇ લીધી વેદ અભ્યાસ કરી રાજ્ય કરવા લાગ્યો. એકવાર સોમનાથ યાત્રાએ જતાં માર્ગમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના શિષ્ય સ્વયંપ્રકાશના દર્શન કરી પૂછ્યું, મારા માતા-પિતા વનમાં મરણ પામવાથી અસદ્ગતિ થઇ છે, તો તે અત્યારે ક્યાં હશે અને તેની સદ્ગતિ કેમ થાય ? સ્વયંપ્રકાશ દિવ્યદૃષ્ટિથી જાણી કહે : તારા માતા-પિતાએ અશ્વપટ સરોવરમાં સ્નાન કરીને તીર્થ કરવાથી, તેની મુક્તિ થશે. સ્વયંપ્રકાશનું વચન સાંભળી રણંગમ, રાજા તથા તેના સેવકો, પ્રજાજનો વગેરે મકરાલયથી કોઢ ક્ષયના રોગવાળા માતાપિતાને લાવી અશ્વપટ સરોવરમાં વારંવાર સ્નાન કરાવવાથી તેના સર્વ પાપો નાશ થવાથી દિવ્ય દેહને પામ્યા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ કરી. ત્યાં લોમશ ઋષિ પાસે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર ગ્રહણ કરી જપ કરતા પુત્રને આશિર્વાદ આપી વૈષ્ણવ પદને પામ્યા. ત્યાં કંથાધર તીર્થ થયેલું છે. તે યમરાજા પુત્રી એકરૂપે પ્રભુના ધામમાં ગઇ બીજે રૂપે હેડકી રૂપે મનુષ્યોમાં વાસ કર્યો. શ્રીકૃષ્ણ કહે : રાધા, આ ભક્તની પાવનકારી કથા કહી. આવો અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનનો મહિમા છે.