રાજધાની તીરાણમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ વલ્ગુરાય પ્રદેશના રાજા-રાણી રાજધાની તીરાણ પધાર્યા. શ્રીહરિ ત્યાં વિમાન દ્વારા આવ્યા. રાજા-પ્રજાએ જયઘોષથી સ્વાગત કરી, પુષ્પ, ચંદન, ચોખાથી વધાવીને તીરાણ રાજા તથા રાજકુટુંબે શ્રીહરિનારાયણના ચરણો ધોઇને ચરણામૃત પીધું. સુવર્ણના, મણિના, હીરામોતીના પુષ્પોના હાર પ્રભુને પહેરાવી સ્વાગત કર્યુ પછી સાત શ્વેત અશ્વ જોડેલા રથમાં શ્રીકૃષ્ણવલ્લભને બેસાડી છડી, છત્ર, ચામર સાથે તિરાણા રાજધાનીમાં ફેરવ્યા પછી રાજમહેલમાં પધરાવી શ્રીહરિને દૂધપાન કરાવ્યું. રાજાએ કુટુંબ સાથે પ્રભુની પ્રેમથી સેવા કરી. બપોર પછી લાખો નરનારીઓની સભા ભરાઇ. રાજાએ શ્રીહરિની પૂજા કરી પછી પૂછ્યું હે પ્રભુ, તમે મળ્યા એટલે કર્મ ટળ્યા. તો પણ જીવાત્માનો બધ્ધ સ્વભાવ હોવાથી રાજ્ય કરવા છતાં બંધન ન થાય તે ઉપાય કહો.
શ્રીહરિ કહે, સ્થાવર જંગમ સર્વનું જીવન પ્રાણ છે. તે શરીરની સાથે ચાલ્યો જાય છે. તે પ્રાણ વગેરે ચોવીસ તત્ત્વોને આત્મા સાથે સંબંધ નથી. જેમ વૃક્ષ પર રહેલા મધને ગ્રહણ કરી મધમાખી વૃક્ષનો ત્યાગ કરે છે તેમ વિવેકથી સંસારમાં રહીને પૂણ્ય ભક્તિ પ્રભુનો અમૃત આનંદરૂપી મધ ગ્રહણ કરી સંસારનો ત્યાગ કરનારો, રાગ વિનાનો તેને રાજ્યનું બંધન થતું નથી. દોષરૂપી મળ તજશે ત્યારે દેહ છુટશે એમ માને તે બંધન પામતો નથી. પર્વત વૃક્ષની જેમ મમતા રહિત તથા સર્વ ભોગ્યની આશા તજે તેને બંધન થતું નથી. પૂર્વે વૈષ્ણવ વિપ્રો સંસારનો ત્યાગ કરી વનમાં તપ કરવા લાગ્યા. તેની પાસે ઇન્દ્રે આવી પૂછ્યું, તમે ગૃહસ્થાશ્રમ કેમ ન કર્યો ? વિપ્રો કહે, જેને સંસારમાં કોઇપણ પદાર્થ વસ્તુની ઈચ્છા નથી. તેને જગત તૃણ સમાન દેખાય છે. તે વનમાં રહે કે ગૃહમાં રહે સમાન છે. કાદવનો સ્પર્શ કરી કાદવથી હાથ ધોવા તેના કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો. જ્ઞાનરૂપી પાણીથી આત્માને શુધ્ધ કરવો અથવા તપ, યોગથી આત્માને શુધ્ધ કરવો અથવા શ્રીહરિની આરાધના-ભક્તિથી અથવા વિદ્યારૂપી ગુરુથી અવિદ્યારૂપી કાદવનો નાશ કરવો અથવા નિષ્કામ ભાવે કરેલા કર્મોથી પણ પ્રભુને પ્રસન્ન કરવા. તેથી હે ઇન્દ્રદેવ, સબળ હોય તેને ગૃહસ્થાશ્રમ કરવો અને નિર્બળ હોય તેણે ત્યાગ માર્ગ સરલ છે. ઇન્દ્ર કહે, ત્યાગી પોતાનું એકનું કલ્યાણ કરે છે, ગૃહસ્થ સંસારમાં રહીને અનેકનું કલ્યાણ કરે છે. જેમ ફળવાળા વૃક્ષનો આશ્રય સૌ કરે છે. તેમ નિષ્પૃહ એવા મહાત્માઓ ગૃહસ્થનો આશ્રય કરે છે. સર્વ ગૃહસ્થાશ્રમને આશ્રયે રહેલા છે. ભીક્ષુક અતિથિ પશુ પક્ષુ જંતુ સર્વગૃહીને આશ્રયે રહેલા છે. દેવો- પિતૃઓ પણ ગૃહીને આશ્રયે છે. તે સર્વને આપીને ભોજન કરનારો નિષ્પાપ રહે છે અને બંધન પામતો નથી. યજ્ઞ, દાન, તપ, હોમ, સ્વાધ્યાય અને ઇશ્વર અર્પણ આ છ સાધનવાળા નિષ્પાપ થાય છે. પૂર્વે હું ઇન્દ્ર સૂર્ય ચંદ્ર વગેરે સર્વે કર્મથી નિષ્પાપ થઇને ઉચ્ચ પદવીને પામ્યા છીએ. ઇન્દ્રનો ઉપદેશ સાંભળી વિપ્રો ગૃહસ્થાશ્રમ કરી ધર્મનો આશ્રય કરી ભગવાનની ભક્તિ કરી ધામમાં ગયા. શ્રીહરિ કહે, રાજા એ રીતે ગૃહધર્મ કઠીન હોવા છતાં તેમાં પણ નિર્બંધન રહેવાય છે. પછી રાજકુટુંબે શ્રીહરિની પૂજા-આરતી કરી ભેટ મૂકી. છ રાજકન્યાઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી.