ભાગ · અધ્યાય ૧૯૩

બલલીન રાજાની વિશાલનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ વિમાનમાં બેસીને ભાદરવા વદ એકાદશીએ બલલીન રાજાની રાજધાનીમાં જરામૌન ઋષિ સાથે આવ્યા. વિમાનમાંથી ઉતરી શ્રીહરિએ વિશાલનગરીમાં પ્રવેશ કર્યો. રાજાએ-પ્રજાએ રત્નહાર, પુષ્પહાર પહેરાવી કુંકુમ ચોખાથી વધાવ્યા. પછી રાજાએ શ્રીહરિને હાથીની અંબાડીમાં બેસાડી વિશાલ નગરમાં ફેરવી નગરીને પાવન કરી નરનારીઓને દર્શન કરાવતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ શહેરની શોભા જોતા દર્શન દેતા પૂજા ગ્રહણ કરતા. હાથી, અશ્વો, ઊટ, પદાતિ વગેરે સૈન્ય સાથે બેન્ડવાજા, બંદૂક, તોપોની સલામી સાથે રાજમહેલમાં આવ્યા. રાજાએ પૂજા કરી ભેટ મુકી. એકાદશી રાત્રે જાગરણ કરી કિર્તન ઉત્સવ કર્યા.

પછી પ્રભુએ ધર્મનો ઉપદેશ આપ્યો, વ્રતમાં રહેલા મનુષ્યે જાગરણ કરી ધૂનકિર્તન કરવા, વ્રતમાં નિંદ્રા દૂષણ છે. જાગરણથી તમોગુણનો નાશ થાય છે માટે આત્મબળથી વ્રત અને શ્રીહરિની ભક્તિ કરવાથી મનુષ્યજન્મ સફળ થાય છે. એકાદશી, જન્મજયંતિ, જન્માષ્ટમી વગેરે વ્રતની તિથિઓ સૂર્યના ઉદયમાં ગ્રહણ કરવી તથા રાત્રિના ઉત્સવ કાર્યમાં ચંદ્રોદય તીથિ ગ્રહણ કરવી અને દિવસના ઉત્સવમાં સૂર્યોદય તીથિ ગ્રહણ કરવી. જનસેવા આચાર્ય સાધુ સેવા કરનારો સુખી થાય છે, બીજાના દુ:ખમાં ભાગ લેનારો આ લોકમાં સુખી થાય છે. ધર્મનું પાલન, રક્ષણ, બળ, તપ, ત્યાગ, ધર્મને આશ્રયે રહેલાં તે સંસારસમુદ્રને તરી જાય છે. પ્રભુનો ઉપદેશ સાંભળી સૌ પ્રસન્ન થયા. પછી સવારે શ્રીહરિએ નિત્ય વિધિ કરી પારણા કર્યા. રાજારાણીએ પ્રભુનું પૂજન કરી ચરણામૃત પીધું અને ચાલીસ રાજકન્યાઓ શ્રીહરિને અર્પણ કરી તથા રત્નો, હાર, અલંકારો ભેટ આપ્યા.