પરાવર રાજાની કાયનીપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અંબિક ઋષિ સાથે પરાવર રાજા આવી શ્રીહરિને પ્રાર્થના કરી, મારે ગામ પધારો. શ્રીહરિ ભોજન કરી વિમાનમાં બેસી એનસ રાષ્ટ્રમાં આવ્યા. રાજારાણી, પ્રધાનો, નરનારીઓએ પુષ્પહારો પહેરાવી સ્વાગત કર્યું. ચાર દાંતવાળા હાથી પર સોનાની અંબાડીમાં શ્રીહરિને બેસાડ્યાં. બીજા હાથી પર બ્રહ્મપત્નીઓ, લોમશ ઋષિ બેઠા. સર્વને કાયનીપુરીમાં ફેરવ્યા. પૂરજનોએ વસ્ત્ર, આભૂષણથી પૂજા કરી.
રાજમહેલે આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણે પૂર્ણિમાની રાત્રે સિંહાસને બેસી ઉપદેશ આપ્યો કે, સર્વજનોએ લોભ અને મોહનો ત્યાગ કરવો. તેનાથી કામ, ક્રોધ અને તૃષ્ણા, રાગદ્વેષ વગેરે દોષો વધે છે. માન અને મોહ ધર્મનો, સંપત્તિનો નાશ કરે છે. જેને કલ્યાણની ઈચ્છા હોય તેણે દોષનો ત્યાગ કરવો. શરીરથી, મનથી માયિક પંચવિષયને તજે છે તેને આ લોક પરલોકમાં સુખ અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. દાનથી, તપથી, ઇન્દ્રિયોના નિગ્રહથી સર્વકર્મ મારામાં અર્પણ કરી, મારી ભક્તિ કરી, સત્પુરૂષોની સેવા કરી, બ્રહ્માના, વૈરાજના, અવ્યાકૃત, અમૃતધામ, વૈકુંઠ, ગોલોક અને મારા પરમધામને પામે છે. સત્ય, ધર્મ, તપ, યોગ, યજ્ઞ આ સર્વે બ્રહ્માના સ્વરૂપ છે. દાનથી તપ ઉત્તમ છે. તપથી અનશન શ્રેષ્ટ છે. તેથી સંતોષ અને સત્ય ઉત્તમ છે. સર્વ વસ્તુપદાર્થમાં મને જોવાથી તૃષ્ણા અને ઈચ્છાનો લય થાય છે. માટે મારો શરણ મંત્રગ્રહણ કરો તેથી તમારું કલ્યાણ થશે. શ્રીહરિનો દિવ્ય સંદેશ સાંભળી પ્રજાજનોએ પ્રભુની પૂજા ગ્રહણ કરી મંત્ર ગ્રહણ કર્યા. પછી રાજા-રાણીએ પૂજા કરી. વસ્ત્રઅંલકારો ભેટ આપ્યા. ત્રણ રાજકન્યાએ શ્રીહરિને વરમાળા પહેરાવી, કપુરથી આરતી કરી, શ્રીહરિએ સર્વે દાનભેટ ઋષિઓને આપી દીધા.