ભાગ · અધ્યાય

ગુરુ લોમશ ઋષિ દ્વારા બાલપ્રભુને મંત્રદીક્ષા - ક્રોધન અસુરની મુક્તિ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ત્રીજા મહિનાનું ચરિત્ર કહું છું. ત્રીજે મહિને માતા-પિતા બાલપ્રભુને ઘર બહાર લઇ જતા હતા. વિપ્રો પાસે નાંદી પુણ્યાહ વાંચન કરાવીને લોમશ ઋષિ પાસે લઇ ગયા. ગુરુ લોમશ ઋષિ ભાલમાં તિલક ચાંદલો કરી માથે હાથ મૂકી પ્રભુને કાનમાં મંત્ર આપતા હતા. “અનાદિશ્રીકૃષ્ણનારાયણ શરણં મમ” બાલપ્રભુ મંત્ર સાંભળી ત્રણ વાર બોલ્યા. તે સાંભળી માતા-પિતા રાજી થયા, પછી તુલસીની કંઠી પહેરાવી, હાર પહેરાવ્યો. મુખમાં સાકર આપીને દૂધ પાયું. પછી સર્વ કન્યાઓ બાલપ્રભુને રમાડવા પરસ્પર ખેંચતાણ કરવા લાગી. ત્યારે પ્રભુએ અનેકરૂપ ધારણ કરી સર્વ કન્યાઓના મનોરથ પૂર્ણ કર્યાં. ત્યારે કોઇ કન્યા પ્રભુને ચાંદલો, કોઇ કાજળ, કોઇ માખણ લગાવતી વગેરે સેવા કરતી હતી. કેટલીક કન્યાઓ પ્રભુને તેડીને પશુ-પક્ષી, વૃક્ષ વેલી વગેરે દેખાડતી હતી. તે વખતે પ્રભુ કન્યાઓને પોતાના મુખમાં બ્રહ્માંડ બતાવતા હતા. કોઇને અક્ષરધામ, કોઇને ગોલોક, વૈકુંઠ વગેરેના દર્શન કરાવતા હતા. તે જ પ્રભુ, લક્ષ્મીના હાથમાં ચતુર્ભુજ, માણિકીના હાથમાં દ્વિભૂજ, કંભરાની કેડ્યમાં રમતાં એવા બાલપ્રભુની સામર્થીને જોઇ સર્વે આશ્ચર્ય પામ્યા. પછી માતા-પિતાએ લોમશ ઋષિની ચંદન પુષ્પથી પૂજા કરી, વસ્ત્રો અર્પણ કર્યાં. ભોજન મિષ્ટાન્નો આપ્યા. લોમશ ઋષિનો આશ્રમ કન્યાઓથી સ્વર્ગ અને વૈકુંઠની સમાન શોભતો હતો. માયાથી શૂન્ય એવો બ્રહ્મચર્યાશ્રમ હતો.

શ્રીહરિની કૃપાથી લોમશ ઋષિ નિત્ય મુક્ત સ્થિતિએ વર્તતા, સર્વને શાશ્વત શાંતિ આપતા હતા. તે સમયે પ્રભા નામે કન્યા પ્રભુને રમાડવા બગીચામાં લઇ ગઇ. ત્યારે રૂદ્રના લલાટમાંથી જન્મેલો, પાણીમાં રહેનારો, જપ, તપ કરી સિદ્ધિને વરેલો દેવનો વિરોધી તે ક્રોધન નામે અસુર અનાદિશ્રીકૃષ્ણનારાયણને શત્રુ માની મારવા આવ્યો. બગીચામાં કન્યાનું રૂપ લઇને પ્રભાના હાથમાંથી પ્રભુને લઇ રમાડવા લાગ્યો. બાલકૃષ્ણ પ્રભુ, તેનો દુષ્ટભાવ જાણી તેને મુક્તિ આપવા તેની પાસે ગયા. તે ક્રોધના કન્યા પ્રભુને તેડીને વૃક્ષોમાં અદૃષ્ટા થઇને આકાશમાં જતી રહી અને બાલકૃષ્ણને મારવા બે હાથે ગળું દબાવ્યું. ત્યાં બાલપ્રભુના શરીરમાં અગ્નિ પ્રગટ થઇ તેને બાળવા લાગ્યો. ત્યારે ક્રોધના રાડો પાડવા લાગી. બળું છું, મને મૂકી દે. તરત બાલપ્રભુ પ્રભા, કન્યા પાસે આવ્યા. પ્રભા પણ ભય પામી શ્રીહરિને લોમશ આશ્રમમાં લઇ ગઇ. પછી તે ક્રોધના કન્યા પ્રભુ પાસે આવી. પ્રાર્થના કરી, હે પ્રભુ હું શંકર પુત્રી છું. મારું રક્ષણ કરો, મારો મોક્ષ કરો. શ્રીહરિ કહે, તું કન્યાનું રૂપ લઇ મને મારવા આવી, તને ખબર નથી, સર્વના નાડી પ્રાણ મારા હાથમાં છે.

કન્યા કહે : પ્રભુ, હું તમારામાં મોહ પામીને આવી છું. તેથી મારો મોક્ષ કરો. પ્રભુ કહે : તથાસ્તું. એમ કહી તેના ત્રણ સ્વરૂપો કર્યાં. એક કન્યા રૂપે લોમશ આશ્રમમાં વાસ આપ્યો. બીજે રૂપે ધામમાં મોકલી. ત્રીજે ક્રોધન નામે મુનિ રૂપે થઇને ભવિષ્યમાં દુર્વાષા રૂપે થઇ. આવો પ્રભુનો ચમત્કાર જોઇ સર્વ આશ્ચર્ય પામ્યા. પછી રાત્રિએ માતા-પિતા પ્રભુને ચંદ્ર દર્શન કરાવતા હતા. શ્રીબાલકૃષ્ણ ચંદ્ર સામે આંગળી કરી કહે, ચંદ્રને મારી પાસે લાવો. ત્યારે ચંદ્ર શ્રીહરિની ઈચ્છા જાણી. પોતાની સત્યાવીશ પત્નીઓ સાથે શ્રીહરિનું દર્શન પૂજન કરવા આવ્યા. તેમને બાલપ્રભુએ આશિર્વાદ આપ્યા. માતા-પિતાએ ચંદ્રનું સ્વાગત કર્યું.