નરનારાયણ સાથે યુદ્ધમાં પ્રહલાદનો પરાજય
શ્રીકૃષ્ણ કહે : રાધા, એકવાર ચ્યવનઋષિ રસાતળ લોકમાં ગયા. ત્યાં નાગકન્યાઓએ પૂજન કર્યું. પછી પ્રહલાદ ભક્ત રાજા પાસે ગયા. પ્રહલાદ ભક્તે ઋષિને આસન આપી પૂજા કરી કહ્યું, આજે હું કૃતાર્થ થયો છું. તમારા જેવા સંતના દર્શનથી પાપ નષ્ટ થાય અને પુણ્ય ઉદય થાય છે. તમે અહીં વાસ કરી યજ્ઞ જપ કરાવો. હું તમારી સેવા કરીશ. ચ્યવનઋષિ કહે : દેવ વિપ્ર સંતનું પૂજન કરનારા, ધર્મપાલન કરનારા, તારા જેવા ભક્ત જ્યાં વાસ કરે છે ત્યાં મને રહેવું ગમે છે. પછી સ્વર્ગ પૃથ્વી કે પાતાલ હોય તે મારે માટે સમાન છે, પણ અત્યારે પૃથ્વી પર તીર્થો કરી સૌરાષ્ટ્રમાં કુંકુમવાપીમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા છે. તેના દર્શન કરવા તથા અશ્વપટ સરોવર તીર્થમાં સ્નાન કરવા જવું છે. તે સાંભળીને પ્રહલાદ, દૈત્યો, દાનવો, રાક્ષસોને લઇને ચ્યવનઋષિ સાથે પૃથ્વીના તીર્થ કરતા કુંકુમવાપી આવ્યા, અશ્વપટ સરોવરમાં સ્નાન કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી. કંભરા-ગોપાલને નમસ્કાર કરી, લોમશ ઋષિની પૂજા કરી. પુષ્કર થઇ બદ્રિકાશ્રમ આવ્યા. જ્યાં નરનારાયણ ભગવાન તપ કરતા હતા. માથે જટા વૃક્ષ નીચે ઋષિરૂપે રહેલા પડખે ધનુષ-બાણ પડેલા જોઇને પ્રહલાદે પૂછ્યું, તપ કરનાર તમેં ધનુષ-બાણ કેમ રાખ્યા છે ? તમે દંભી લાગો છો ?
નર કહે : તારે ચિંતા કરવાની શું જરૂર છે. અમે તપની સાથે કાળ જેવા દૈત્યોના નાશ માટે ધનુષ-બાણ રાખ્યા છે. પ્રહલાદ કહે : ધર્મનું રક્ષણ હું કરું છું. પછી તમારું શું કામ છે. નર કહે : દૈત્યોને શક્તિ અમે આપી છે. યુદ્ધમાં અમને નરનારાયણને જીતવા કોઇ સમર્થ નથી. અમે અનાદિશ્રીકૃષ્ણનારાયણના આત્મા છીએ ત્યારે પ્રહલાદે પ્રતિજ્ઞા કરી, કોઇપણ રીતે હું તમને જીતીશ. એમ કહી નરનારાયણ ભગવાન સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે ચ્યવનઋષિએ કહ્યું, પ્રભુ સાથે યુદ્ધ ન કર. તારાથી જીતાશે નહીં. પ્રહલાદ કહે : મેં પ્રતિજ્ઞા કરી છે. માટે યુદ્ધ કરવું પડશે. એમ કહીને ધનુષ્યમાંથી બાણ છોડવા માંડ્યો. નર પણ બાણ છોડવા લાગ્યા. સામસામા બાણો છોડતાં થાક્યા એટલે પ્રહલાદ મંત્રેલા અસ્ત્રો ફેંકવા લાગ્યો. પરસ્પર અગ્નિ, પાણી, વાયુ, પર્વત, નાગ, ગરૂડ, નારીનર, નપુષંક, યૌવનાસ્ત્ર વગેરે અનેક અસ્ત્રોથી લડતા હતા. પછી પ્રહલાદ ગદા લઇ નર પાસે આવ્યા ત્યારે નારાયણ યુદ્ધ કરવા આવ્યા. પ્રહલાદે નારાયણને માથામાં ગદા મારી નારાયણને નેત્રમાંથી પાણી નીકળવા લાગ્યું. ગદાના સો કટકા થયા. પ્રહલાદ બાણો છોડવા લાગ્યો. નારાયણ બાણોને કાપવા લાગ્યા. પ્રહલાદ લડતા થાક્યો, સાંજ પડી એટલે નારાયણ કહે : જા સવારે આવજે.
પ્રહલાદ વિચારવા લાગ્યો, આને કેમ જીતવા ? હજારો વર્ષ યુદ્ધ કરી પ્રહલાદ થાક્યો તો પણ નારાયણ જીતાયા નહીં. ત્યારે પૂછ્યું, તમે કોણ છો ? કેમ જીતાઓ ? મેં તમને જીતવાની પ્રતિજ્ઞા કરી છે માટે કહો. નારાયણ કહે : હું દેવોથી, અસુરોથી, અસ્ત્રો-શસ્ત્રોથી કોઇ બળથી જીતાવ એવો નથી. પ્રહલાદ કહે : મારી પ્રતિજ્ઞા ભંગ થાય તો હું તમારી પાસે પ્રાણ ત્યાગ કરીશ, માટે તમે કેમ જીતાઓ તે કહો. ત્યારે કૃપાળુ નારાયણ કહે : તું ભક્તિથી મને જીતી શકીશ. ત્યારે પ્રહલાદે સર્વૈ દૈત્યોને બોલાવીને પોતાનું રાજ્ય અંધકાસુરને આપી કહ્યું, આ નારાયણને હું ભક્તિથી જીતીને વશ કરીશ, પછી પ્રહલાદ નરનારાયણ ભગવાનને પગે લાગ્યો. ત્યારે નારાયણે પૂછ્યું, કેમ પગે લાગ્યો ? પ્રહલાદ કહે : હે પ્રભુ, તમને જીતવા કોઇ સમર્થ નથી. તમને યોગીઓ, ભક્તો, પતિવ્રતાઓ, પૂજીને, ભક્તિ કરીને વશ કરીને જીતી લ્યે છે. તમે સર્વે અવતારોને ધારણ કરી સર્વ કાર્ય કરો છો. એ રીતે પ્રહલાદ સ્તુતિ કરી વારંવાર પગે લાગ્યો. પછી નારાયણ કહે : તારી ભક્તિ સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. વરદાન માંગ.
પ્રહલાદ કહે : પ્રભુ, મેં તમારી સાથે યુદ્ધ કર્યું તેથી પાપવાળું મારું માનસ નાશ થાવ અને તમારા ચરણમાં પ્રીતિ-ભક્તિ થાવ. નારાયણ કહે : અત્યારે તું કુંકુમવાપી જા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધ્યાન, દર્શન કરી, લોમશ ઋષિ પાસે મંત્ર લઇ, જપ કરજે અને દૈત્યો પર શાસન કરી ભક્તિ કરજે. પછી પ્રહલાદ લોમશ ઋષિ પાસેથી મંત્ર લઇને રસાતળ ગયો. આ પ્રહલાદ તીર્થ થયેલું છે.