ભાગ · અધ્યાય ૨૨૫–૨૩૦

બ્રાહ્મીલ રાષ્ટ્રમાં ગોયાજનાનગરીમાં શ્રીહરિ દ્વારા દિવ્ય ભવ્ય મહાયજ્ઞ - શ્રીહરિ દ્વારા યજ્ઞની પૂર્ણાહુતિએ સર્વને આશિર્વાદ અને ઉપદેશ

આ અધ્યાય 225–230 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, શ્રીહરિઋષિઓ કુટુંબ સાથે વિમાનમાં બેસી આસો વદ પાંચમે બ્રાહ્મીલ રાષ્ટ્રમાં ગોયાજના નગરીમાં આવ્યા. રાજાપ્રજાએ વાજીંત્રોથી જયકારથી સ્વાગત કરી પુષ્પચંદન, ચોખાથી વધાવ્યા. શ્રીહરિ યજ્ઞ સ્થળમાં આવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વકર્માએ રચેલા વીશયોજનના યજ્ઞમંડપમાં આવ્યા. રાજા અને ઋષિમુનિઓએ પ્રભુને પુષ્પો અને સુવર્ણના હાર પહેરાવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી તે યજ્ઞમાં કેતુમાલ - પ્રાગ્જ્યોતિષપુર - રાશીયાન - પ્રાચીન - અમરી - ઉષ્ટ્રાલય - આજનાભ - અબ્રિકત તથા દ્વિપોના અનેક દેશના રાજાઓ કાલીમંડલી વનજેલેશ, પારાવારપીબ, કોટીશ્વર, સતીશત્રેતા, કર્કશ, પરાંગવ્રત, રાયપતિ, અંડજર, રાયસોમાન, બાલ્યરજ, ઉરૂડાવાક્ષ વગેરે રાજાઓ આવ્યા.

અનાદિશ્રીકૃષ્ણનારાયણના આમંત્રણથી સર્વ અક્ષરમુક્તો, અવતારો, મુક્તો સાથે આવ્યા. ઇશ્વરો, દાસદાસીઓ સાથે આવ્યા. ચતુર્વ્યૂહ નારાયણ, ભૂમાપુરૂષ, મહાવિષ્ણુ, મહાકાળ, વૈરાટ સર્વે લોકપાલ, દિક્પાલ, દેવો-દેવીઓ, બ્રહ્માંડવાસી સર્વે તીર્થો મૂતિર્માન આવ્યા. શ્રીહરિની આજ્ઞાથી અન્નપૂર્ણાદેવી તથા લક્ષ્મીએ ભોજનની સર્વે સામગ્રી તૈયાર કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી લોમશ ઋષિ, લાલાયન, શંકર, સ્વયંપ્રકાશ વગેરે ઋષિમુનિઓ, યજ્ઞકુંડો, યજ્ઞસામગ્રી વગેરે તૈયાર કરતા હતા. મુખ્ય યજમાન રાજા ઇશાનપાન પત્ની સાથે યજ્ઞમંડપમાં આવ્યા. લોમશઋષિએ સંકલ્પ કરાવી દીક્ષા આપી. ગણેશ સ્થાપન કરી સ્વસ્તિવાચન કર્યું. યજ્ઞવિધિ પ્રમાણે મુક્તોને, મુક્તાનીઓને, અવતારોને, આવાહન કરી સ્થાપન કરી, પૂજન કરી, ભોજન કરાવ્યું. સર્વે ઇશ્વરો, ઇશ્વરાણીઓ, દેવો-દેવીઓ, વ્યુહો, બ્રાહ્મણી, સતીઓ, બ્રહ્મ પત્નીઓ, બ્રહ્માંડો, સર્વે ઇશ્વરો, આવરણોના ઇશ્વરો સર્વના નામ લઇ આવાહ્ન કરી, પૂજન કરી, ભોજન આપ્યું તથા આદિત્યો, વસુઓ, રૂદ્રો, નિધિઓ, સિધ્ધિઓ, ઋષિમુનિઓ, સિધ્ધો, તીર્થો, કલાકૃતિકા, યજ્ઞ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, સુત, માગધ, બંદી, વિદ્યાધર, ગાંધર્વ, ચારણ, કિન્નરો, દૈત્યો, દાનવો, ગણો, નદી, પર્વત, સાગર, વૃક્ષ, વેલી, સ્થાવર, જંગમ, જડચેતન, સર્વને આવાહન કરી પૂજન કરી બલિ ભોજન આપતા હતા. સર્વને યથાયોગ્ય બલિ આપી અગ્નિમાં હવિષ્યાન્ન હોમી તૃપ્તિ પમાડતા હતા. લોમશ ઋષિ સર્વેને તૃપ્ત કરી વેદમંત્રો સાથે, વાજીંત્રો સાથે, સ્ત્રીઓના મંગલગીતો સાથે મહાઆરતી કરતા હતા. પછી રાજાએ પુષ્પાંજલિ અર્પણ કરી, પછી સર્વે વિપ્રોએ, યજમાન રાજાએ અભિષેક કર્યો. રાજાએ સર્વે વિપ્રોને ભોજન કરાવી દક્ષિણાઓ આપી. વિપ્રોએ આશીર્વાદ આપ્યા. લોમશ ઋષિએ વિસર્જન કર્યું. પછી સર્વે ઋષિમુનિઓને મહેમાનોને ભોજન કરાવી શ્રીહરિએ રાજાઓ સાથે કુટુંબ સાથે ભોજન કર્યું.

એવી રીતે પાંચમે બપોર પછી સર્વ માનવો સાથે સ્નાન કરી વરૂણદેવની પૂજા કરી શ્રીહરિ સર્વેને દાન આપવા લાગ્યા. મુક્તોને પાદુકાઓ આપી, અવતારોને મુગટો આપ્યા. મુક્તાની અવતારીણીઓને સુવર્ણ સાડીઓ આપી, ઇશ્વરોને મુગટ હાર આપ્યા. ઇશ્વરાણીઓને કંદોરા આપ્યા. ઋષિઓને સુવર્ણ કળશો આપ્યા. પિતૃઓને અમૃતથાળી આપી. દેવોને સુવર્ણ છત્રો આપ્યા. દેવીઓને કંઠના આભૂષણો આપ્યા. ભૂત-પ્રેત પિશાચોને વસ્ત્રો આપ્યા. માનવોને સુવર્ણમુદ્રા આપી. દૈત્યોને મણિઓ આપ્યા. અનાથ બાળકો, વૃદ્ધોને અન્નવસ્ત્રો આપ્યા. એ રીતે શ્રીહરિએ જેને જે જોઇએ તે વસ્તુના દાન જડચેતન સર્વને આપ્યા. પછી રાજાઓએ અન્ન, વસ્ત્ર, ગાયો, ગૃહ, ખેતરવાડી, કન્યાદાન વગેરે અનેક દાનો આપ્યા. પછી સર્વએ બાલકૃષ્ણ પ્રભુની આરતી ઉતારી. પછી પ્રભુએ રાત્રે સભા કરી સર્વને ઉપદેશ આપ્યો, પરબ્રહ્મની અક્ષરબ્રહ્મને પ્રેરણાથી ધામમાં રહેલો મુક્ત પુરૂષ સૃષ્ટિઓનું સર્જન કરવા પોતાની શક્તિ માયા સાથે જોડાય છે, તેથી માયામાં રહેલા સર્વે જીવો-ઇશ્વરો પોતાના કર્મથી શરીરો ધારણ કરે છે.

આ જીવાત્મા પંચભૂત ઇન્દ્રિયો અંત:કરણ અને પંચવિષયના સમુદાયને પોતાનું સ્વરૂપ માનીને તેમા કર્મથી બંધાય છે અને વારંવાર અનેક શરીરો ધારણ કરે છે પણ અંદર રહેલા ચેતન આત્માને જાણે અને આત્મામાં રહેલા મને પરમાત્માને જાણે અને મારો આશ્રય કરે તો અગ્નિ જેમ કાષ્ટને બાળી દે છે, તેમ હું તેના માયાના સ્વભાવ કર્મ સર્વ નાશ કરૂ છું. તથા મારા અંશ એવા સંતના યોગથી ભક્ત મારા સમાન થાય છે. વેગ વિનાનું બાણ જેમ પૃથ્વીમાં પડે છે તેમ વાસના વિનાનો જીવાત્મા અક્ષરને પામે છે. અગ્નિથી બળેલા બીજ જેમ ઉગતા નથી તેમ મારા જ્ઞાનામૃત, અભ્યાસથી મારામાં આસક્ત થયેલા ક્યારે પણ માયામાં જતા નથી. પાણીનો સ્વભાવ નીચે જવામાં છે તેમ પંચવિષયીજનો માયામાં જાય છે. બ્રહ્મને જાણનારા, અગ્નિ સ્વભાવવાળા સંત ઉર્ધ્વગતિમાં જાય છે. તેમ સંતના પ્રસંગથી મારી ભક્તિ કરનારા તેને માયા બાધ કરતી નથી. જે સ્નેહ સ્ત્રી પુત્ર ધન અને શરીરમાં છે તે સ્નેહ મારામાં કરવો. જે તૃષ્ણા માન યશ ભોગ સુખમાં છે, તે તૃષ્ણા મારામાં કરવી. સર્વ કાર્યોમાં જે વેગ છે, તે વેગ મારામાં કરવો. લાભ સંતોષમાં સુખમાં જે તૃપ્તિ રહી છે, તે તૃપ્તિ મારામાં કરવી. વસ્તુ પદાર્થમાં જે એકાત્મભાવ છે તે મારામાં કરવો. જે પ્રયત્ન વિષય ધન અને પ્રાણને માટે કરે છે તે પ્રયત્ન મારા માટે કરવો. વાસના નારી, આત્મા, નરને રજોગુણી તમોગુણી કરીને માયાસાગરમાં ડુબાડે છે. તેથી નર હોય કે નારી તેણે રાગ રહિત થઇ વિવેક-વિચાર કરી મારી મૂતિર્માં ચિતવૃત્તિનો નીરોધ કરી. તત્ત્વજ્ઞાનરૂપી અમૃતનું પાન કરી ભક્તિરસનું પાન કરી મારા સ્નેહ સુધાનું પાન કરી અક્ષરપદને ગ્રહણ કરવું. એ રીતે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપી સર્વ અવતારોના કારણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યે સર્વેજનોને મંત્રો આપ્યા. બીજે દિવસે છઠ્યે સવારમાં યજ્ઞમંડપમાં સર્વ ઋષિમુનિઓ વેદમંત્રોથી સર્વનું આવાહન કરી પૂજન કરીને અગ્નિમાં આહુતિ આપી સર્વને બલિ ભોજન આપ્યું.

પછી સર્વે મહેમાનોને ભોજન કરાવી શ્રીહરિએ ભોજન કરી સભા કરી ઉપદેશ આપ્યો, સર્વમાં શ્રેષ્ટવ્રત્ત બ્રહ્મચર્ય છે. બ્રહ્મચારી કાળ, માયા, કર્મને જીતીને મારા ધામને પામે છે. તે બ્રહ્મચર્યવ્રત સિધ્ધ, યોગી, સતી, સાધ્વી, સાધુને સુલભ છે. વિષયીજનોને બ્રહ્મચર્યવ્રત દુર્લભ છે. બ્રહ્મચર્યનું રક્ષણ કરવાથી ઇંન્દ્રિયો, અંત:કરણની શક્તિ વધે છે. શુક્રના ત્રણ બીજ છે. અન્ન, રસ અને મન. એ ત્રણને નિયમમાં કરવા. આહારને નિયમમાં કરવો. ધીમેધીમે ધ્યાન યોગ વધારીને આત્મપ્રકાશ મેળવવો. ત્યારપછી જ્ઞાન પ્રકાશવાળો થાય, તેમાં ભક્તિ પ્રકાશયુક્ત થવાથી દેવના જેવો પ્રકાશવાળો થાય, પછી આત્મામાં પ્રકાશ થવાથી સ્વયંપ્રકાશ થાય. તે કૃષ્ણવલ્લભ થાય. તે સર્વ બ્રહ્મચર્યવ્રતથી પ્રાપ્ત થાય છે. તે પરમશાંતિનો અનુભવ કરી અક્ષરપદને પામે છે. બ્રહ્મચર્યવ્રતમાં નિંદ્રાને જીતવી તે રજોગુણ વધાવનારી છે. તે શરીરનું તપ છે. મનમાં મારું ચિંતન તે મનનું તપ છે. મારી પ્રસાદી, ભોજન તે સર્વ પાપનાશ કરનારૂં છે. વાસનાનો નાશ કરવો તે બુધ્ધિનું તપ છે, આત્મનિષ્ટા તે ચેતનતપ છે. કેટલાક આત્માને-અક્ષરને ઉપાસે છે. તે પણ બ્રહ્મગતિને પામે છે. મારો આશ્રય કરનારા પણ પરમગતિને પામે છે. મારા અંશ સાધુનો આશ્રય કરે તો પણ પરમધામને પામે છે. એ રીતે છઠ્યની રાત્રિએ આત્મનિષ્ટાનો ઉપદેશ આપી આરામ કરી સાતમ સવારે જાગી નિત્ય કર્મ કરી બાલકૃષ્ણપ્રભુ રાજમહેલમાં આવ્યા. સર્વે રાજાઓએ શ્રીહરિની પૂજા કરી, આરતી કરી પછી પ્રભુ યજ્ઞમંડપમાં પધાર્યા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાતમે સવારે યજ્ઞમંડપમાં બેઠા. યજમાન રાજા આવ્યા. લોમશ ઋષિએ પ્રભુની પૂજા કરી. પછી સર્વે અવતારો, ઇશ્વરો- દેવોનું આવાહ્ન કરી પૂજન આરતી કરી બલિભોજન આપ્યા. પુષ્પાંજલિ અર્પણ કરી સર્વ વિપ્રોને દક્ષિણા આપી. પછી શ્રીહરિની આજ્ઞાથી સર્વે મહેમાનો દીન, અનાથને ભોજન કરાવ્યા. પછી સભા કરી અનાદિ બાલકૃષ્ણ સ્વામિનારાયણે સર્વેને કૃપાવચનો કહ્યા, હું પરબ્રહ્મ યજ્ઞરૂપે રહેલો છું. અગ્નિ મારું મુખ છે. મારી મૂર્તિમાં બ્રહ્મરંધ્રમાં અક્ષરધામ છે. રોમમાં મુક્તો વસે છે. બંને ભૃકુટીમાં મુક્તાનિ રહે છે. મારા મુખમાં, નેત્રમાં, ભાલમાં, કાનમાં, ડાઢી, મૂછમાં સર્વ અવતારો વસે છે. ચિબુક-નાસીકામાં અવતારિણીઓ વસે છે. કંઠમાં વાસુદેવાદિ ચતુર્વ્યુહ વસે છે. સ્કંધ-પીઠમાં મહામાયા રહેલી છે. મારા પડખામાં મહાવિષ્ણુ, રૂદ્ર, સદાશિવ વૈરાટ છે. મારા હૃદયમાં મહાલક્ષ્મી-ઇશ્વરાણીઓ-મહાદેવીઓ વગેરે શક્તિઓ રહેલી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇશ્વરકોટી મારા નાભિપ્રદેશમાં રહેલા છે. ઋષિ પિત્રુઓ સિધ્ધો મારા ઉદરમાં રહે છે. યક્ષો, રાક્ષસો, દૈત્યો, દાનવો, મારા ગુપ્તાંગ રોમમાં વસે છે. કામાદિક રાજસી દેવો ગુપ્તાંગમાં રહે છે. ભૂત, પ્રેત, પિશાચ વગેરે કોટીયો નિતંબમાં રહે છે. મારા સાથળ, ગોઠણમાં માનવો વસે છે. પિંડીમાં દૈત્યો વસે છે. ચરણમાં સર્પો, વૃક્ષવેલી રહે છે. રોમમાં સર્વ પશુ-પક્ષી કિટ વગેરે રહે છે. એવી રીતે મારી મૂતિર્માં જડચેતન સર્વે સૃષ્ટિઓ વસેલી છે. મારી તૃપ્તિ આનંદથી સર્વે આનંદવાળા છે. આ મહાયજ્ઞમાં મારા ભક્તોને જે જમાડશે તેને અશ્વમેઘ યજ્ઞનું પૂણ્ય થશે. વિપ્રોને જમાડશે તેને વાજપેય ફળ મળશે. મારું પૂજન કરી મારા સાધુને જમાડશે તેને રાજસૂય યજ્ઞફળ થશે, સતી-સાધ્વીને જમાડશે તેને અતિરાત્ર યજ્ઞફળ થશે. અનાથ દીનને જમાડશે તેને અગ્નિષ્ટોમ ફળ થશે. બ્રહ્મ પત્ની-કન્યાઓને ભોજન કરાવશે તેને ગવાયન ફળ થશે. યતિ સંન્યાસીને જમાડશે તેને સોમયાગ ફળ થશે. રાધામાણિકીનાથ શ્રીકૃષ્ણનું પૂજન કરી ગોપ-ગોપીને જમાડશે તેને વિશ્વજીત ફળ થશે. ગૌરીનાથનું પૂજન કરી માનવોને જમાડશે તેને રુદ્રયાગ ફળ થાય. યજ્ઞ સેવા કરનારાને જમાડશે તેને યજ્ઞફળ થાય.

અનાદિશ્રીકૃષ્ણનારાયણ અવતારી એવો હું મારું પૂજન કરી મને જમાડશે તેને સર્વયજ્ઞ ફળ થશે અને તેના સર્વ સંકલ્પ પૂર્ણ થાય. સર્વવસ્તુંનું દાન કરનારો સ્વર્ગ-મોક્ષ મેળવે છે. લક્ષ્મીનારાયણ સંહિતાનું દાન કરનારો પરમધામમમાં જાશે. ભયથી, લોભથી કીર્તિ માટે દાન ન કરવું. પણ પરલોક હિત માટે સુપાત્ર વિદ્યાવાળા નિસ્પૃહ સહન કરનારા મારા સંતભક્તોને મુક્તિ માટે દાન આપવું. પ્રભુની પ્રસન્નતા માટે દેવાલય, ધર્મશાળા, સંત, આશ્રમો વગેરે બંધાવનાર તે સ્વર્ગને પામે છે. મારા મંદિર બંધાવનારા મારા ધામમાં વાસ કરે છે. પ્રતિષ્ઠા કરાવનારા ઇશ્વરપદ મેળવે છે. મારી મૂતિર્પૂજા કરનારા બ્રહ્મલોકને પામે છે. પરોપકાર માટે વાવ, તળાવ, કૂવા કરનારા, વૃક્ષો વાવનારા અનંત પુણ્ય મેળવે છે અને મારી પ્રસન્નતા માટે કરે તો ભક્તિયુક્ત થઇ મારા ધામને પામે છે. મારે યોગે આ દેશ ગોયાજની નગરીની ભૂમિ તે પણ તીર્થરૂપ થઇને મોક્ષ આપનારી થશે. આ યજ્ઞમાં જેણે પત્ર, પુષ્પફળ, જળ, અન્ન, વસ્ત્ર, જે આપ્યું હશે તેને હું અક્ષરધામમાં લઇ જઇશ. એ રીતે અનાદિ બાલકૃષ્ણ પ્રભુએ ઉપદેશ આપી સર્વને મંત્રો આપ્યા. પછી ઇશાનપાન, શિષ્ટા આદિ રાજાઓએ પ્રભુની પૂજા કરી આરતી કરી. આઠમે સવારે શ્રીહરિ નિત્યકર્મ કરી યજ્ઞમંડપમાં આવ્યા અને ગુરુ લોમશ ઋષિને નમસ્કાર કર્યા. સર્વ ઋષિ વિપ્રો યજ્ઞમાં વેદમંત્રો બોલી હવિષ્યાન્ન હોમવા લાગ્યા. તથા સર્વ અવતારો ઇશ્વરો દેવો વગેરે આવાહન કરી પૂજન કરી બલિ ભોજન આપી પુષ્પાંજલિ અર્પણ કરતા હતા.

પછી સર્વ મહેમાનોને ભોજન કરાવી શ્રીહરિએ ભોજન કરી સાંજે સભા કરી ઉપદેશ આપ્યો, ત્યાગ સર્વસુખથી મહાસુખ આપનારો છે. જેનાથી દુ:ખ થાય છે તે વસ્તુ-પદાર્થનો ત્યાગ કરવાથી સુખ થાય છે. તૃષ્ણાનો ત્યાગ કરવાથી મહાશાંતિ થાય છે. ભોગ ત્યાગથી વ્રત થાય, સુખ ત્યાગથી તપ થાય, સર્વનો ત્યાગ કરવાથી મોક્ષ થાય. માયાને તજી ગુણાતિત થાય ત્યારે બ્રહ્મનો આનંદ મેળવે છે. ઇષ્ટના ત્યાગથી સાત્વિકનો લય થાય છે. રાગદ્વેષના ત્યાગથી રાજસનો લય થાય છે. જડતા અજ્ઞાન-સ્વભાવના ત્યાગથી તામસનો લય થાય છે ત્યારે સચ્ચિદાનંદરૂપે થાય છે. અહંતા મમતાથી રહિત થાય ત્યારે કર્મથી લેવાતો નથી અને બંધન પણ પામતો નથી. સર્પને કાંચળી ત્યાગથી, પક્ષીને ખરેલા પીંછામાં બંધન થતું નથી, તેમ જ્ઞાની પુરૂષ દેહ તજી મહાસુખીયો થાય છે. જે મેળવવાનું છે તે મેળવે છે.જે જવાનું છે તે જાય છે. સુખ-દુ:ખ જે આવવાના છે તે આવશે, એમ જાણી તેમાં મોહ ન પામવો. શ્રીહરિમાં ધ્યાન તે તપ. સરલપણુ, શ્રધ્ધા, સેવા તેથી સર્વ પાપથી રહિત થવાય છે. એ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ઉપદેશ આપી સર્વને મંત્રો આપી વૈષ્ણવ બનાવ્યા. પછી સર્વ મહેમાનોને ભોજન કરાવીને કુટુંબ સાથે પોતે ભોજન કરી, વિશ્રામ કરી નવમી સવારે જાગી નિત્યકર્મ કરી યજમાને સાથે યજ્ઞમંડપમાં આવ્યા. અગ્નિમાં આહુતિ આપી. સર્વેને ભોજન કરાવી શ્રીહરિએ ભોજન કર્યું. દશમને સવારે નિત્યકર્મ કરી યજમાનો સાથે યજ્ઞમંડપમાં આવી, અગ્નિમાં આહુતિ આપીને ભોજન કરાવી શ્રી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ ભોજન કર્યું. એકાદશી સવારે પ્રાત:કર્મ કરી યજમાનો સાથે યજ્ઞમંડપમાં આવ્યા. બાલકૃષ્ણ પ્રભુ, ઋષિઓ-યજમાનોએ ઘીની હજારો ધારથી આહુતિ આપી. હવિષ્યાન્નનો હોમ કરી સર્વદેવોને તૃપ્ત કર્યા. પરબ્રહ્મને, મુક્તોને, અવતારોને, ઇશ્વરોને, દેવોને દેવીઓને, જડચેતન, સ્થાવરજંગમ સર્વને આહુતિ આપી તૃપ્ત કર્યાં. પછી સર્વને પુષ્પાંજલિ અર્પણ કરી નમસ્કાર કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી. શ્રીહરિએ તથા યજમાનોએ ઋષિ વિપ્રોને દક્ષિણાઓ આપી. લોમશ ઋષિ તથા હરિકૃષ્ણ ભગવાને સર્વેને આશીર્વાદ આપ્યા. પછી સર્વે મહેમાનોને ભોજન કરાવ્યા. અનાથદીનને, ભિક્ષુકોને ભોજન આપી દાન આપ્યા. પછી લોમશ ઋષિ યજમાન રાજા સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન અવભૃથ સ્નાન કરવા આમ્રજાની નદીએ ગયા.

પૂર્વે નર ભગવાને આંબાની મંજરીમાંથી આમ્રજાનીને ઉત્પન્ન કરી ઉર્વશીનો ગર્વનાશ કર્યો. તે આમ્રજાની બ્રાહ્મીલ દેશમાં સાત નદી સ્વરૂપે થઇ રાકાંતિકા-સનાગોનિકષા-પુરૂષા- માધ્વારિકા-ગોયાની-માના-સના આ સાત નદીઓમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ સ્નાન કરીને તેને તીર્થરૂપ કરી. ત્યાં યજમાન રાજાઓ પાસે અનેક પ્રકારના દાન અપાવ્યા. એ રીતે ગોયાજની નગરીમાં મહાયજ્ઞ બાલકૃષ્ણને હસ્તે થવાથી મોક્ષ આપનારી થઇ. બારસને બપોરે સર્વને ભોજન આપી વિદાય કર્યા. ઇશાન, પાનશિષ્ટ, રાજારાણી, કન્યા વગેરે સર્વેએ શ્રીહરિની પૂજા આરતી કરી. એકતાલીશ રાજકન્યાઓએ શ્રીહરિના કંઠમાં વરમાળા પહેરાવી રાજારાણીએ અનેક ભેટો આપી.