રાયવાકક્ષ રાજાની તૂર્યપદાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, વિષતુરીય દ્વિપમાં તૂર્યપદાપુરીનો રાજા રાયવાકક્ષ ચારૂલાષ ઋષિ સાથે આવી શ્રીહરિને પોતાને પુર પધારવાની પ્રાર્થના કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ માતા, પિતા, ભાઇ, ભગિની, લોમશ ઋષિશંકર સાથે વિમાનમાં બેસી સમુદ્ર ખાડી ઉલ્લંઘી તૂર્યપદાનગરીમાં આવ્યા. રાજાપ્રજાએ હર્ષનાદથી વધાવી સ્વાગત કર્યું. પછી રાજાએ શ્રીહરિને પુરમાં પધરામણી કરાવી, નરનારીઓને દિવ્યદર્શન કરાવી પોતાના મહેલમાં પધરાવ્યા. રાજારાણી, કુમારો, કુમારીઓ, શ્રીકૃષ્ણવલ્લભની ચંદન પુષ્પોથી, કંકુ, ચોખાથી પૂજા આરતી કરી, રત્નોની ભેટ મુકી, ત્રણ રાજકન્યાએ શ્રીહરિમાં મોહ પામીને વરમાળા પહેરાવી.
પછી પ્રભુએ સિંહાસનમાં બેસી રાજાપ્રજાને ઉપદેશ આપ્યો, સત્પુરૂષોની સેવા પુણ્ય અને મોક્ષ આપે છે. મારા આશ્રિતોએ સદા શ્રીહરિની ભક્તિ કરવી. ભૂત, પ્રાણીમાત્ર પર દયા રાખવી. બુધ્ધિથી મનનો સંયમ કરી દુ:ખ સહન કરવાથી મોક્ષ થાય છે. ધર્મ સર્વનું રક્ષણ કરે છે માટે ધર્મનું રક્ષણ કરવું. સત્યધર્મ પાળવાથી માનવ દેવતુલ્ય થાય છે. સર્વનું ભરણપોષણ કરનારો હું છું. ધર્મનું મૂળ હું છું. ધર્મ, સહિત મારી ભક્તિ કરવાથી જનો તરી જશે. ધર્મ, અર્થ, કામના સર્વ મનમાં રહેલા છે. ધર્મથી શરીર બંધાયું છે. શરીર ધર્મ માટે છે, તેમાં કામના બંધન કરે છે. તેને ત્યજી સાત્વિક રહીને મારી ભક્તિ કરે તો નિવૃત પરાયણ થઇ મોક્ષ મેળવે છે. ધર્મ, અર્થ, કામ જો મારા પરાયણ ન કરે તો અનર્થ થાય છે. બુધ્ધિને મોક્ષને માટે નહીં વાપરે અને માયિક પંચવિષયમાં જવા દેશે તો બુધ્ધિનો નાશ થશે. બુદ્ધિનો નાશ થવાથી મોહ, તામસભાવ, નાસ્તિકતા, દુરાચાર વગેરે દુર્ગુણોથી પ્રજા વર્ણસંકર થાય છે. તેથી સદા મારી ભક્તિ કરી સત્પુરૂષોની મન, વચન, કર્મથી સેવા કરી આશીર્વાદ મેળવવા. શીલધર્મવાળા સાધુઓ કૃષ્ણની મૂતિર્ઓ જ છે. ગુરુઓ મોક્ષ આપનારા છે. મારી દીક્ષામંત્રવાળા, મારી ભક્તિ કરનારા, મહાભાગવત, શીલધર્મવાળા સાધુઓ ધામમાં મોકલનારા છે. પ્રહલાદ પાસે બૃહસ્પતિ આવી આત્મજ્ઞાન આપી દક્ષિણા માગી. પ્રહલાદે શીલધર્મ દક્ષિણામાં આપ્યો. તેની સાથે સંપત્તિ ચાલી. પ્રહલાદ નિસ્તેજ થયા અને પૂછ્યું તમે ક્યાં જાવ છો ? લક્ષ્મી કહે, હું જ્યાં શીલધર્મ અને નારાયણ રહે ત્યાં રહું છું. પછી પ્રહલાદે શીલધર્મ અને નારાયણની ભક્તિ રાખી તેથી લક્ષ્મીજી ત્યાં રહ્યા. એમ શ્રીહરિએ રાજાપ્રજાને ધર્મોપદેશ આપી સર્વને મંત્ર આપ્યા. પૂજા ગ્રહણ કરી આશીર્વાદ આપી વિમાનમાં બેસી દ્વિનસ્ક મીલ્વીલ વિલાસ બુલંદ વગેરે દ્વિપમાં ફરી રાત્રિએ શ્રીહરિ યજ્ઞ મંડપમાં આવ્યા. સ્નાન સંધ્યા કરી ભોજન કરી રાત્રે વિશ્રામ કર્યો. રાજકુટુંબે સેવા કરી. સવારે સૂત, માગધ, બંદીની સ્તુતિથી મંગલ ધ્વનિથી જાગી નિત્યકર્મ કરી યજ્ઞ મંડપમાં આવી આસને બેઠા. લોમશ ઋષિએ પ્રથમ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી પછી સર્વે મુક્તો, અવતારો ઇશ્વરો દેવોદેવીનું પૂજન કર્યું. વેદમંત્રોના ધ્વની સાથે યજ્ઞકુંડમાં હવિષ્યાન્ન દ્રવ્યો હોમવા લાગ્યા.
યજ્ઞમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રત્યક્ષ હોવાથી બ્રહ્મસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, જીવસૃષ્ટિના સર્વનું આવાહ્ન કરી સર્વને બલિ ભોજન આપતા હતા. તે પ્રત્યક્ષ આવી ગ્રહણ કરતા હતા. એ રીતે બલિ ભોજન આહુતિ પુષ્પાંજલિ આપી. નવમીએ સર્વ મહેમાનોને મિષ્ટાન્ન, ભોજન કરાવતા હતા. મેસુબ, મોહનથાળ, મગજ, મોતીયા, મોતીચૂર, ચૂરમાના લાડુ, જલેબી, સાટા, ઘેબર, માલપુડા, પુરણપોળી, પેંડા, બરફી, ખાજા, દૂધપાક, પુરી, શીરો, બીરંજ, કંસાર, બુંદીલાડુ, શ્રીખંડ, રાજગરાનો શીરો, ભજીયાં, દાળભાત, શાક, સંભારા, ચણા, અડદ, કઠોળ વગેરે સર્વને ભોજન કરાવ્યા. મુક્તોને દિવ્ય ભોજન જમાડ્યા. સત્વભોજન ઇશ્વરોને, સુધાભોજન દેવોને, અપક્વ પીંડ પિતૃને, રસભોજન તત્ત્વોને, મહાભોજન રાક્ષસોને એ રીતે સર્વ દેહધારીઓને યજ્ઞપ્રસાદ જમાડ્યો.