શ્રીબાલકૃષ્ણ પ્રભુના ચૌલ સંસ્કાર વિધિનું વર્ણન
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ત્રીજા વર્ષે માગશર સુદ તેરસે પિતા ગોપાલકૃષ્ણ બાલકૃષ્ણને ચૌલ સંસ્કાર ગર્ભકેશ મુંડન વિધિ પ્રમાણે કરાવતા હતા. સાધુ- સાધ્વી બ્રાહ્મણો અતિથી બાળકોને ભોજન કરાવી યથાયોગ્ય દાન આપતા હતા. રાધાએ પૂછ્યું, હે પ્રભુ મુંડન ચૌલ સંસ્કાર કેમ કરાવવો પડે છે ? શ્રીકૃષ્ણે કહ્યું, પૂર્વ જન્મના પાપ તે બાળકના માથામાં કેશમાં રહે છે. તે મુંડનથી નષ્ટ થાય છે. ગર્ભમાં, અગ્નિમાં, નરકમાં, મુત્રાશયમાં, ધાતુમાં જે વાસ થાય છે. તે આત્માના પાપ છે. શરીરનો જન્મ, પાપ, અને પુણ્યથી જ થાય છે. પાપ વિશેષ મસ્તકમાં કેશરૂપે રહેવાથી શીખા અથવા જટા રાખવાથી શુદ્ધ થાય છે, અથવા તીર્થમાં મુંડન કરાવવાથી પાપ નષ્ટ થાય છે, અથવા તે કેશ ધોળા થાય ત્યાં સુધી પાપરૂપી વિષયો દેહધારીને ચોંટે છે. મધ્ય, યુવાન અવસ્થાને શાસ્ત્ર મર્યાદા છે. વૃદ્ધને પાપ પુણ્યની મર્યાદા નથી. પૂર્વે અધર્મ બ્રહ્માના વાંસામાંથી જન્મ્યો. તેની પત્ની હિંસા, તેનો પુત્ર પાપ, તે પાપ માતૃ-પિતૃ ભક્ત હોવાથી જ્યાં અધર્મ હોય ત્યાં હિંસા અને પાપ હોય. જ્યાં અધર્મ ન હોય ત્યાં હિંસા પાપ ન હોય. એ રીતે ચૌલ સંસ્કાર વિધિ છે.
પિતા ગોપાલકૃષ્ણએ બાલકૃષ્ણ પ્રભુનું કેશવપન વાણંદ પાસે કરાવી. તે કેશો અશ્વપટ સરોવરમાં નાંખ્યા. તે સર્વે હજારો અને લાખો ચતુર્ભુજ, અષ્ટભૂજા, શંખ, ચક્ર, ગદા, પદ્મ, વસ્ત્ર, આભૂષણોને ધારણ કરી, દિવ્ય, તેજસ્વી, નારાયણ ભગવાન જેવા દેખાતા આકાશમાં અદૃશ્ય થયા. કેટલાક લક્ષ્મીયુક્ત નારાયણ સમાન દેખાતા એવા સો હજાર હાથવાળા આકાશમાં અદૃશ્ય રૂપે રહીને સ્તુતિ કરતા હતા, હે પ્રભુ હે પરમબહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અમે તમારી મૂર્તિમાં મસ્તકના કેશરૂપે રહેલા નારાયણો છીએ. હે પ્રભુ, તમે અસંખ્ય અવતારોના અવતારી છો. તમારી આજ્ઞાથી અમો બ્રહ્માંડનું પાલનપોષણ, લય કરીએ છીએ. તમારી મૂર્તિમાં મુક્તો, મુક્તાનીઓ સર્વે વાસ કરે છે. તમારી મૂર્તિમાં રાધા, રમા, જયા, લલિતા, લક્ષ્મી, પ્રભા, પાર્વતી, માણિકી, મંજુલા, પ્રેમરૂપે વાસ કરે છે.
સર્વે નારાયણોની સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : મારી ઈચ્છાથી નિત્ય ઉત્પન્ન થતા બ્રહ્માંડમાં મારી આજ્ઞાથી, મારા આપેલા, ઐશ્વર્યથી બ્રહ્માંડનું સંચાલન કરો. તેમાં ચૌદલોકના બ્રહ્માંડમાં ચતુર્ભુજવાળા નારાયણ જાવ. અઠ્યાવીશ લોકના બ્રહ્માંડમાં અષ્ટ ભૂજાવાળા નારાયણ જાવ. છપ્પન લોકના બ્રહ્માંડમાં સોળ ભૂજાવાળા નારાયણ જાવ. એકસો આઠ લોકના બ્રહ્માંડમાં બત્રીશ ભૂજાવાળા નારાયણ જાવ. પાંચસો લોકના બ્રહ્માંડમાં સો ભૂજાવાળા નારાયણ જાવ. હજાર લોકના બ્રહ્માંડમાં હજાર હાથવાળા નારાયણ જાવ. પછી પ્રભુએ સર્વેને તેના હાથમાં રહેલા બ્રહ્માંડનું દર્શન કરાવી. સર્વે અવતારોને જવાની આજ્ઞા આપી. નારાયણના તે સર્વે અવતારો અનાદિશ્રીકૃષ્ણનારાયણને પગે લાગી બ્રહ્માંડોમાં ગયા.
લોમશ ઋષિ કહે : પ્રભુ, મને તે બ્રહ્માંડોનું દર્શન કરાવો. બાલકૃષ્ણ પ્રભુએ પાણીની અંજલિ લોમશ ઋષિના નેત્ર પર છાંટવાથી નેત્રો દિવ્ય થયા અને સર્વે બ્રહ્માંડોનું દર્શન નારાયણના અવતારોનું દર્શન કર્યું. શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચૌલ સંસ્કાર વિધિમાં અદ્ભૂત ઐશ્વર્ય જોઇને માતાપિતા અતિ હર્ષ પામ્યાં. પ્રગટ પ્રભુનું આ ચરિત્ર પાપને નાશ કરનારું અને મોક્ષને આપનારું છે.