કર્કશ રાજાની ફાંકલાશીપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, કર્ણફાલ ઋષિ સાથે કર્કશરાજા આવી શ્રીહરિને ફાંકલાશીપુરીમાં પધારવા પ્રાર્થના કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કુટુંબ ઋષિ સાથે વિમાનમાં બેસી ફાંકલાશીપુરીમાં આવ્યા. રાજા પ્રજાએ વાજીંત્રોથી જયજયકારથી પુષ્પહાર પહેરાવી સર્વનું સ્વાગત કર્યું. સોનાના રથમાં બેસાડીને શ્રીહરિને નગરમાં ફેરવ્યા. ચંદન, પુષ્પથી વૃષ્ટિ કરી. નરનારીઓ પ્રભુના દર્શન, સ્પર્શ, નમન કરી દાન આપતા હતા. પછી રાજમહેલે આવી શ્રીહરિને દૂધપાન, ભોજન કરાવી સુવર્ણ સિંહાસને બેસાડ્યાં. રાજા-રાણીએ કેસર, ચંદન, તીલક ચાંદલો કરી સોનાનો હાર પહેરાવી આરતી કરી સાત રાજકન્યાઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણે ઉપદેશ આપ્યો. મનુષ્ય દેહથી પ્રભુની ભક્તિ કરી કથામાં રૂચિ રાખી પ્રભુનું સુખ લેવું. જે રાગદ્વેષથી રહિત થઇ સર્વ ઈચ્છાનો ત્યાગ કરે છે, તે સર્વ સુખ પામે છે. ધનનો, ઈચ્છાનો, તૃષ્ણાનો, ભોગનો અંત આવતો નથી. દરિદ્રને ધનમાં રાગ થાય છે. ધન મળવાથી રાગ વધે છે. ધન નાશ થવાથી શોકદુ:ખ અને મૃત્યુ થાય છે.
નારદે સ્વયંપ્રકાશને પૂછ્યું, તમે સદા સુખી કેમ રહો છો ? જે રાગદ્વેષ, હર્ષશોક, હાનિ, વૃદ્ધિમાં સમાન ભાવ રાખી આત્મતૃપ્તિનાં આનંદમાં રહે છે. જેની ઇન્દ્રિયો પંચવિષય નિયમમાં છે તેને સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેઓ પરમાત્માને વશ વર્તે છે તેને કાળ, કર્મ, સ્વભાવ, માયા સર્વે વશ રહે છે તે સદા સુખી રહે છે. સ્વયંપ્રકાશ કહે, એ રીતે મહામુનિઓ આત્મસુખથી શાંતિ મેળવી સેવકોને સુખીયા કરે છે. એમ શ્રીહરિએ ઉપદેશ આપી સર્વને મંત્ર આપ્યા.