ભાગ · અધ્યાય ૧૭૯

રાજધાની વીયાનાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ઉષ્ટ્રાલ રાજાની પ્રાર્થનાથી તેની રાજધાની વીયાના નગરીમાં પધાર્યાં તથા નાનોભાઇ ડંકાર તે ગુડાકેશનો રાજા હતો. ત્રીજો ભાઇ જયકાષ્ટલ તે પ્રયાગનો રાજા હતો. તે ત્રણ રાજાના ગુરુ યુગશાવ ઋષિ હતા. શ્રીહરિનું વિમાન દિનપાનદી કાંઠે ઉતર્યું. રાજાઓ, શ્રીમંતો, પ્રજાએ જય શબ્દથી સ્વાગત કરી વાજીંત્રો વગાડી પુષ્પોથી વધાવ્યા પછી મોટા રાજાએ પ્રભુને મણિનો હાર, બીજાએ હીરાનો હાર, ત્રીજાએ મોતીનો હાર પહેરાવ્યા. રાણીઓએ સોનાના હાર પહેરાવ્યા. કુંવરો-કુંવરીઓએ પુષ્પોના હાર પહેરાવ્યા, પ્રભુના પગ ધોઇ પાણી પીધું અને હાથી પર બેસાડી રાજ સન્માનથી નગરમાં ફેરવ્યા. પુરના સ્ત્રીજનો પુષ્પ અક્ષતથી વધાવી શ્રીફળ, સાકર વગેરે અર્પણ કરતા તે સમયે શ્રીહરિનું દિવ્ય અલૌકિક તેજરૂપ જોઇને નરનારીઓ મુગ્ધ થતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ અનેક રૂપે દર્શન આપતા હતા. સર્વના ચિતને હરતા હતા.

શ્રીહરિ કહે : માળા, જપ, તપ, યજ્ઞ, યોગ, દાન સેવા સર્વ શ્રીહરિમાં રહેલા છે. માતા-પિતા, પતિ, પત્ની, ગુરુમાં જેવું હેત પૂજ્યભાવ છે તેવો ભાવ શ્રીહરિમાં કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે સિદ્ધિ મળે છે. કરોડો પુણ્ય વડે સાક્ષાત્ પ્રભુ મળે છે. શરીર સંપત્તિ અને સમય ક્ષણિક છે. તેમાં શ્રીહરિને સાધી લેવા. રાજ્ય, ધન, કુટુંબ, મિત્ર, પત્ની, પુત્ર, ખેતર, વ્યાપાર, શરીરબળ, વાહન સર્વ મળ્યું પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવા ન મળી પ્રસન્ન ન કર્યા તો જન્મ વ્યર્થ ગયો. જો સેવાભક્તિથી પ્રભુને રાજી કર્યા તો જન્મ સાર્થક છે. શ્રીહરિનો આ દિવ્ય સંદેશ સાંભળી પ્રભુના બંને ચરણો રાજકુટુંબે મસ્તક પર ધારણ કર્યા. પછી શ્રીહરિને તથા સર્વે ઋષિમુનિ ભક્તોને ભોજન કરાવ્યા. પછી ઉષ્ટ્રાલ રાજાએ અર્પણ કરેલી દશ કન્યાનું પાણી ગ્રહણ કરી શ્રીહરિ હંકાર રાજાની ગુડાકેશી નગરીમાં આવ્યા. રાજાએ કુટુંબ સહિત પૂજા કરી આરતી કરી. નગરમાં ફેરવ્યા. રાજાએ પાંચ કન્યા શ્રીહરિને અર્પણ કરી. પ્રભુ સર્વેને આશીર્વાદ આપીને જયકાષ્ટલ રાજાની નગરી પ્રયાગ પરત આવ્યા. રાજા, પ્રધાન, શ્રીમંત વર્ગ, પ્રજાએ વાદ્યઘોષ જયકારથી શ્રીહરિનું સ્વાગત કર્યું. પછી રાજ્યસભામાં લાવી પ્રભુનું પૂજન કર્યું. સભામાં ગાવણું કરનારા ગાંધર્વોને શ્રીહરિએ પારિતોષકો આપ્યા. પછી ભોજન દૂધપાન સર્વને કરાવ્યા. રાજા-રાણી, પુત્રીઓએ પ્રભુની પૂજા કરી. રાજાએ પાંચ કન્યા પ્રભુને અર્પણ કરી. શ્રીહરિએ સર્વને આશીર્વાદો આપ્યા.