ભાગ · અધ્યાય ૯૦

શંકરની આજ્ઞાથી ભૈરવી મહામારીએ પાપીઓનો નાશ કર્યો

શ્રીકૃષ્ણ કહે : રાધા, બદ્રિકાશ્રમમાં તપ કરતા નરનારાયણ ભગવાન તથા ધર્મદેવ, ભક્તિમાતા, ઋષિ, મુનિઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરી દર્શનની ઈચ્છા કરી. તે સર્વેને દર્શન દેવા શ્રીહરિ લોમશ ઋષિને સાથે લઇ કાર્તિક માસમાં બદ્રિકાશ્રમ આવ્યા. નારાયણ ભગવાને મહાવૈષ્ણવ યજ્ઞ કર્યો. ત્યારે સાક્ષાત્ પરમેશ્વર હવિષ્યાન્ન જમતા. તે યજ્ઞમાં પ્રભુના પ્રસાદની ઈચ્છાથી અક્ષરમુકતો ગોલોક વૈકુંઠના મુકતો તથા સર્વે દેવો આવી પ્રસાદ જમતા. તે સમયે સિંહલ દ્વિપમાંથી કુંભીનસી શ્રૃગી વગેરે બસ્સો રાક્ષસીઓ અધર્મજીવ રાક્ષસનું વેર લેવા કુંકુમવાપી કાળી ચૌદશની રાત્રિએ આવી મોઢામાંથી અગ્નિ કાઢી સર્વેને બાળી નાખો, કાપી નાખો, ભેદી, દબાવી મારી નાખો, એમ રાડ્યો પાડતી આવી. ત્યારે શંકરે સીમની રક્ષા માટે રાખેલી દૂતી ભૈરવીએ નાગપાસ મંત્રથી સર્વે રાક્ષસીઓને બાંધી. ત્યાં શંકર આવી કહે : તેનો નાશ કર. તે સમયે રાક્ષસીઓનું અને ભૈરવીનું ભયંકર યુદ્ધ થયું. ભૈરવીએ શંકરના બળથી વજ્રનો દેહ કરી સર્વે રાક્ષસીઓનો નાશ કર્યો. લોમશ ઋષિના આશ્રમમાં રહેલી કન્યાઓનું રક્ષણ કરી સર્વે રાક્ષસીઓનો નાશ કરવાથી શંકર પ્રસન્ન થઇ કહે : વરદાન માગ. ભૈરવી મહામારી કહે : મને ભૂખ બહુ લાગી છે. તેથી તૃપ્તિ થાય તેવું ભોજન આપો. શંકર કહે : અહીં તો પ્રભુનો વાસ હોવાથી તને તામસી ભોજન મળે તેમ શ્નથી પણ સૌરાષ્ટ્રમાં જ્યાં તામસી અધર્મી પૂજાપાઠ, ભક્તિથી રહિત દંભી, શઠ, ચોરી, હિંસા કરનારા, પાપી માણસો હોય તેનું તું ભક્ષણ કરજે.

શંકર ભગવાનનું આજ્ઞા વચન સાંભળી ભૈરવી દૂતી મહામારી રોગરૂપે શંકરને નમસ્કાર કરી. કુંકુમવાપી ક્ષેત્રને પગે લાગી સૌરાષ્ટ્રની અધર્મી, દુષ્ટ પ્રજાનો નાશ કરવા આખા ભારત દેશમાં મહામારી રોગ રૂપે ફરીને પાપી પ્રજાનો નાશ કર્યો. તેમાં બાળ, યુવાન, વૃદ્ધ, રાજા-રાણી, નાના, મોટા, નર-નારી કોઇને જોયા વિના સર્વે તામસી મનુષ્યોનો નાશ કરી તેનું લોહી પીધું. એવી રીતે લાખો પાપીઓનો નાશ કર્યો. અશ્વપટ સરોવરના દશયોજનના વિસ્તારમાં મહામારીનો ભય ન હતો. એ રીતે શંકર રુદ્રની આજ્ઞાથી મહામારીએ દૈત્યો, દાનવો, રાક્ષસો, રાક્ષસીઓનો નાશ કર્યો. ત્યારે સર્વે પ્રજા ભય પામી. પરમેશ્વરનું ભજન, સ્મરણ, પૂજન, માનતા કરવા લાગી, હે પ્રભુ, આ મહામારી રોગનો નાશ કરો, અમે સર્વે શિવાલય દેવાલયમાં નૈવેદ્ય કરશું. વસ્ત્ર-આભૂષણો દેવને ધારણ કરાવશું. યજ્ઞ કરી સદાવ્રત આપશું. પારાયણો કરાવી કથા સાંભળશું. શ્રીહરિની સંતની સેવા, ધર્મ કાર્યો કરશું. સૂર્ય, શિવ, પાર્વતી, ગણેશ, લક્ષ્મી, વિષ્ણુ વગેરેને માની પૂજા કરશું. પછી મહામારીને આણ દેવા મંડ્યા. તને શંકરની આણ અને પિતૃઓની શપથ છે. તને શ્રીકૃષ્ણનારાયણના શપથ છે. શ્રીકૃષ્ણ કહે : રાધા, પછી સાધુ-સાધ્વી, સતીઓ, વિપ્રો, આકાશ માર્ગે, બદ્રિકાશ્રમમાં જઇને સર્વરોગના દેવ મહાદેવને નમસ્કાર કરી સર્વ નિવેદન કર્યું.