જીનવર્ધી રાજાની રામપુરીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
આ અધ્યાય 182–184 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ ઇષ્ટલવ ઋષિ સાથે જીનવર્ધી રાજાની પ્રાર્થનાથી તેની રાજધાની રામપુરીમાં પધાર્યા. રાજા-પ્રજાએ હર્ષનાદ અને જય શબ્દોથી શ્રીહરિને વધાવ્યા. પછી હારતોરા કરી રાજસન્માનથી વાહનમાં બેસાડી નગરમાં ફેરવ્યા. લાખો નરનારીઓને દર્શન દઇને રાજમહેલમાં પધાર્યા. તુરંત સભા કરી. તેમાં શ્રીહરિએ કહ્યું, પ્રભુનો આશ્રય કરીને કાર્ય કરનારો, ભગવાનનું ધ્યાન કરનારો, પરમગતિને પામે છે. સત્પુરૂષોની સેવા કરી સત્યના માર્ગે ચાલનારો પરમગતિને પામે છે. સર્વે દેવો-દેવી, ઇશ્વરો મનુષ્યોને આપે છે તો મનુષ્યે પરમાત્માને અર્પણ કરી ગ્રહણ કરવું. પરમાત્માને અર્પણ કર્યા વિના ભોગવે તો નારકી થાય છે. સર્વ વસ્તુ પદાર્થ-સંપત્તિ પરમાત્માને અર્પણ કરે તો મોક્ષ મેળવે છે. સમુદ્ર, પૃથ્વી, મોલકણ, બીજ, દેહ, સર્વ પ્રભુએ નિર્માણ કર્યું છે. તે પ્રભુને આપવું એવું જાણીને જે સેવા-ભક્તિ કરશે તેનો ઉધ્ધાર હું કરીશ. અને મારો આશ્રય નહીં કરે તેને દંડ દેનારો પણ હું છું. મે યમરાજને, દેવને અને રાજાઓને પાપી, અધર્મીઓને દંડ આપવા માટે નિર્માણ કરેલા છે. ધર્મ દંડ છે. તે સૂતેલાને જગાડીને ધર્મ અર્થ કામ અને મોક્ષ આપે છે. હું સર્વસૃષ્ટિઓનો નેતા શાસક અને રક્ષક છું. મનુષ્યો, પશુપક્ષી, જંતુ સર્વ દંડના ભયથી પોતાની સ્થિતિમાં વર્તે છે. દેવ-દૈત્યો, રૂદ્ર, મહેંદ્ર, કાળ, વાયુ, કુબેર, યમ, વરુણ, રવિ, મૃત્યુ, શનિ વગેરે સર્વે પણ દંડથી નિયમમાં રહેલા છે. માટે આ લોકમાં ધર્મ નિયમથી રહેનારા મનુષ્યોને સ્વર્ગસમાન સુખ મળે છે. મારી જે આજ્ઞા છે તેજ ધર્મ દંડરૂપે છે અને ભય વિનાની છે. એમ સમજી સર્વે નરનારીઓ એ ભાગવત ધર્મનું પાલન કરવું. શ્રીહરિનો અલૌકીક આદેશ સાંભળી સર્વે રાજી થયા. પછી જીનવર્ધી રાજારાણી કુટુંબે પ્રભુની પૂજા કરી આરતી કરી ભેટ મુકી મંત્રો લીધા. પછી શ્રીહરિએ સર્વે પ્રજાને મંત્ર પ્રદાન કર્યું. રાજારાણીએ સાત કન્યા શ્રીહરિને અર્પણ કરી. કન્યાઓ કૃષ્ણવલ્લભને પામીને પોતાને ધન્યભાગ્ય માનવા લાગી. ત્યાં એક મનુષ્ય રુદન કરતો આવ્યો અને શ્રીહરિને કહ્યું, મારી પુત્રીને રાક્ષસ ઉપાડી ગયો છે. અને તે કેટલાય બાળકોને, યુવાનોને લઇ જઇ મારી નાખે છે. ત્યાં અલ્પપર્વતનો રાજા અલ્પકેતુ શ્રીહરિ પાસે આવ્યો. પ્રભુએ તે બંને રાજાને તથા સૈન્યને લઇ અપિનાયા પર્વતમાં જ્યાં રાક્ષસ રહેતો હતો ત્યાં આવ્યા. યુદ્ધનો શંખ ફુંક્યો ત્યાં દશ હજાર રાક્ષસો વસ્ત્ર વિનાના ભયંકર હાડકાંના શસ્ત્રો લઇને યુદ્ધ કરવા આવ્યા. શ્રીહરિ સમર્થ હોવા છતાં રૂદ્રને બોલાવ્યા. શંકર આવ્યા. શ્રીહરિએ આજ્ઞા આપી આ રાક્ષસોનો નાશ કરો. શંકર સૌમ્યરૂપ તજીને મહાભયંકર વિકરાળ, મહારૂદ્ર સ્વરૂપ ધારણ કરી યુદ્ધ માટે તૈયાર થયા. રાક્ષસો પણ પર્વતમાંથી, ગુફામાંથી બહાર આવીને મારી નાખો, ખાઇ જાવ, પકડી લ્યો, બાંધી દો, કાપી નાખો એમ રાડો પાડતાં યુદ્ધ કરવા આવ્યા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સમુદ્રને અને ચંદ્રને યુદ્ધ માટે સંભાર્યા. તે પણ આવ્યા અને રાક્ષસો સાથે અસ્ત્રો-શસ્ત્રોથી ભયંકર યુદ્ધ થયું. ત્યાં રાક્ષસીઓ યુદ્ધ કરવા આવી એટલે શંકરે ડાબા ભાગમાંથી દુર્ગાદેવીને પ્રગટ કર્યા. તે દુર્ગાદેવી કરોડો રૂપ ધારણ કરી સિંહ પર આરૂઢ થઇ રાક્ષસીઓ સાથે યુદ્ધ કરી તેને ગળેથી પકડીને નાશ કરી. રાક્ષસોનો રાજા મારીચ શાર્દુલ મલીન વિદ્યાથી પર્વતો ઉપાડી ફેંકવા લાગ્યો. શ્રીહરિની આજ્ઞાથી વાયુએ પર્વતોને ચૂર્ણ કરી નાખ્યા. રાક્ષસોએ બાજપક્ષીઓ મોકલ્યા. શંકરે અનળ પક્ષી મોકલી સર્વનો નાશ કર્યો. રાક્ષસોએ ઝેરી સર્પો મોકલ્યા. શંકરે ગરુડમંત્રથી સર્પોનો નાશ કર્યો. પછી ભય પામેલા રાક્ષસો જ્યાં સમુદ્રમાં પ્રવેશ કરવા ગયા ત્યાં શ્રીહરિએ સુદર્શન ચક્રથી રાક્ષસોનો નાશ કર્યો અને પર્વતને પણ ભસ્મ કર્યો. સુદર્શનચક્રથી અગ્નિથી પર્વતમાં રસ થયો. તે જામીને લાલ, લીલા, પીળા, ધોળા, કાળા સર્વે મણિઓ થયા. સર્વે રાક્ષસોનો નાશ થવાથી આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી જય જય કાર કર્યો. તે રાક્ષસોએ અપહરણ કરેલી બે હજાર બસ્સો યુવતીઓ તથા નરનારી બાલ-બાલીકાઓને તે નગરીમાંથી શ્રીહરિએ કેદમુક્ત કર્યા.
શ્રીહરિએ શંકરને કહ્યું : આ સર્વને મંત્ર આપો. શંકરે સૌને મંત્ર આપી વૈષ્ણવો બનાવ્યા. બાવીસો યુવતીઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી પછી ત્યાં ખીણમાં રહેલા મનુષ્યના હાડકાંના ઢગલાને જોઇને શ્રીહરિએ તે સર્વેને જીવતા કર્યા. પછી તે મારીશા નગરીનું રાજ્ય જીનવર્ધી રાજાને આપ્યું અને રાજાએ પ્રજાને ઉપદેશ આપ્યો, આ શંકર ભગવાને તમારું સર્વનું રક્ષણ કર્યુ માટે તમો રવિવારે શંકરરૂપ ઇશાનદેવની આરાધના કરજો. કામ, ક્રોધ, લોભરૂપી રાક્ષસોથી રક્ષા કરવા દર રવિવારે પ્રાર્થના કરજો તથા શરીરનો અને મનનો વ્યાધિ-દુ:ખ નાશ કરવા તથા દોષ-અભિમાન, રાગ, પ્રમાદરૂપી રાક્ષસોથી રક્ષા કરવા રવિવારે ઇશાનદેવની પ્રાર્થના કરજો. રવિવારે સર્વે રસ ભોગનો ત્યાગ કરનારા ઉત્તમ ગતિ મેળવે છે. રવિવારે સર્વ દુર્ગુણોનો ત્યાગ કરવો.