લક્ષ્મી અને ઉર્વશી ચકલી હિમાલય પર તપ કરી શાપ મુક્ત થઇ
આ અધ્યાય 100–105 સંયુક્ત છે
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : હવે ચકલીનું નરનારાયણ ભગવાન રક્ષણ કર્યું તે કહું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ હેમશાલાયન આદિ ઋષિને કહે : ચકલી સર્વે તીર્થો કરતી નેપાળ પ્રદેશમાં આવી. ત્યાં ગંડકીમાં લક્ષ્મી સમાન રૂપવાળી આઠ વર્ષની કન્યા શ્રીહરિનું ભજન કરતી અને પ્રાર્થના કરતી, હે પ્રભુ ક્યારે દર્શન આપશો ? તે કન્યા પાસે ચકલી આવી કહે, જ્યારે મને કૃષ્ણ મળશે ત્યારે તને મળશે. હું વિયોગવાળી છું તેમ તું પણ વિયોગવાળી છે. કન્યા કહે, તું કોણ છો ? ચકલી કહે : હું તો નરનારાયણની પુત્રી ઉર્વશી શાપથી ચકલી થઇ છું. પછી કન્યા કહે : હું સાક્ષાત્ લક્ષ્મી. અનાદિશ્રીકૃષ્ણનારાયણની પત્ની છું. મેં પ્રભુનો ત્યાગ કર્યો નથી, પણ પ્રભુને ભક્તમાં અને ભક્તિમાં હું વિઘ્નરૂપે થઇ એટલે શ્રીહરિ વૈકુંઠમાં મારો ત્યાગ કરી અહીં પૃથ્વી પર આવ્યા છે. મારા પિતા શિવરાજ શંકર અહીં ગંડકીકાંઠે સતી પાર્વતી સાથે રહે છે. તેમણે કૈલાશ ધામથી અહીં આવી મારા માતા-પિતાનારૂપે જન્મને ધારણ કર્યાં છે પણ સમય થશે ત્યારે આવીને ઉદ્ધાર કરશે. ચકલી ઉર્વશી માતા લક્ષ્મીનું વચન સાંભળી કહે : માતા, તારા દર્શનથી આજ મારું દુ:ખ નષ્ટ થયું છે. સર્વ કરતા માતાનું સુખ અધિક છે. માટે હે માતા હવે તું કહે તેમ કરું. માતાનું વચન વેદતુલ્ય છે. પુત્રી છે તે માતાનું ધન છે. પુત્ર છે તે પિતાનું ધન છે. પુત્ર પિતાને સહાય કરે છે. પુત્રી માતાને સહાય કરે છે. ચકલી કહે : માતા શ્રીહરિએ તમારો ત્યાગ કેમ કર્યો ? અનાદિશ્રીકૃષ્ણનારાયણ હેમશાલાયન ઋષિઓને હવે લક્ષ્મીજીને શ્રીહરિનો વિયોગ કેમ થયો તે કથા કહે છે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, ભગવાન ભક્ત માટે લક્ષ્મીનો પણ ત્યાગ કરે છે. તો બીજાની શું વાત કરવી. મહા વૈકુંઠમાં લક્ષ્મીની સેવામાં કૃષ્ણા નામે દાસી હતી તથા તેના બે ભાઇઓ જય અને ચંદ્ર તે પ્રભુની સેવાપરાયણ પાર્ષદો હતા ત્યારે એક ધેનુપાલ સેવક હતો. એકવાર તે ચારેય ભક્તો ભેટ લઇ ભગવાનની પૂજા કરવા આવતા હતા. નારાયણની સેવામાં લક્ષ્મીજી હતા. સખી પાર્ષદોએ આવી લક્ષ્મીનારાયણની અતિ પ્રેમથી પ્રાર્થના કરી. નારાયણ શય્યા તજીને ભક્તોને દર્શન દેવા બીજા ખંડમાં આવ્યા. સખી પાર્ષદોએ લક્ષ્મીનારાયણની ચંદન પુષ્પથી પૂજા કરી. શણગાર ધરાવ્યા હાર પહેરાવ્યા. ભેટ મૂકી ભોજનપાન કરાવ્યા. સ્તુતિ કરી ધ્યાનમાં બેસી ગયા. જાજીવાર થઇ ઊભા ન થયા એટલે લક્ષ્મી પોતાની સેવામાં વિઘ્ન કરનારા ઉપર ક્રોધે ભરાયા. પણ કાંઇ કહી ન શક્યા. ત્યાં શિવ-પાર્વતી આવ્યાં અને શ્રીહરિનું પૂજન કર્યું. પછી લક્ષ્મીએ આસન આપ્યું સતિ બેઠા અને શિવ પ્રભુને રાજી કરવા તાંડવનૃત્ય કરવા લાગ્યા. ભક્તવશ ભગવાને લક્ષ્મીમાં ધ્યાન ન આપ્યું, અને લક્ષ્મીનો ક્રોધ વધતો ગયો. ત્યારે ધીરજતાનો ત્યાગ કરી લક્ષ્મીએ શિવ-પાર્વતી, જય, ચંદ્ર, ધેનુપાલ અને કૃષ્ણા સખીને શાપ આપ્યો, તમે સર્વે પૃથ્વી પર મનુષ્યરૂપ ધારણ કરો. તમે સમયને નહીં જાણી મારી સેવાના સમયમાં વિઘ્ન કરો છો માટે વિઘ્નનું ફળ ભોગવો.
એમ કહી લક્ષ્મી શ્રીહરિનો હાથ જાલી અંદર લઇ ગયા અને કહ્યું, પ્રભુ આવા વેવલા ભક્તો તમારા કેટલાં છે. સમયને પણ જાણતા નથી. આવ્યા પછી જવામાં સમજતા નથી. શિવ-પાર્વતી, સખી, પાર્ષદો તે લક્ષ્મીનો શાપ સાંભળીને નિસ્તેજ પડી ગયેલા મુખવાળા થઇ ગયા. લક્ષ્મીનારાયણને નમસ્કાર કરી શ્રીહરિનું ચિંતવન કરતાં ત્યાંથી નીકળી ગયા. લક્ષ્મીએ શાપ આપ્યો તેથી વૈકુંઠમાં હાહાકાર થઇ ગયો. માટે તેજસ્વી પુરુષોનો સમય ખોટો ન બગાડવો. પછી શંકર-પાર્વતી નેપાળમાં હિમાલયમાં શિવરાજ નામે રાજા થયા. પાર્વતી જાનકી નામે થયા. ધેનુપાલ, જય અને ચંદ્ર શિવરાજના નાના ભાઇઓ થયા અને કૃષ્ણા શિવરાજ પુત્રી થઇ. સર્વે ભક્તો બ્રહ્મનિષ્ટાવાળા, ધ્યાનયોગવાળા ભક્તિ પરાયણ એક કુટુંબમાં થયા. વૈકુંઠધામમાં શંકર લક્ષ્મીને શાપ આપવા સમર્થ હોવા છતાં દાસ ભક્ત હોવાથી અને લક્ષ્મી જગતમાતા હોવાથી સર્વ સહન કર્યું અને સર્વે શ્રીહરિની ઈચ્છાને જાણી દંડરૂપ હોવા છતાં વરદાન સમાન માન્યું, તે ભક્તોનું દાસપણું છે. શ્રીહરિમાં વિશ્વાસ, શ્રીહરિનું વચન તે વરદાન, શ્રીહરિમાં ન્યાસ, શ્રીહરિમાં કૃપણતા, શ્રીહરિમાં સદા સ્થિરમતિ, શ્રીહરિના ગમતામાં વર્તવું, શ્રીહરિને ન ગમે તેનો ત્યાગ કરવો. આ છ પ્રકારે શરણાગતિમાં રહેનારો ભક્ત તે દાસભક્ત કહેવાય છે. એમ માની શિવ-પાર્વતી તથા સખી પાર્ષદોએ શાપને સહન કર્યો. પાર્વતી પણ જાણતા હતા કે, નારાયણ આપણા ગુરુ છે. લક્ષ્મી ગુરુપત્ની છે, તે માતા સમાન ગણાય તે પૂજનીય, વંદનીય છે અને તેને રતિભંગ થયો તેથી શાપ આપ્યો છે, માટે તે દુ:ખ સહન કરવું. એમ માની પાર્વતીએ પણ લક્ષ્મીને શાપ ન આપ્યો.
શ્રીકૃષ્ણ કહે : રાધા, લક્ષ્મીએ ભક્તોને શાપ આપવાથી નારાયણ અતિ ઉદાસ થઇ ગયા. માતાપિતા પત્ની અથવા એકનોએક પુત્ર મરી ગયો હોય અથવા સર્વનાશ થયું હોય તેમ કોઇ સાથે કાંઇ બોલતા નહીં. લક્ષ્મી ઘણા પ્રયત્ન કરી નારાયણને બોલાવતા પણ નારાયણ ભક્તશોકથી લક્ષ્મીને કહે : મારા ઘરમાં મારા ભક્તને શાપ, દુ:ખ થાય તો મારે અહીં રહ્યાનું શું કામ છે. હું મારા ભક્તો માટે નરનારાયણ રૂપે બદ્રિકાશ્રમમાં તપ કરું છું. ક્ષીરસમુદ્રમાં, શ્વેતદ્વીપમાં, વૈકુંઠમાં, ગોલોકમાં, અવ્યાકૃત, અમૃતધામમાં, અક્ષરધામમાં હું ભક્તોને માટે જ સર્વ ધામોમાં રહેલો છું. તે સર્વ ભક્તો શિવ-પાર્વતી પાર્ષદોને શાપ આપ્યો તે મને જ આપ્યો છે. તું મારા ભક્તોનો મહિમા નથી જાણતી. મારા ભક્તોનો મહિમા નારદ, સનક, શુકદેવ આદિ જાણે છે. મારી પાસે આવેલા મારા ભક્તને મારા નેત્ર ન જુવે તો હું નેત્રને કાઢી નાખું. ભક્ત વિના મિષ્ટાન્ન ઝેર જેવું લાગે છે. ભક્ત વિના સુંદર રેશમી વસ્ત્ર બાણ જેવું લાગે છે. આભૂષણો માછલા જેવા લાગે છે. મારું મસ્તક ભક્તને ન નમે તો કાપી નાખું. કાન ભક્ત વચન ન સાંભળે તો કાપી નાખું. નાસિકા ભક્ત ગંધને ગ્રહણ ન કરે તો કાપી નાખું. એ રીતે મારું શરીર ઇન્દ્રિયો ભક્ત અર્થે ઉપયોગ ન આવે તો તેનો ત્યાગ કરી દઉં. લક્ષ્મી તને વધારે શું કહું. ભક્તને તું દુ:ખ કરનારી થા, તો તારો પણ ત્યાગ કરું. અરે શિવ-પાર્વતી અને પાર્ષદોએ ક્યાં જન્મ ધારણ કર્યો હશે ? ત્યાં મારે જવું પડશે. એમ કહી નારાયણ સિંહાસનેથી ઉઠી લક્ષ્મી, ગરૂડ અને વૈકુંઠ ધામનો ત્યાગ કરી પૃથ્વી પર આવ્યા. લક્ષ્મી અતિરૂદન કરવા લાગ્યા.
નારાયણ
અક્ષરક્ષેત્ર
અશ્વપટ
સરોવરમાં
કુંકુમવાપીમાં
રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિમાં લીન થયાં. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી નારાયણ નેપાળ દેશમાં ગંડકી નદી કાંઠે જઇ જ્યાં શિવ-પાર્વતી પાર્ષદોએ જન્મ ધારણ કર્યો હતો ત્યાં જઇ તેની સાથે રહ્યા અને તે ભક્તોની પૂજા અંગિકાર કરતા. ક્યારેક કુંકાવાવ આદિ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવતા. વૈકુંઠમાં રહેલા લક્ષ્મી અતિશોક કરવા લાગ્યા. અરે મેં રાગદ્વેષથી તૃષ્ણાથી ભક્તોનો દ્રોહ કર્યો તે પાપે નારાયણ મને તજી ગયા. નારાયણ સદા મને પાસે રાખતા પણ મારા ચંચળ સ્ત્રી સ્વભાવથી, ભક્તોની અવગણનાથી પ્રભુને મેં કુરાજી કર્યાં. પ્રભુ મને મૂકીને ક્યાંય જતા નથી પણ અત્યારે મને અને ધામ તજી જતા રહ્યા. એમ લક્ષ્મી પ્રભુના ગુણને સંભારી અતિ રૂદન કરતા મૂર્છા પામ્યા. સર્વે સખીઓ આવી પવન નાખવા લાગી. પૂછ્યું શું થયું ? લક્ષ્મી કહે : નારાયણ મને મૂકીને જતા રહ્યા છે. સાંભળીને સર્વને અતિ દુ:ખ થયું અને રોવા લાગ્યા. લક્ષ્મીજી કહે : હવે હું નારાયણ વિના ખાઇશ નહીં, પાણી નહીં પીઉં. હું નારાયણ વિના નહીં રહી શકું.
નારાયણ વિના શય્યા બાણ જેવી ભોજન ઝેર જેવું લાગે છે. પુષ્પમાળા ઝાળ જેવી, શણગાર રાક્ષસ જેવા લાગે છે. વૈકુંઠ હરિ વિના ખાલી ખાડા જેવું લાગે છે. એક ક્ષણ યુગ જેવી લાગે છે, તમે જ્યાં હશો ત્યાં હું આવીશ. એમ કહી લક્ષ્મીજી વૈકુંઠમાંથી સત્યલોકમાં આવ્યા, બ્રહ્મા વગેરે દેવોએ સત્કાર કર્યો, પૂજા કરી ભોજન કરાવ્યા. પછી પ્રભુએ પૂછ્યું, માતાજી કેમ આવવાનું થયું ? લક્ષ્મી કહે : નારાયણ મને તજી પૃથ્વી પર ગયા છે, તે ક્યાં હશે ? બ્રહ્મા કહે : વિષ્ણુ અશ્વપટ સરોવર કુંકુમવાપી ક્ષેત્રમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિમાં લીન ભાવે રહી, બીજે રૂપે નેપાળ પ્રદેશમાં, શિવરાજના ભક્ત કુટુંબમાં તેની સેવા અંગિકાર કરતા વાસ કરે છે. ત્યાં તમને તમારા પતિ મળશે. લક્ષ્મી પ્રસન્ન થઇ, બ્રહ્મા અને સાવિત્રીને નમસ્કાર કરી લાખો દાસદાસીઓ સાથે કુંકાવાવ આવ્યા. કંભરામાતાએ સર્વનું સ્વાગત કર્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કર્યાં પણ ચતુર્ભુજ નારાયણ ન દેખાયા. જેથી લક્ષ્મીએ બે માસ તપ કરી યજ્ઞ કરી પાણી પીને રહ્યા. એટલે નારાયણે ચતુર્ભુજ દર્શન આપી કહ્યું, તું શિવરાજને ત્યાં પુત્રીરૂપે પ્રગટ થઇને શાપનું ફળ ભોગવ અને ત્યાં તને મારો યોગ થશે. પછી લક્ષ્મી તથા સર્વ પાર્ષદો નેપાળ શિવરાજ જાનકીને ઘેર આવ્યા, જ્યાં ચંદ્ર ધેનુપાલ કૃષ્ણાદાસ વગેરે ભક્ત કુટુંબ પણ હતું. શિવરાજે અતિ પ્રસન્ન થઇ લક્ષ્મીનું સ્વાગત કરી રાખ્યા પણ નારાયણને ન દેખ્યા. એટલે લક્ષ્મી શિવરાજને ત્યાં કન્યારૂપે પ્રગટ થયા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. કન્યાલક્ષ્મી તપ કરી નારાયણની સેવા પૂજા કરતા હતા.
એકવાર શ્રી નારાયણ કન્યાને કહે : હિમાલયમાં તપ કરવા સર્વ પાર્ષદો સાથે જાવ. લક્ષ્મી હિમાલયમાં તપમાં બેસી ગયાં. અનાદિશ્રીકૃષ્ણનારાયણ હેમશાલાયન આદિક ઋષિને કહે : તે લક્ષ્મી તપ કરતાં હતાં ત્યાં ચકલી આવી. લક્ષ્મી કહે : બેટા તપ કર્યાં વિના નારાયણ પ્રસન્ન નહીં થાય. માટે હિમાલયમાં હનુમાન આશ્રમ છે. જ્યાં દેવો, ઋષિમુનિઓ વાસ કરે છે, ત્યાં દૈત્યો, દાનવો, રાક્ષસો આવી શકતા નથી, ત્યાં આપણે નિર્ભય રહીને તપ કરી શકીએ, એમ કહી માતા-પિતા શિવ-પાર્વતીની આજ્ઞા લઇને પગે લાગી લક્ષ્મી ચકલી ઉર્વશી સાથે શાપમુક્ત થવા નારાયણને પામવા માટે બદ્રિકાશ્રમમાં હનુમાન આશ્રમમાં તપ કરવા ગયા. ત્યાં હનુમાન આવી કહે : કન્યા ક્યાં જાવ છો ? અહીં મારા આશ્રમમાં અભક્તોને પ્રવેશ મળતો નથી. લક્ષ્મી કહે : હે મહાભક્ત રામને વહાલા તમને નમસ્કાર. તપસ્વીઓની રક્ષા કરનારા તમને નમસ્કાર, અમે અભક્ત નથી. આ ચકલી નારાયણ પુત્રી ઉર્વશી છે. હું નારાયણપત્ની સીતા છું. શાપ મુક્ત થવા અહીં તપ કરવા આવ્યા છીએ.
લક્ષ્મીજીનું વાક્ય સાંભળી હનુમાન પગે લાગી આશ્રમમાં નિર્ભય રહેવા અગ્નિકુંડ કરી આશ્રય આપ્યો અને કમંડલું, વલ્કલ આસન, જપમાળા, ફળફૂલ તથા નારાયણની ચતુર્ભુજ મૂર્તિ આપી. એ રીતે હનુમાનજીએ આશ્રમમાં વાસ આપ્યો. લક્ષ્મી અને ચકલી માગશર વદ બીજે તપમાં બેસી જપ શરૂ કર્યો “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” સદા સવારે ગંગામાં ત્રણ વાર સ્નાન કરી હનુમાનને નમસ્કાર કરીને શ્રીહરિનું પૂજન કરી અગ્નિકુંડમાં જપ સાથે હોમહવન કરતાં હતાં. એક માસ કંદનો આહાર કરી પૃથ્વી પર શયન કરતા. બીજે માસે ફળનો આહાર કર્યો. ત્રીજે માસે બોરડી વગેરેનાં પાંદડાનો આહાર કર્યો. ચોથે માસે પુષ્પનો આહાર કર્યો. પાંચમે માસે પાણી પીને રહ્યા. છઠ્ઠે માસે ઝાકળના કણ પીને રહ્યા. સાતમે માસે વાયુ આહાર કરીને રહ્યા. આઠમે માસે શ્વાસ માત્ર ગ્રહણ કરી રહ્યા. નવમે માસે વૃક્ષની જેમ એક પગે ઊભા રહી તપ કર્યું. દશમે માસે તપ કરતા લક્ષ્મી અને ચકલી બંનેના શરીરો લાકડા જેવા થઇ ગયા. અગિયારમે માસે તે બંનેના શરીરમાંથી તપરૂપ અગ્નિ પ્રગટ થઇ ચારે કોર વ્યાપ્ત થવા લાગ્યો. હનુમાન આશ્ચર્ય પામી રામ, કૃષ્ણનો જપ કરવા લાગ્યા. શ્રી નારાયણ લક્ષ્મીજીના તપની પરાકાષ્ટા જોઇને તપનું ફળ આપવા આવ્યા. કરોડો સૂર્યસમાન તેજસ્વી નારાયણને જોઇને હનુમાને દંડવત્ પ્રણામ કર્યા, પૂજા કરી ફળ પુષ્પો આપ્યા. શ્રી નારાયણે હનુમાન પાસે ગંગાનું જલ મંગાવી તે બંને પર છાંટી ચેતન કર્યા અને કહ્યું, તમારું તપ પૂર્ણ થયું છે. હવે કાંઇ બાકી રહ્યું નથી. તે બંનેએ નેત્રો ખોલ્યા ત્યાં આગળ પિતાંબરધારી મુગટ, કુંડળવાળા શ્રી પુરુષોત્તમ નારાયણના દર્શન કરી અતી હર્ષ પામ્યાં.
કૃપાળુ નારાયણ ભગવાન કહે : પ્રિયે કમલા, પુત્રી ઉર્વશી તમારે જે જોઇએ તે વરદાન માગો. લક્ષ્મી કહે : પ્રભુ મારો અપરાધ ક્ષમા કરી મારી સાથે વિવાહવિધિથી મને પત્ની ભાવે ગ્રહણ કરો. શ્રી નારાયણ કહે : તારા પિતા શિવરાજ વગેરે કુટુંબ તમે સર્વે કાશીમાં જજો. પછી હું ત્યાં આવી વિધિપૂર્વક તારી સાથે વિવાહ કરીશ. એમ કહી પાણી પાયું અને ફળ આપ્યા. પછી ઉર્વશી ચકલીને કહ્યું, લે પાણી પીને શાપ મુક્ત થા. ઉર્વશી કહે : તમે વિશ્વંભર છો, ભક્તને આધીન છો. મારે પાત્રમાં પાણી પીવું નથી. અહીં વૃષ્ટિ કરો, મારે તો શિખર પર બેઠા બેઠા પાણી પીવું છે. નારાયણ કહે : અહીં સુધી પાણી આવે કેટલા જીવ મરી જાય તો પાપ કેટલું થાય. ચકલી કહે : પાપને નાશ કરનારા તમે છો, પાપનો ભય બતાવશો તો તમારું ભજન કોણ કરશે ? ત્યાં નારાયણ અદૃશ્ય થયા. ચકલી ફરીવાર જપ, તપ કરવા લાગી. ચકલીના ઉગ્ર તપથી નારાયણના હોઠ પાણી પીવા છતાં સુકાવા લાગ્યા તેથી સર્વે દેવો ઇશ્વરો ભય પામ્યા. બ્રહ્માંડ સુકાવા લાગ્યું.
ત્યારે બ્રહ્મા પ્રભુ પાસે જઇ કહે : સર્વ બ્રહ્માંડોનો પ્રલય અટકાવવા તો તમે તે ચકલીને મેઘનું પાણી પાઇ તૃષ્ણા છીપાવો. પછી પ્રભુએ મેઘને આજ્ઞા આપી. તેથી અતિવૃષ્ટિ થઇ, ચારે કોર પાણી પાણી થઇ ગયું. શિખર પર પાણી પહોંચ્યું. ચકલીએ પાણી પીધું ત્યારે નારાયણની તૃષ્ણા શાંત થઇ અને બ્રહ્માંડમાં સર્વત્ર શાંતિ થઇ. ઉર્વશી પાણી પીઇ શાપ મુક્ત થઇ. પછી શિવરાજ સર્વ ભક્ત કુટુંબ નેપાળ પ્રદેશનો ત્યાગ કરી, કાશીમાં વરણા તટે આંબાના બગીચામાં વાસ કર્યો. ત્યાં કાશી રાજાના ઘણા સ્વાગત સત્કારને પામીને મહેલ હવેલી બનાવી ત્યાં રહ્યાં અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ પૂજન કરવા લાગ્યા.