પરબ્રહ્મ પરમધામાધિપતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : હે ગુરુ, મને પ્રત્યક્ષ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા કહો. જે પરમેશ્વર સર્વનું શાસન કરે છે. જેનું સર્વે ભજન કરે છે. તે પ્રભુનો બોધ કહો.
લોમશ ઋષિ કહે : હે રાજા, વેદનાપારને પામેલા વિદ્વાનો એકાંતિક ભક્તો તે શ્રીહરિના અવતારો તેના ચરિત્રો- લીલા - ક્રિયા અને નામ સર્વે જાણે છે. બીજા કોઇ જાણી શકતા નથી. તે પરબ્રહ્મની સર્વ સૃષ્ટિઓ થયેલી છે. તેમાં પોતે રહેલા છે. તેથી તેમને આદિ દેવ કહેલા છે. સર્વે ગુણ, વિભૂતિ, ઐશ્વર્યો, શ્રી, દિવ્યવેશ, રચના, વાણી તેમાં રહેલા છે તે સર્વેને આપનારા છે તેથી તેમને પરમેશ્વર કહેલા છે. કર્મથી પાપ દુર્ગુણ દોષ અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાનસુખ આપનારા માયા પાર શાશ્વત બ્રહ્મપદ આપનારા છે તેથી તેમને અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે છે. માયાથી પર અક્ષરના નિયંતા હોવાથી તેમને અક્ષરાતીત કહે છે. સર્વના દુ:ખ હરનારા તેમને હરિ કહે છે. સર્વમાં વાસ કરવાથી તેમને વાસુદેવ કહે છે. માયાના પતિ હોવાથી તેમને માધવ કહે છે. તપ-ભક્તિથી ઇંદ્રિયોનું દામન કરનારા જનોને ઉર્ધ્વગતિ આપનારા તેમને દામોદર કહે છે. સર્વે અવતારો તેના કેશ અંશ હોવાથી તેમને કેશવ કહે છે. યોગીઓ જેમાં રમે છે, આનંદ મેળવે છે તેથી તેમને રામ કહે છે. હે રાજા, એ રીતે ગુણકર્મ અને યોગથી અનંત નામવાળા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું તું ભજન કર. તે પ્રભુ કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થયેલા છે. એવા અનાદિ શ્રીકૃષ્ણનારાયણ, બાલકૃષ્ણ, હરિકૃષ્ણ, પુરૂષોત્તમ, સત્પુરૂષોના, મુક્તોના, બ્રહ્મપ્રિયાના, ભક્તોના સર્વના પતિ એવા શ્રીહરિનું ભજનભક્તિ સેવા કરી પ્રાપ્ત કર.
રાજા કહે : હે ગુરુ આવી કથા, આવો બોધ, આવું અમૃત અને પ્રત્યક્ષ અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન મને આપ્યા. હવે હું કૃતાર્થ અને પૂર્ણકામ થયો છું અને તે પ્રત્યક્ષ શ્રીહરિને મારા આત્મામાં જ દેખું છું એમ કહીને રાજાએ લોમશ ઋષિ ને દંડવત્ પ્રણામ કર્યા.
લોમશ ઋષિ કહે : હે રાજા, સર્વે દેવો ઇશ્વરો, ઋષિમુનિઓ તે પ્રત્યક્ષ અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું જ ભજન કરે છે. સર્વે યોગશાસ્ત્રો, વેદ, યજ્ઞો, તપ, સત્ય, પુણ્ય, પ્રવૃત્તિ તે પરબ્રહ્મ પરાયણ જ છે. પંચભૂત પંચતન્માત્રા કાળ, કૃતિ, કીર્તિ, દેવતા, ભૂતિ, લીલા, ત્યાગ, શુભક્રિયા સર્વે પરબ્રહ્મ પરાયણ જ છે. સર્વે તત્વનું તત્ત્વ આ કુંકુમવાપીના ઇશ્વર અનાદિશ્રીકૃષ્ણનારાયણ એકાંતિક ભક્તોને સુખ આપનારા પોતે જ છે. તે પ્રભુપૂર્વે કલ્પમાં સત્યુગમાં સ્વર્ણરેખા નદીતટે, નારાયણ ધરે, દેવોને, પિતૃઓને, વિપ્રોને, ઋષિઓને, યજ્ઞધર્મ સમજાવતા હતા અને પ્રર્વતાવતા હતા તેજ ભગવાને પૃથ્વી પર એકાંતિક ધર્મનું સ્થાપન કરેલું છે. જેમાં ભક્તો પરબ્રહ્મપરાયણ રહે છે. સર્વે વર્ણો વૈષ્ણવો થઇને અક્ષરપદને પામે છે. સર્વે નરનારીઓ વ્યવહાર કરવા છતાં પ્રભુભક્તિ કરી વૈકુંઠ, ગોલોક અને બદ્રિકાશ્રમ ધામમાં જાય છે. પરંતુ જે અજ્ઞાનથી ભગવાનને ભૂલી જાય છે. તેને શ્રીહરિ પોતાની ઈચ્છાથી ત્યાગ કરતા નથી. તે જીવાત્મા માયાના સ્વભાવવાળો હોવાથી માયાબધ્ધ બ્રહ્માદિ દેવોમાં, માનવોમાં વારંવાર જન્મધારણ કરતો નથી. પણ જ્યારે શુધ્ધ સાત્વિક ભાવથી શ્રીહરિની, સંતભક્તોની સેવા કરે છે તથા અન્નજળની પ્રસાદિ જમે છે ત્યારે તે જીવાત્મા શુધ્ધ બુધ્ધિ થઇને માયાના ભાવથી રહિત થાય છે અને નિર્ગુણ થઇને અક્ષરપદને પ્રાપ્ત કરે છે. એમ કહીને લોમશ ઋષિ અશ્વપાટલ રાજાને સાથે લઇને અશ્વપટ સરોવરના સોમતીર્થમાં સ્નાન કરવા આવ્યા.