ભાગ · અધ્યાય ૩૬

શ્રીબાલકૃષ્ણ પ્રભુના વિદ્યાભ્યાસનો પ્રારંભ ❖ વરાટક અસુર કથા

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણને પાંચમે વર્ષે માઘ માસમાં પિતા બાલકૃષ્ણને લોમશ ઋષિ પાસે લઇ જઇ વિદ્યાનો આરંભ કરાવતા હતા. સૌ પ્રથમ લક્ષ્મીનારાયણ, સરસ્વતી, વેદ, ગણેશ વગેરેનું પૂજન કરાવી ઘીનો હોમ કર્યો, વિપ્રોને જમાડી દાન દીધા. તે સમયે સાક્ષાત્ સરસ્વતી, શારદા દર્શન આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં લીન થયા તથા જગતમાં રહેલી સર્વે વિદ્યા, કળાઓ, કન્યારૂપે લાવી બાલપ્રભુમાં લીન થઇ. સર્વ વિદ્યાઓ પ્રભુમાં રહેલી છે. પણ લોકરીતિ પ્રમાણે અક્ષર શબ્દોનો અભ્યાસ કર્યો. એ રીતે બાલકૃષ્ણ પ્રભુ રોજ ગુરૂ લોમશ ઋષિ પાસે સવારે વિદ્યાભ્યાસ માટે જતા અને સેવા કરતા.

એકવાર દેવગુરુ બૃહસ્પતિ આવી બુદ્ધિ પરીક્ષા માટે પ્રભુને પૂછ્યું, ચણોઠી ભાર સોનાની કિંમત કેટલી ? પ્રભુએ કહ્યું, સોનાને સ્થિર રાખવાથી હોય તેટલી જ કિંમત રહે છે. પણ જો ઘરેણાં બનાવીને ફેરવે, વેચે તો કિંમત વધતી જાય છે. પ્રભુનો ઉત્તર સાંભળી બૃહસ્પતિ અતિ પ્રસન્ન થયા અને આશિર્વાદ આપ્ય, તમે સર્વ વિદ્યાના પારને પામશો. શાશ્વત આનંદ પ્રાપ્ત કરી સનાતન સ્વરૂપવાળા થશો. પછી બૃહસ્પતિએ કહ્યું, હે પ્રભુ અત્યારે પશ્ચિમ સમુદ્રકાંઠે સાલમાલ સુરનો પુત્ર વરાટક તે સૌરાષ્ટ્ર રાજ્ય મેળવવા અતિ ઉગ્ર તપ કરે છે તેનું તપ તમે બંધ કરાવો. શ્રીહરિ કહે : તમે તેની પાસે જઇ કહો, તપ તો વૈરાગ્યનો ધર્મ છે, બળવાળા પરાક્રમીનો ધર્મ નથી, માટે તું તપ બંધ કરી યુદ્ધ કર. બૃહસ્પતિ વરાટક દૈત્ય પાસે આવી કહે : બોલ તારી શી ઈચ્છા છે ? તને જોઇએ તે આપું. તપથી તને કાંઇ નહીં મળે. વરાટક કહે : હું રાજ્ય માટે તપ કરું છું. તમે મને વરદાન આપો મારે સૌરાષ્ટ્રનું રાજ્ય પ્રાપ્ત થાય, તો હું તપ બંધ કરું.

બૃહસ્પતિ કહે : તપ કરવું તે નિર્બળનો ધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવાનો છે. વિદ્વાનો વિદ્યાથી સર્વ પ્રાપ્ત કરે છે. બાળક રોઇને વસ્તુ મેળવે છે. સ્ત્રીઓ મોહથી મેળવે છે. પરાધિન સેવાથી સર્વ પ્રાપ્ત કરે છે. એમ તું યુદ્ધ કરી રાજ્ય મેળવ. મનુષ્ય પ્રયત્ન કરે તો સિદ્ધિ મેળવે, સૂતો રહે તો તેના મુખમાં કોળીયો આવતો નથી. પૂજા, ધ્યાન, ઇશ્વર, સંયમ, તપ સર્વે ખોટું છે. કિડી વગેરે જીવજંતુ પણ ખાવા માટે સર્વ સંગ્રહ કરે છે. ખેડૂ પણ આળસ તજી ખેતી કરે છે તો અન્નપાક, મોલ મેળવે છે. બૃહસ્પતિએ તે વરાટક દૈત્યને અવળો ઉપદેશ આપી તપ કરતો બંધ કર્યો અને આશિર્વાદ આપી સ્વર્ગમાં ગયા. પછી વરાટક સર્વ દૈત્યોને બોલાવીને લીમડો, જીપ્ટો, ચેર, બાવળ, શેમળો, ભાંગ, ગાંજો, માજમ, અફીણ, તમાકું, લસણ, ડુંગળી, વછનાગ, વિષવેલ આ સર્વ ડુંગરામાં રહેનારા દૈત્યોને બોલાવીને કહ્યું, સૌરાષ્ટ્ર રાજ્ય મેળવવા યુદ્ધ કરવું પડશે. સર્વેએ કહ્યું, બહું સારું. એમ કહી યુદ્ધ માટે તૈયાર થયા અને પશ્ચિમ દિશાએથી આવ્યા. ત્યાં સૌરાષ્ટ્રના ભક્ત રાજા ખટવાંગ પણ યોદ્ધાઓને મોકલી દૈત્યો સાથે અસ્ત્રો-શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. ભયંકર યુદ્ધમાં દૈત્યો હારી ગયા. એટલે ભાગીને અશ્વપટ સરોવરમાં પાણીના તળીયે બેસી ગયા અને મનથી અનાદિશ્રીકૃષ્ણનારાયણને શરણે ગયા અને પ્રાર્થના કરી, હે પ્રભુ તમે અત્યારે પૃથ્વી પર પ્રગટ થયેલા છો. અમારું રક્ષણ કરો. શરણે આવેલાને જીવતદાન આપો. આ તમારા ભક્ત ખટવાંગ રાજાથી અમારું રક્ષણ કરો.

બાલકૃષ્ણ પ્રભુ તેની પ્રાર્થના સાંભળી અને રણસંગ્રામમાં આવી કહે : શરણે આવેલાને મારશો નહીં. તે સર્વે દૈત્યોને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ લોમશ ઋષિ પાસે મંત્ર, દંડ, પ્રાયશ્ચિત્ત અપાવીને વરાડ પર્વત, માખણીયો પર્વત, પાવાગઢ, સહયાદ્રિ, ચોટીલા ધાર વગેરે પર્વતોમાં વાસ આપ્યો. તે સર્વે પર્વતોમાં ઋષિઓના વાસ હોવાથી કલ્પાંતે તે રાક્ષસોને મોક્ષ થશે, અને બીજા પણ શરણે આવેલા દૈત્યોને શ્રીહરિએ સમુદ્ર કાંઠે એરકા નામે ઘાસમાં વાસ આપ્યો તથા ચેર વૃક્ષમાં વાસ આપ્યો. થોર અને કાંટાને વાડમાં વાસ આપ્યો. કડવો લીમડો મનુષ્યના દાતણ માટે કર્યો. બાવળ કાંટા રૂપે કર્યો. તેને નદી, પર્વતોમાં વાસ આપ્યો તથા શેમળો, જીપ્ટો, ખાજવણી, વેલ્ય, ઇન્દ્રામણા, ગાંજો, તમાકું, ધૂમ્રપાન માટે સર્જયા. લસણ, ડુંગળી, અફિણ, માજમ, ભાંગ, ગાંજો, વિષવેલ્ય વગેરે અનેક વૃક્ષો તે દૈત્યોના સ્વરૂપો હતા. તે પ્રભુના શરણે આવવાથી સર્વને વૃક્ષવેલીમાં વાસ આપી. અંતે તેનું કલ્યાણ કર્યુ.