ભાગ · અધ્યાય ૧૩૫

શ્રીહરિએ કૃપા કરી દેવતાયન ભક્તને દેવાલયમાં વાસ આપ્યો

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ શીબી રાજા પાસેથી વિદાય લઇને લોમશ ઋષિ, દેવો, ભક્ત, માતા-પિતા, પત્નીઓ, પાર્ષદો, ભાઇ-બહેન સાથે તથા રાજાઓએ અર્પણ કરેલી કન્યાઓ સાથે વિમાનમાં બેસી બદ્રિકાશ્રમ થઇ કાશી આવ્યા. ત્યાં પોતાના ભક્તો શિવરાજ, જાનકી, લક્ષ્મી, કૃષ્ણા, જય, ચંદ્ર વગેરેને મળી દર્શન આપી ગંગામાં સ્નાન કરી કાશી વગેરે દર્શન કરી અશ્વપટ સરોવર કુંકુમવાપી આવ્યા. સર્વે ભક્તોએ જયકાર કરી પુષ્પોથી વધાવી કુશળ સમાચાર પૂછ્યા. શ્રીહરિએ બીજે દિવસે સર્વને ભોજન પ્રસાદ આપી દેવાયતન ભક્તને માથે હાથ મૂકી કહ્યું, તમે ત્યાં પરદેશમાં જઇને સત્સંગનું કામ કર્યું તે કોઇ ન કરી શકે તેથી હું પ્રસન્ન થયો છું. વરદાન માગો. દેવાયતન ભક્ત કહે : પ્રભુ જ્યાં તમારો વાસ હોય ત્યાં હું વાસ કરું, એ વર માગું છું.

પ્રભુ કહે : હું પર સ્વરૂપે અક્ષરધામમાં તથા મંદિરમાં મૂર્તિમાં સંત હૃદયમાં મુખ્યપણે વાસ કરું છું તથા અવતારો, વ્યૂહ ઇશ્વરો, દેવો, અંશમાનવો સર્વમાં વાસ કરું છું. એમ કહીને દેવાયતન ભક્તને સર્વે દેવાલયમાં વાસ આપ્યો અને પોતાની મૂર્તિમાં દેવાયતન ભક્તની મંદિરરૂપી મૂર્તિ દેખાડી અને દેવાલયમાં વાસ આપ્યો અને ભક્તોને કહ્યું, જે અક્ષરબ્રહ્મમાં હું વાસ કરું છું. ત્યાં માયાપાર થયેલા મુક્તો વિના કોઇ રહી શકતા નથી. જીવાત્મા પ્રભુભક્તિ પરાયણ થઇ જીવભાવનો ઇશ્વરભાવનો ત્યાગ કરી માયાના કર્મને બાળી મારા ધ્યાન પરાયણ મારી મૂર્તિમાં મગ્ન રહે ત્યારે શુદ્ધ બ્રહ્મ થઇ મારી કૃપાથી અક્ષરભાવને પામે છે. માયામાં લોભાયેલો, માયામાં રસવાળો, માયાના સ્વભાવવાળો, સ્વાર્થ સાધન કરતો, રાગ માટે પ્રયત્ન કરતો, મારા ભાવથી રહિત ક્યારે પણ બ્રહ્માના સ્થાનને પામતો નથી. મારી ભક્તિ વિના, મારા મંત્ર વિના, ક્યારે પણ બ્રહ્માપદ પામતો નથી. બીજું મારું સ્વરૂપ સંત છે. મારા કલ્યાણકારી ગુણો સંતમાં રહ્યા છે. તેથી મારા મંત્ર દીક્ષાવાળા તમારા સર્વમાં મારો વાસ છે. મારા ભક્તો વિના હું ક્યાંય પણ રહી શકતો નથી.