પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને પરમધામનું યથાર્થ મહાત્મ્ય
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ એકાદશીએ યજ્ઞની પૂર્ણાહુતિ કરી. સર્વેને પોતાની મૂતિર્નું જ્ઞાન આપવા લાગ્યા, અનંતમુક્તો દિવ્યમુક્તોથી સેવાયેલો હું પરમધામમાં વાસ કરૂં છું. હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારા સ્વરૂપનું જ્ઞાન મારા મુક્તો, મુક્તાનિ, ભક્તો, રાધા, રમા, લક્ષ્મી - જયા, લલીતા વગેરે બ્રહ્મપત્નીઓને આપું છું, તે મારા સંપ્રદાય જ્ઞાનવાળા કહેવાય છે અને મોક્ષ આપે છે. કૃષ્ણ વગેરે મારા કરોડો અવતારો થયા છે. ચોવીશ અવતારો તથા મારા ઐશ્વર્યવાળા હજારો અવતારો થાય છે. બહ્મા વિષ્ણુ શંકર તે મારા અંશાવતારો છે. રાધા-રમા વગેરે મારી શક્તિઓ છે. ગોલોક વૈકુંઠ વગેરે ધામો મારા અક્ષર સીમ પ્રદેશમાં રહેલા છે. અક્ષરથી પણ મારું પરમધામ મહાન છે. તે મારી મૂતિર્ની ચારેકોર રહેલું છે. તે પરમધામમંથી તેજ નીકળ્યું તે અક્ષરધામમાં આવ્યું તેથી મારું પરમધામ મહાન કહેલું છે અને અક્ષરને મહાન કહ્યું છે તે બીજા ધામોની આગળ. અક્ષરધામના સીમ પ્રદેશમાં અનંત ધામો રહેલા છે. ત્યાર પછી ઇશ્વરોના કરોડો ધામ ચારેકોર રહેલા છે. ત્યારપછી આઠ આવરણ તે માયામાં રહેલા છે. ત્યાર પછી અનંત બ્રહ્માંડો અણુની જેમ ઊડે છે. તે સર્વેમાં હુ અંતર્યામીપણે રહેલો છું. જે હું અહીં છું તેજ હું ધામમાં રહેલો છું.
હું સદા પરમધામમાં એકરૂપે જ રહેલો છું. દેખનારા મને અનંત સ્વરૂપે જૂવે છે. મનુષ્ય મને માનવ જેવો દેખે છે. દેવો મને દેવ જેવો દેખે છે. ઋષિઓ ઋષિ જેવો, સિધ્ધો સિદ્ધ જેવો, પિતૃઓ પિતૃ જેવો, અવતારો અવતાર જેવો, મુક્તો મુક્ત જેવો, બ્રહ્મા બ્રહ્મ જેવો, ઇશ્વરો ઈશ્વર જેવો મને દેખે છે. માયાના જીવો મને માયિક જાણે છે. મહામુક્તો મને મહામુક્ત જેવો દેખે છે. સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્યથી હું અનંત અમાપ અને અપાર છું. મારા સ્વરૂપનો અંત આવતો નથી તો મારા વિભૂતિનો અંત તો ક્યાંથી આવે ? હું અપાર આનંદવાળો છું. મારા આનંદથી સર્વે દેહધારી જીવે છે જ્યાં આનંદ છે ત્યાં હું છું. સર્વત્ર મારો જ આનંદ રહેલો છે, એમ માની જે નરનારી મને ભજે છે તે મોક્ષને પામે છે. શરીર ઇદ્રિયો અંત:કરણ પંચવિષય સર્વેકર્મમાં મારું ભાન રાખવું તે નિર્ગુણ કર્મ છે. સર્વે વસ્તુ પદાર્થમાં વ્યાપક સ્વરૂપે હું જ રહેલો છું. અણુ જેટલી જગ્યા પણ મારા વિના ખાલી નથી. એમ મને જાણીને સદા મારું ભજન ભક્તિ કરવા. આ જ્ઞાન પૂર્વે મેં માણિકી દેવીને આપ્યું, તેણે લક્ષ્મીને આપ્યું, લક્ષ્મીએ શંકરને આપ્યું. શંકરે ગણેશને આપ્યું. ગણેશે હિરણ્ય પુરૂષને આપ્યું. હિરણ્ય પુરૂષે અનેક શિષ્યોને આપી સંપ્રદાયો સ્થાપ્યા.
મંદિર અને શાસ્ત્રો વિના સંપ્રદાય અને શિષ્યોનું રક્ષણ થતું નથી. તેથી મેં જ્ઞાનનું રક્ષણ કરવા વેદનો બોધ કરનારી લક્ષ્મીનારાયણ સંહિતાની રચના કરી છે. તેનું સદા રક્ષણ કરવું. તેની કથા સાંભળીને હૃદયમાં રાખવી. લક્ષ્મીનારાયણ સંહિતા કથા વાચનાર જાણનાર દીક્ષાવાળો મારો ભક્ત તેને ગુરુ જાણવો. તથા તનમન ધનથી મંદિરો કરી તેમાં મારી મૂતિર્ રાધા, રમા, લક્ષ્મી, બ્રહ્મપત્નીઓ સાથે પધરાવવી. શ્રીમંતોએ ધનનું દાન કરી પરાવિદ્યાના પ્રચાર માટે વિદ્યાલયો, પાઠશાળાઓ કરાવવી. પૃથ્વીમાં લક્ષ્મીનારાયણ સંહિતાનો પ્રચાર કરવો. શાસ્ત્ર, મંત્ર, મંદિર, ગુરુ, મૂતિર્, નામ સ્મરણ, આરાધના, શિષ્યવર્ગ આ પરાવિદ્યા છે. બીજી સર્વે વિદ્યાઓ વ્યવહાર માટે છે. જે સંપ્રદાયની અંદર જ્ઞાન આપનારા સંતોષી યમનિયમવાળા ગુરુ નથી તે સંપ્રદાય નાશ પામે છે. ત્યાગ, વૈરાગ્ય, જીતેન્દ્રિય ધર્મવાળા ગુરુ નથી તે સંપ્રદાય નાશ પામે છે. દ્રવ્યને હરનારા, વ્યસની, ખોટુ બોલનારા, દંભી, તૃષ્ણાવાળા, ગુરુ હોય તે સંપ્રદાય નાશ પામે છે. જ્યાં મારી મૂતિર્, કથા, નિર્મળ સેવકો નથી, જ્યાં નાસ્તિક ભાવ રહે છે, તે સંપ્રદાય નાશ પામે છે. એવો ઉપદેશ આપી શ્રીહરિ રોમાયન ઋષિની પ્રાર્થનાથી કૃથકરાજાની રાજધાનીમાં જવા તૈયાર થયા.