અનાદિશ્રીકૃષ્ણનારાયણે જુમાસેમ્લા રાજાના કુટુંબનો મોક્ષ કર્યો
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પ્રસન્ન થઇ કહે : રાજા, તારી બુદ્ધિ સંતને યોગે નિર્માણ થઇ છે. એમ કહીને વિમાનમાં બેસી તેની ભૂમિને પાવન કરવા ફરવા લાગ્યા. ચંડ નદી, ત્રિરાશી, પર્વત, અનંત, વૈર, શ્વેત, નિલ પાણીના સંગમમાં નાહી, તીર્થ કરી, મરેલા સર્વ પ્રેતને બોલાવી તેનો મોક્ષ કર્યો. જુંબા, નદી, રુદ્ર, બાષ્પ સરોવર, ન્યાજા, તુંગાનિકા, માતુર, કંગુર વગેરે નદી સરોવરમાં સ્નાન કરી તીર્થો કરીને આગળ લીંપા, પગા, કુબંગી, તુંબા સરોવર, કર્માંગી નદીમાં નાહીને, સમુદ્રકાંઠે કરોડો પ્રેતોનો ઉદ્ધાર કર્યો. કેડંડા, અંડસ, ફેનસ, ચંડસ, ગંબીકા, ફલ્ગુ, બીજ વગેરે અનેક નદીઓ સરોવરમાં સ્નાન કરી, તીર્થો કરીને વન-પર્વત, રણમાં ફરીને દશ હજાર ગાઉંની ભૂમિને, તીર્થરૂપ પવિત્ર કરી શ્રીહરિ જુમાસેમ્લા રાજાને કહે : હવે અમે રૈવતાચળ અશ્વપટ સરોવર, કુંકુમવાપી જશું.
રાજા કહે, પ્રભુ જ્યાં સુધી મોક્ષદાતા ન મળે ત્યાં સુધી જીવને માથે જન્મ મરણ અને સંસાર છે. હવે તમે મોક્ષદાતા મળ્યા તો મારો અને મારા કુટુંબનો મોક્ષ કરો. હે પ્રભુ મેં દશ લાખ વર્ષ રાજ્ય ભોગવ્યું. મારી પૂર્વે દૈત્યો કરોડો વર્ષ જીવી ગયા તે કોઇ પૃથ્વી, સંપત્તિ, પ્રજા સાથે લેતા ગયા નથી. હું પણ કાંઇ સાથે લઇ જવાનો નથી. તેથી હે ભગવાન, તમે મારા પર કૃપા કરી ઉદ્ધાર કરી શાશ્વત સુખ આપો. હે પ્રભુ, તમે આ દેશ, પૃથ્વી, પવિત્ર કરી પ્રેતોનો ઉદ્ધાર કર્યો છે. હે પ્રભુ, આ મારી એક હજાર કન્યાનું તમે પાણીગ્રહણ કરો. એમ કહી કન્યાઓનો હાથ શ્રીહરિના હાથમાં આપી, પાણી લઇ સંકલ્પ કરી અર્પણ કરી અનેક ભેટો આપી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પણ પ્રસન્ન થઇ તે રાજાને કહ્યું કે તારા પાપ, પુણ્ય પુરા થશે ત્યારે તું મોક્ષને યોગ્ય થઇશ. ત્યારે એક ક્ષણમાં તારો મોક્ષ કરીશ. પછી રાજાએ આપેલી ભેટો હાથી, ઘોડા, ઊટ, ગાય, ભેંસો, વસ્ત્ર, આભૂષણો, સોનું- ચાંદી, રૂપિયા, હીરા, મોતી, રત્નો, દાસદાસી સર્વે વિમાનમાં મૂકી. રાજાના સર્વ કુટુંબને નારદે પ્રભુનું ચરણામૃત પાયું. તેથી સર્વેને સમાધી થઇ. પછી સર્વના બે સ્વરૂપો થયા. એક રૂપે સ્વર્ગમાં દેવો થઇને રહ્યા. બીજે રૂપે દિવ્યદેહ ધારણ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણના ધામમાં ગયા. પછી તેની કન્યાઓએ તે સર્વની ભૂસમાધી (કબરો) કરાવી ઉત્તર ક્રિયા કરી. પછી પ્રભુએ અબ્રિક દેશના બે વિભાગ કરી દક્ષિણ રાજ્ય રૂદ્રશીરા ભક્ત યોગીને આપ્યું અને ઉત્તર રાજ્ય દીનમેરા ભક્તને આપ્યું. તે દીનમેરા રાજાએ ચંડસર રાજધાની સ્થાપી તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું મંદિર કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ સ્થાપી સાથે શંકર, સનત્, નારદ અને ધર્મદેવ સ્થાપ્યા.
એવી જ રીતે દક્ષિણ રાજ્યમાં રૂદ્રશીરા નામે રાજધાની સ્થાપી. તેમાં સુંદર શિખરોવાળું મંદિર કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ પધરાવી સાથે શંકર, સનત, નારદ, ધર્મદેવને સ્થાપ્યા. પછી ભક્ત રાજાઓએ આપેલી પૂજા અંગીકાર કરી આશિર્વાદ આપી વિમાનમાં બેસી પ્રભુ આગળ ગયા. ત્યાં પ્રભુએ ધર્મરાજાને કહ્યું, આ દેશમાં એક રક્તબીજ નામે અસુર તેના દશ હજાર અસુરો સાથે રહે છે તેનો નાશ કરી ત્યાં એક ઋષિ બકદાન પાણીમાં રહે છે. તેને અને શહેરમાં જનોને ભયમુક્ત કરી એક અરવ નામે ભક્ત છે તેને તે રાજ્ય આપજો, એમ કહીને શ્રીહરિ કુંકુમવાપી ક્ષેત્ર આવ્યા. ત્યાં જયઘોષ શબ્દ થયો જેથી જનોએ જાણ્યું પ્રભુ પધાર્યા.