ભાગ · અધ્યાય ૧–૩૮

બ્રહ્માના એકાવનમાં વારાહકલ્પમાં તેમજ બ્રહ્માના ત્રેપન વર્ષોમાં - અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુના અવતારોનું વારંવાર પ્રાગટ્ય

આ અધ્યાય 1–38 સંયુક્ત છે

શ્રીનારાયણી બોલ્યા : ધ્વજ, ધનુષ્ય, ચક્ર આદી ચિહ્નો ધારણ કરનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ તમોને કોટી કોટી નમસ્કાર. કરોડો અબજો બ્રહ્મપ્રિયાના સ્વામિને તમને નમો નમ:. હે પ્રભુ તમને ભજીને નર-નારીઓ પરમધામમાં જાય છે તેમજ ગોલોકમાં, વૈકુંઠમાં, શ્વેતદ્વિપમાં, અમૃતધામમાં વગેરે ધામોને પામે છે. તમને ભજીને પ્રકૃતિપુરુષ, પ્રધાનપુરુષ, મહાવિષ્ણુ, વૈરાટનારાયણ, બ્રહ્માદિ દેવતાઓ અનેક પ્રકારની મોટાઇ પામે છે. માટે તમારાથી સૃષ્ટિકાળ ગણતરી જાણવા ઈચ્છુ છું.

પુરુષોત્તમ નારાયણ કહેવા લાગ્યા : હે નારાયણીશ્રી સાંભળો, અક્ષરધામમાં અનંત બ્રહ્મસૃષ્ટિઓ રહી છે. જ્યારે ઇશ્વરસૃષ્ટિ તથા જીવસૃષ્ટિ ન હતી ત્યારે મારી છાયારૂપે રહેલી માયાને તથા મહાકાળરૂપે રહેલા મારા સંકલ્પને મેં ઈચ્છાથી પ્રેરણા કરી તે પ્રકૃતિપુરુષ થયા. તેના પ્રધાનપુરુષ યુગલ થયા. તેના કરોડો મહાવિષ્ણુ થયા. તેના અનંત વૈરાટો ઇશ્વરો થયા. તેના બ્રહ્માદિક દેવો થયા. તેનાથી ઈન્દ્રાદિક દેવો થયા. તેનાથી મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષવેલી વગેરે થયા. તેમજ સ્વર્ગ, મૃત્યુ, પાતાલ, ત્રિલોકીના દેવ થયા. બ્રહ્માના સો વર્ષ થાય ત્યારે વૈરાટનો એક દિવસ થાય. વૈરાટના સો વર્ષ થાય ત્યારે મહાવિષ્ણુનો એક દિવસ થાય. મહાવિષ્ણુના સો વર્ષ થાય ત્યારે પ્રધાનપુરુષનો એક દિવસ થાય. પ્રધાનપુરુષના સો વર્ષ થાય ત્યારે પ્રકૃતિપુરુષનો એક દિવસ થાય. પ્રકૃતિપુરુષના સો વર્ષ થાય ત્યારે વૈકુંઠનો એક દિવસ થાય. એવા વૈકુંઠ ગોલોકનો લય થાય ત્યારે પરમધામના પતિ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રીકૃષ્ણનારાયણના આંખનો એક પલકારો થાય ત્યારે પ્રકૃતિપુરુષની અરધી આવરદા થાય. હાલમાં આ બ્રહ્માંડમાં વૈરાટ બ્રહ્માનું પ3મું વર્ષ ચાલે છે. તેમાં અવતારી પુરુષોત્તમ એવો હું મારો પ3મો અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામનો અવતાર છે. મારા નાના- મોટા અવતારની ગણતરી કરવા કોઇ શક્તિમાન છે જ નહીં. તેને હું જાણું છું. મારી ઈચ્છાથી મારા એક જ કિરણમાં અનંત સૃષ્ટિઓ થાય છે.

દ્વાપર યુગના દ્વિતીય અધ્યાયમાં વૈરાટ બ્રહ્માના બાવન વર્ષના નામ, 14 મનુના નામ તથા 44 કલ્પના નામોનો ઉલ્લેખ છે.

હે નારાયણી, હવે હું વૈરાટ બ્રહ્મના એક વર્ષમાં મારો એક અવતાર થયો તે તમને કહું છું.

બ્રહ્માના પ્રથમ વર્ષે - રોહીણ અંડોદર નામનો અસુર આખા બ્રહ્માંડને ગળી ગયો. તેનો નાશ કરવા મેં અનાદિશ્રીદ્યુનારાયણ અવતાર ધારણ કરીને અસુરનો નાશ કરી સ્વર્ગની રક્ષા કરી.

બ્રહ્માના બીજે વર્ષે - મેરુ પર્વત પોતાના ભારથી નીચે રસાતાળમાં જવા માંડ્યો. તેને ધારણ કરવાને માટે મે અનાદિશ્રીમેરુનારાયણ અવતાર ધારણ કર્યો હતો.

બ્રહ્માના ત્રીજે વર્ષે - સૂર્યના અતિ તાપથી તપતા ત્રિલોકને તથા સૂર્યને શાંત કરવા મેં અનાદિશ્રીવિષ્ણુનારાયણ અવતાર ધારણ કર્યો હતો.

બ્રહ્માના ચોથે વર્ષે - ચંદ્રને વિઘ્ન કરતો ધુમ્ર અસુર તેનો નાશ કરવા મેં અનાદિ શ્રીદેવનારાયણ અવતાર ધારણ કરી અસુરનો નાશ કરી ચંદ્રની રક્ષા કરી.

બ્રહ્માના પાંચમાં વર્ષે - યજ્ઞની સામગ્રી વિષ્યાન્ન વગેરેનું રક્ષણ કરવા મેં અનાદિશ્રીયજ્ઞનારાયણ અવતાર ધારણ કર્યો હતો.

બ્રહ્માના છઠ્ઠા વર્ષે - રૂદ્રની તમોગુણી સૃષ્ટિનું શાસન કરવા મેં અનાદિશ્રીબ્રહ્મનારાયણ અવતાર ધારણ કર્યો હતો.

બ્રહ્માનાં સાતમાં વર્ષે - દેવતાઓના શાસન માટે મેં અનાદિશ્રીઆદિત્યનારાયણ અવતાર ધારણ કર્યો હતો.

બ્રહ્માના આઠમાં વર્ષે - પૃથ્વી પર સર્પો વધી જવાથી મેં અનાદિશ્રીગરુત્મનારાયણ અવતાર ધારણ કર્યો હતો. તે વખતે તું લક્ષ્મી શેષ પુત્રી આનંતિ નામની હતી તે શેષે મને આપી.

બ્રહ્માના નવમાં વર્ષે - ચલદેવના વંશમાં ધ્રુવની અચળતા માટે મેં અનાદિશ્રીઆર્ષનારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે તું આર્ય પદ્મનાભે હતી.

બ્રહ્માના દશમાં વર્ષે - ધ્રુવપુત્ર ધ્રુર્વનંદ તપ કરી દાન કરી યજ્ઞ કરી રુદ્રનું વરદાન મેળવી અપરાભવ થયો. તેણે અત્યાચાર આદર્યો. તેના પરાભવ માટે તેનું શાસન કરવા મેં અનાદિશ્રીપ્રાજ્ઞનારાયણ અવતાર ધારણ કરી થુરાનંદનું શાસન કર્યું. અને તેની પુત્રી તું લક્ષ્મી તારો સ્વયંવર થયો. તેમાં હું તને (જ્યોત્સના કુમારી)ને પરણ્યો હતો. તેથી ધ્રુર્વનંદ દૈત્ય દાનવ અસુરનો પક્ષ લઇ લડવા આવ્યો. ત્યારે સુદર્શન ચક્રથી શ્રીહરિએ તે સર્વનો નાશ કરી ધ્રુર્વનંદનો મોક્ષ કર્યો. ત્રિલોકીનું રાજ્ય દેવતાઓને આપ્યું.

બ્રહ્માના અગિયારમાં વર્ષે - નૈષ્ટિક સાધુ બ્રહ્મચારીના ધર્મસ્થાપન માટે મેં અનાદિશ્રીવીરનારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે તું શાર્દુલિકાશ્રી નામે હતી.

બ્રહ્માના બારમાં વર્ષે - શોણભદ્ર વણિક ધર્મવાળો મારી ભક્તિ કરનારો તેણે યજ્ઞ કર્યો. તેમાં હજારો સંતો વિપ્રોને જમાડ્યા. અકસ્માતે યજ્ઞકુંડમાંથી અગ્નિ મંડપમાં ચારેકોર વ્યાપી ગયો. તેમાં પંચાવન હજાર માણસો મરી ગયા. વણિકે પ્રાર્થના કરી ત્યારે મેં અનાદિ શ્રી ભદ્રનારાયણ અવતાર ધારણ કરી બળેલાઓનો ઉદ્ધાર કર્યો. ત્યારે તું તે વૈશ્યપુત્રી, સુભદ્રાશ્રી નામે હતી.

બ્રહ્માના તેરમાં વર્ષે - તુંગભદ્રાસન યોગી ધર્મકર્મ પરાયણ અતિધ્યાન પરાયણ હોવાથી તેમજ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ભક્ત હોવાથી સર્વ તેને સિદ્ધિઓ પ્રાપ્ત કરી. આકાશમાં ગ્રહ, નક્ષત્રો અને સૂર્યની ગતિ અટકાવીને પોતાના આશ્રમ, જંગલ સર્વે પૃથ્વીમાં અંધકાર કરી દીધો. તેથી સર્વ દેવોએ સર્વે પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી. હે પ્રભુ, અંધકારમાં ભૂત, પ્રેત, પિશાચો, દૈત્યો, રાક્ષસો વગેરેનું બળ, વૃદ્ધિ પામશે માટે રક્ષણ કરો. ત્યારે હું દેવતાઓની પ્રાર્થના સાંભળીને અનાદિશ્રીહરિનારાયણ અવતાર ધારણ કરી દેવોને સાથે લઇ તુંગભદ્રાસન યોગીના આશ્રમે ગયા. તે યોગીએ મારું પૂજન, વંદન કરી સ્તુતિ કરી, પ્રાર્થના કરી. હે પ્રભુ, મારી પુત્રી સર્વભદ્રા (લક્ષ્મી)ને ગ્રહણ કરો અને મારા ઘરજમાઇ રહો. પ્રભુએ પ્રાર્થના સ્વીકારી લગ્ન કર્યા અને ત્યાં રહ્યા. પછી તે યોગીએ ગ્રહ નક્ષત્રો સૂર્યની ગતિ શરૂ કરી.

બ્રહ્માના ચૌદમાં વર્ષે - બ્રહ્માના સાથળમાંથી થયેલો કોશસ્તેન નામનો રાક્ષસ તેણે પૃથ્વીની સર્વે ચીજો નષ્ટ કરી. તેનો નાશ કરવા મેં અનાદિશ્રીબિજનારાયણ અવતાર ધારણ કરી તે રાક્ષસનો નાશ કર્યો અને સ્વર્ગની રક્ષા કરી. ત્યારે તું સ્વતંત્ર શ્રી નામે મારા શરીરમાં વાસ કરનારી હતી.

બ્રહ્માના પંદરમાં વર્ષે - ધર્મવ્રત વિપ્ર અતિ જપ, તપ, ધ્યાનભક્તિ પરાયણ રહેતો. આત્મનિવેદી, બ્રહ્મનિષ્ટ તે વિપ્રના એકસો દશ પુત્રો મોક્ષમાં ગયા પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરી. હે પ્રભુએ એક પુત્ર દિર્ઘજીવી આપો. પ્રભુ પ્રસન્ન થઇ દર્શન દઇને કહ્યું, એક દીર્ઘજીવી પુત્ર આપ્યા પછી હું તમારે ત્યાં તમારી દંપતીની ભક્તિથી પ્રગટ થઇશ. તે હું તે વિપ્રને ત્યાં અનાદિશ્રીવરનારાયણ થયો. ત્યારે તું દેવવ્રત વિપ્ર પુત્રી જયાલક્ષ્મી નામે હતી. તે વિપ્રે મને પરણાવી. આ રીતે તેનો મોક્ષ કર્યો.

બ્રહ્માના સોળમાં વર્ષે - બ્રહ્માના પુત્ર સંસાર નહીં કરી આર્ષકુમાર તથા પુત્રી સુદર્શિની તેણે અતિ તપ કરી જપયજ્ઞ કરી ભક્તિ કરી બંને ભાઇ-બહેને બ્રહ્મચર્યનું પાલન કર્યું. એક સમયે સુદર્શિની ધ્યાનમગ્ન હતી. તેનો સ્પર્શ કરવા શુક્રાચાર્ય આવ્યા. સુદર્શિની યોગીએ કહ્યું. તું મારા વ્રતમાં વિઘ્ન કરવા આવ્યો માટે જા ભસ્મ થઇ જા. શુક્રાચાર્ય ભસ્મ થયા. સુદર્શિની યોગિનીએ બીજી યોગિનીઓના બ્રહ્મચર્યના રક્ષણને માટે બીજીવાર શાપ આપ્યો કે, આ પૃથ્વીમાં કોઇ નર રહે જ નહીં. સર્વે નર નારીઓ થઇ જાવ. તરત જ સર્વે નર નારીઓ થઇ ગયા. સ્વર્ગથી દેવતાઓ અને ત્રિલોકીથી જે કોઇ દેવ પૃથ્વી પર આવે તે સર્વે નારી બની જઇ પરસ્પર હાસ્યપાત્ર બનતા, સતીનો શાપ નિવારવા કોઇ પૃથ્વી પર આવતું નહીં. યમદૂતો આવ્યા તે નારી બની ગયા. ઇશ્વરો આવ્યા તે નારી બની ગયા. અહો શું બ્રહ્મતેજનું સામર્થ્ય એમ સર્વે કહેવા લાગ્યા. તે સમયે શ્રીકૃષ્ણ આવ્યા તે પણ રાધાસખી થયા. વૈકુંઠથી નારાયણ આવ્યા તે નારાયણી થયા. બદ્રીકાશ્રમથી નરનારાયણ આવ્યા તે નારી નારાયણી થયા. શંકર આવ્યા તે શાંકરી થયા. સર્વે ભગવાન પરસ્પર હસી કહે, આ સુદર્શિનીએ સર્વ જગત નારીમય કર્યું. પછી સર્વે ઇશ્વરો, અવતારોના પ્રાર્થનાથી મેં ત્રિલોકીના અવિચળ સ્ત્રી-પુરુષો, ધર્મ-મર્યાદાનું રક્ષણ કરવા અનાદિશ્રીસ્ત્રીપુંનારાયણ અવતાર ધારણ કર્યો. ત્યારે તું સુદર્શિની નામે હતી.

બ્રહ્માના સત્તરમાં વર્ષે - માકર દૈત્યનો નાશ કરવા મેં અનાદિશ્રીજલનારાયણ અવતાર ધારણ કરી તે દૈત્યનો નાશ કરી પ્રજાને સુખી કરી ત્યારે તું લક્ષ્મી જલનારાયણી હતી.

બ્રહ્માના અઢારમાં વર્ષે - વષટકાર વિપ્ર દંપતી મારું અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતા તેથી દ્વેષીઓ તેનો વિરોધ કરતા હતા. માટે તે ગામ છોડી જંગલમાં ગયા ત્યાં તપસ્વી થઇ ભક્તિ કરતા હતા. તેને મેં લક્ષ્મીનારાયણ સ્વરૂપે દર્શન આપી કહ્યું, હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થઇશ. ત્યારે સાધુધર્મ દીક્ષા લોપ થયો હતો. તેના સ્થાપન માટે મેં અનાદિશ્રીશીલનારાયણ અવતાર ધારણ કરી સાધુ ધર્મદીક્ષા વિગેરે સ્થાપન કર્યા. તે સમયે મેં મૌન, અપરિગ્રહ, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ, રાગદ્વેષ રહિત ધર્મપાલન કરી સાધુનું રક્ષણ કર્યું.

બ્રહ્માના ઓગણીસમાં વર્ષે - વ્યાધ્રાનલાસુરનો નાશ કરવા મેં અનાદિશ્રીવાર્ધીનારાયણ અવતાર ધારણ કરી તે અસુરનો નાશ કર્યો.

બ્રહ્માના વીસમાં વર્ષે - સવારે બ્રહ્માએ નાહીને વિચાર્યું, આજ તો મારા જેવી સૃષ્ટિ કરું. ચાર મોઢાવાળી સૃષ્ટિ રચી. ઇશ્વરો, દેવો, દૈત્યો, રાક્ષસો દાનવો, માનવો બધા ચાર મોઢાવાળા થયા. પછી ઋષિની સભા થઇ તેમાં ચર્ચા થઇ, આપણે પરમાત્માને કેવા વર્ણન કરવા. ઘણા વાદ-વિવાદ થયા. નિર્ણય ન થયો ત્યારે તે સભામાં અનાદિશ્રીકૃષ્ણનારાયણે પ્રગટ થઇ પોતાના દિવ્ય દર્શન બધાને આપ્યા. એક મસ્તક, બે હાથ, બે પગ, યુવાન સ્વરૂપ, વસ્ત્ર અલંકારોથી શોભતાં દર્શન કરી બધા આનંદ પામ્યા. તે સમયે પુરુષોત્તમ નારાયણ બોલ્યા : હું કૃષ્ણવંશ બ્રહ્માને ત્યાં જન્મ ધારણ કરીશ. હે લક્ષ્મીજી, મેં ત્યારે યુવા અનાદિશ્રીચતુર્મુખનારાયણ અવતાર ધારણ કર્યો. ત્યારે તું પ્રજ્ઞાક્ષીકી રમા નામે હતી. આ રીતે બ્રહ્માના એક વર્ષમાં મારો અનાદિશ્રીકૃષ્ણનારાયણનો અવતાર થયેલો છે. બ્રહ્માના દિવસ-દિવસ પ્રત્યે જે અંશ, કળા, આવેશ, અવતાર, વિભૂતી પ્રગટ થાય છે, તેની તો સંખ્યા જ નથી.

બ્રહ્માના એકવીસમાં વર્ષે - પુણ્યરાત વિપ્ર તેની પત્ની રાધાનિકા તે સર્વે મનુષ્યોના કલ્યાણને માટે તપ કરતા, તેની ઈચ્છા પૂરી કરવા અનાદિશ્રીકૃષ્ણનારાયણે દર્શન આપી કહ્યું, વરદાન માંગો. દંપતી બંનેએ અભયદાન ભક્તિ અને તમો કાયમ પાસે રહો, એ માગ્યું. ત્યારે હુ અનાદિશ્રીપુરુષોત્તમનારાયણ ત્યાં પ્રગટ થઇ મન્વંતર સુધી રહ્યો.

બ્રહ્માના બાવીસમાં વર્ષે - રક્ષાલય ચારણ સંત યોગિની ચારણી અનેક દાનો આપતાં હતા અને ભગવાનની ભક્તિ કરતા હતા. દાનમાં અન્નથી ઉત્તમ વસ્ત્રદાન, તેથી ઉત્તમ ધનદાન, તેથી ઉત્તમ ગૌદાન, તેથી ઉત્તમ કન્યાદાન, તેથી ઉત્તમ પુત્રદાન, તેથી ઉત્તમ ખેતરવાડી દાન, તેથી ઉત્તમ આરોગ્યદાન, તેથી ઉત્તમ જીવનપયોગી દરેક વસ્તુદાન, તેથી ઉત્તમ પુણ્યદાન, તેથી ઉત્તમ જ્ઞાનદાન, તેથી અર્થાત સર્વથી અધિક ઉત્તમ શ્રેષ્ટ ભક્તિદાન છે. તે પ્રમાણે તે ચારણ દંપતી દાન, પુણ્ય, ભક્તિ કરતા તેને તિર્થ કરવા હું ચારણ દંપતીને ત્યાં અનાદિશ્રીતિર્થનારાયણ થયો. ત્યારે તું રક્તધનની પુત્રી થઇ મને પરણી, ત્યારે તું લક્ષ્મીરત્ન નારાયણી હતી.

બ્રહ્માના ત્રેવીસમાં વર્ષે - બધા બ્રાહ્મણો કેવળ ધર્મ કર્મકાંડી શુષ્ક જ્ઞાનવાળા હતા. ભક્તિ ઉપાસના રહિત હતા. ત્યારે દુબળા થયેલા ભક્તિ દેવી ધર્મદેવ સાથે પુરુષોત્તમ નારાયણ પાસે આવ્યા અને કહ્યું, પ્રભુભક્તિ વિના મોક્ષ નથી, તમે પ્રગટ થશો તો ભક્તિ થશે. તેથી પ્રભુએ શંકરને પૃથ્વી પર મોકલ્યા. શંકર-પાર્વતી વસ્ત્ર વિના જોગીનો વેશ લઇ બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણોએ શંકરને ખૂબ માર્યા. તેથી સતીએ શાપ આપ્યો, તમે કેવળ ધર્મ-કર્મ જાણો છો પણ સંત, યોગી, ભક્તોનો મહિમા જાણતા નથી. માટે જાવ બધાં મરી જાવ. વિપ્ર પત્નીઓએ પ્રભુ પાસે પ્રાર્થના કરી, હે પ્રભુ હવે અમે કેમ જીવીએ. પ્રભુએ કહ્યું : જેને તમે માર્યા છે, તેની પૂજા કરો. ત્યારબાદ બધાંએ શંકરની પૂજા આરતી, સ્તુતિ કરી. તેથી તે શાપથી રહિત થયા. ત્યારે મારો અનાદિશ્રીજીવનારાયણ અવતાર થયો.

બ્રહ્માના ચોવીસમાં વર્ષે - વેદ જાણનારા વિપ્રો, દેવતાઓ, પિતૃઓ સંન્યાસીઓ બધા મોક્ષ વિચાર માટે ભેગા થયા. શ્રીહરિ એકલા છે કે યુગલ-સગુણ છે કે નિર્ગુણ-મૂર્તિમાન છે કે અમુર્ત-અગ્નિરૂપ છે કે આદિત્યરૂપ છે. બ્રહ્મા બોલ્યા યુગલ છે. મહર્ષિઓ બોલ્યા પરથી પર એક છે. દેવો બોલ્યા સગુણ છે. યતિઓ બોલ્યા નિર્ગુણ છે. સેવા કરનારા બોલ્યા મૂર્તિમાન છે. વિષ્ણુ બોલ્યા, આ શંકર યથાર્થ કહેશે. શંકરે કહ્યું, થોડી વાર ધ્યાન કરો. સર્વેએ ધ્યાન કર્યું. ત્યાં દિવ્યતેજનો પર્વત દેખાયો તેમાં અનાદિ શ્રીકૃષ્ણનારાયણ અર્ધનારીશ્વર રૂપે દેખાયા. અર્ધશિખા, અર્ધઅંબોળો, અર્ધતિલક, અર્ધચંદ્રક, એક કમંડળ, એક એરિંગ, એક બાજુ દાઢી, બીજી બાજુ નથડી, એક જમણું સ્તન, આ રીતે આખા શરીરમાં અર્ધું શરીર જમણું પુરુષનું અને ડાબુ સ્ત્રીનું સ્વરૂપ જોઇ બ્રહ્માએ પ્રાર્થના કરી, હે અનાદિ અર્ધશ્રીશ્વરનારાયણ તમે લોકના કલ્યાણ માટે આ બંને સ્વરૂપે પૃથ્વી પર ઉપાસના ભક્તિ માટે કાયમ વાસ કરો. બ્રહ્માની પ્રાર્થના સાંભળી અનાદિશ્રીકૃષ્ણનારાયણ બોલ્યા, જે ભક્ત જે સ્વરૂપે મને ઉપાસે છે તે સ્વરૂપે હું તેને દર્શન આપું છું.

બ્રહ્માના પચ્ચીસમાં વર્ષે - પિતૃઓને મારો નિશ્ચય દૃઢ કરાવવા મે શ્રીઅર્ધપિતૃનારાયણ અવતાર ધારણ કર્યો.

બ્રહ્માના છવ્વીસમાં વર્ષે - મારી લક્ષ્મીરૂપ તુલસી તથા પીપળારૂપે મારી ભક્તિ પ્રવર્તાવવા મારો અનાદિશ્રીપ્લક્ષનારાયણ અવતાર થયો.

બ્રહ્માના સત્તાવીસમાં વર્ષે - અનેક માંસ પ્રિય વિપ્રો રાજા પાસે યજ્ઞો કરાવતા હતાં. તેમાં પશુ તથા નરમેઘ વગેરે હિંસામય યજ્ઞો જોઇને હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ યતિ સ્વરૂપે ત્યાં ગયો અને અહિંસામય યજ્ઞનું જ્ઞાન આપ્યું. તો પણ તે તામસી વિપ્રો માન્યા નહીં. ત્યારે મેં ઐશ્વર્ય બતાવી અનેક આયુધો વડે તે સર્વે તામસીઓને શરીરે વજ્ર પ્રહાર કર્યો. ત્યારે મારુ તે અનાદિશ્રીપુંસ્ત્વનારાયણ સ્વરૂપ જોઇ સૌ સ્તુતિ કરવા લાગ્યા. એ રીતે મેં ભક્તોની રક્ષા કરી.

બ્રહ્માના અઠ્ઠાવીસમાં વર્ષે - ધર્મ, દાન, પુણ્યપરાયણ સૂર્યવર્ચા રાજાને તેની રાણીએ કહ્યું, તમે અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું મંદિર કરાવો. તો આપણો અને અનેક જીવાત્માનો મોક્ષ થાય. દાનથી સ્વર્ગ મળે પણ મોક્ષ ન મળે. મંદિર કરાવવાથી ભગવાનની રાત્રી- દિવસ અનેક પ્રકારની સેવા કરીને મનુષ્યો મોક્ષભાગી બને છે. તેથી તે રાજાએ સુશોભિત મંદિર કરી મૂર્તિપ્રતિષ્ઠા કરી ત્યારે હું પુરુષોત્તમનારાયણ પોતે અનાદિશ્રીશ્યામનારાયણ થયો હતો. ત્યારે તું વરશ્રી નામની લક્ષ્મી હતી.

બ્રહ્માના ઓગણત્રીસમાં વર્ષે - બ્રહ્માના ગુપ્ત રોમમાંથી માયુરકઅસુર પીંછાવાળો, ચાંચવાળો થયો. તે તપ કરી સિદ્ધિ મેળવી ત્રિલોકીનો રાજા થયો. તેણે જપ, તપ, યોગ, યજ્ઞ, ધર્મ, કર્મ, બંધ કરાવ્યું. સર્વ સ્થળે ગતિ કરતો અતિ ત્રાસ વર્તાવતો. તેથી દેવોએ સ્તુતિ કરી ત્યારે મેં તે અસુરનો નાશ કરવા મે અનાદિશ્રીરાજનારાયણ અવતાર ધારી તેનો નાશ કર્યો. ત્યારે મેં સર્વે સત્કાર્યો ચાલુ કરાવી મહાન યજ્ઞ કરાવ્યો. તેમાં 10 હજાર સાધુઓ, 10 હજાર સાધ્વીઓ, 10 હજાર વિપ્રો, 10 હજાર યજ્ઞ કરનારા, 10 હજાર અનાથો, 10 હજાર ગરીબો, 10 હજાર યોગી વ્રત, તપ, જપ કરનારા વિપ્રોને જમાડ્યા. ત્યારે તું રાજશ્રી હતી.

બ્રહ્માના ત્રીસમાં વર્ષે - દેવસખી વિપ્રને ત્યાં લક્ષ્મી પુત્રીરૂપે આવ્યા તેને વરવા પ્રસવણ અસુર આવ્યો અને કહ્યું, હું વિષ્ણુ છું. તારી પુત્રી લક્ષ્મી મને આપ. એમ કહીને માયાવી વિદ્યા પ્રસારી કામબાણ, મોહ વગેરે ફેંક્યાં. ત્યારે લક્ષ્મીએ તે બાણના કામને ભસ્મ કર્યો. ત્યારે સર્વે દેવોએ કામને સજીવન કરવાની પ્રાર્થના કરી, ત્યારે મેં અનાદિશ્રીબ્રહ્મચારીનારાયણ અવતાર ધારણ કરી, તે અસુરનો નાશ કરી, તે દેવસખા વગેરે પાંચ ભાઇઓ તેની પુત્રી લક્ષ્મી તેનો ધર્મ વગેરેની રક્ષા કરી મારી ભક્તિ કરાવી અંતે પરમધામમાં લઇ ગયો અને નૈષ્ટિક બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું. ત્યારે તું નિષ્ટીકીશ્રિયા નામે હતી.

બ્રહ્માના એકત્રીસમાં વર્ષે - બ્રહ્માના મળમાંથી હલ્લકાસુર થયો. તેણે તપ કરીને બ્રહ્માની પાસે અપ્રતિહત શક્તિ માંગી, પ્રભુએ આપી. તે અસુરે ત્રિલોકીને જીતી શંકર પાસે જઇને કહ્યું, તમે મેરુપર્વત ચાલ્યા જાવ. કૈલાસ, સતી મને લાવો શંકરે ત્રિશૂલથી યુદ્ધ કર્યું પણ જીત્યા નહીં. હલ્લકાસુરે આયુધ શક્તિ ફેંકી શંકરને ભાવ વિનાના કરી દીધા. ત્યારે મે અનાદિશ્રીશિવનારાયણ અવતાર ધારણ કરી શંકરની રક્ષા કરી. તે હલ્લકાસુર અસુર શરણે આવ્યો. તેને યમપુરીમાં નરકમાં મોકલ્યો. ત્યારે તું શિવનારાયણી હતી.

બ્રહ્માના બત્રીસમાં વર્ષે - કુબેરનો યક્ષ ત્રિલોકીમાં ફરતો યમપુરી ગયો. ત્યાં મરી ગયો. કુબેરે તે જાણ્યું. તેથી યમને મારી પોતાના સેવકને લઇ આવ્યો. યમે પાતાલમાં નીરૂતી રાક્ષસની સહાય કરી કુબેર સાથે લડાઇ કરી. દેવતાઓ અને રાક્ષસોનું ભયંકર યુદ્ધ થયું. યમરાજે કુબેરને મારી નાખ્યો. તેના સેવકની સ્તુતિથી મેં અનાદિશ્રીસ્વર્ણનારાયણ અવતાર ધારણ કરી કુબેરને સજીવન કર્યો. ત્યારે તું કાનકી લક્ષ્મી હતી.

બ્રહ્માના તેત્રીસમાં વર્ષે - મેરુની પૂર્વે જ્વાલા અરુણાચલમાંથી અગ્નિ પ્રગટાવ્યો. તેમાં કરોડો માનવો, હાથી, ગજ વગેરે પશુઓ બળી ગયા. ત્યાં ચાર ગાઉનું સ્વામીનગર હતું. ત્યાં બ્રહ્માના સાધુ-સંન્યાસીઓ રહેતા હતા. તે બધાનું રક્ષણ કરવા તેની સ્તુતિ પ્રાર્થના સાંભળીને મેં અનાદિશ્રીસ્વામિનારાયણ અવતાર ધારણ કરીને બધાનું રક્ષણ કર્યું હતું. બ્રહ્મધરામાંથી એક ટીપું નાખી અગ્નિને શાંત કરી બધાને જીવતા કર્યા હતા. ત્યારે મેં પૃથ્વી પર મારું અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીસ્વામિનારાયણ નામનું ભજન કરાવ્યું હતું. ત્યારે તું લક્ષ્મી સ્વામિનીશ્રી હતી.

બ્રહ્માના ચોત્રીસમાં વર્ષે - નિર્વાતીકા બ્રાહ્મણી દંપતી અતિ ગરીબ પણ અતિ ભક્તિવાળા. પણ પુત્ર વિનાના તેને ત્યાં લક્ષ્મીજી પુત્રીરૂપે જન્મ્યાં. તેની ભક્તિથી પ્રસન્ન થઇ મેં અનાદિશ્રીસાવનનારાયણ અવતાર ધારણ કરી લક્ષ્મી તારી સાથે લગ્ન કર્યાં અને બ્રાહ્મણ દંપત્તીને દર્શન આપી સુખી કરી અંતે ધામમાં મોકલ્યા.

બ્રહ્માના પાંત્રીસમાં વર્ષે - અંશુક્રમથ રાજા-રાણી અતિ ભક્તિ તથા ધર્મ, જપ, તપ, દાન, પુણ્ય વગેરે સત્કાર્યો કરતા તથા સાધુમાં ભગવાન રહ્યા છે, એમ માની જમાડતા સેવાપૂજા કરતા. સાધુ ભગવાનની મૂર્તિ છે, મોક્ષ આપનારા છે એમ માની કાયમ તેને જમાડતા. તેને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે દર્શન દેવા સાધુરૂપે અનેક સાધુ-સાધ્વીનું મંડળ લઇ ત્યાં આવ્યા. ધૂન, કીર્તન કર્યા. મંદિરમાં મૂર્તિ પાસે નૃત્ય કર્યું. તે સમયે રાજા-રાણીને દિવ્ય સ્વરૂપે લક્ષ્મીનારાયણના દર્શન થયાં. સ્તુતિ કરી, અમારી પ્રજાના રાજાના કુટુંબના અહોભાગ્ય અમારે ત્યાં લક્ષ્મીનારાયણ તથા દિવ્ય સંતમંડળે દર્શન આપ્યા. એ રીતે મેં અનાદિશ્રીસાધુનારાયણ અવતાર ધારણ કર્યો. ત્યારે તું સાધ્વી નારાયણી હતી.

બ્રહ્માના છત્રીસમાં વર્ષે - કુંભાર વીરણનો પુત્ર ભક્ત હરિપ્રથ તે નાનપણથી ધૂન, કિર્તન કરતો. સાધુ યોગીમાં પ્રીતિવાળો મોટો થયો. સંસારની અસારતાનો ખ્યાલ આવ્યો. સાધુને સંગે જ્ઞાની થયો. એક દિવસે પવિત્ર વિષ્ણુપદી નદીમાં સંતમંડળી સહિત હરિપ્રથ ભક્ત સ્નાન કરતો હતો. ત્યારે વણીશાલ મનુ રાજા પોતે સેવકો સહિત ન્હાવા આવ્યા. ત્યારે રાજાએ કહેવડાવ્યું. અમે નાહી લઇએ પછી તમે સ્નાન કરજો. ભક્તે કહ્યું, અમે પણ સ્નાન કરવા આવ્યા છીએ તમે ક્યાં આડા આવ્યા. સેવકોએ ક્રોધ કરી રાજાના કહેવાથી ત્યાંથી કુંભારોને તથા સાધુને કાઢી મૂક્યા. ત્યાં હરિપ્રથે શાપ આપ્યો. તારો રાજા મરી જાવ. મનુરાજા મરી ગયો. દેવતાઓમાં હાહાકાર થયો. સર્વે પ્રાર્થના કરી. લક્ષ્મીનારાયણ ત્યાં આવ્યા કહ્યું, હું તો ભક્તને આધીન છું. તમો તે ભક્ત પાસે જઇ પ્રાર્થના કરો, ત્યારે સર્વે દેવો તથા સેવકો હરિપ્રથ ભક્ત પાસે સાધુ પાસે આવ્યા. ક્ષમા માગી. સાધુએ હરિપ્રથ ભક્તે પ્રભુને સંભારી પ્રસાદીનું પાણી છાંટ્યું. રાજા તરત બેઠો થયો. ત્યારે મારો અનાદિશ્રીભક્તનારાયણ અવતાર થયો. ત્યારે તું કુંભિકા નારાયણી હતી.

બ્રહ્માના સાડત્રીસમાં વર્ષે - વર્મધર રાજા શિકારે ગયો. અજહારિત ઋષિના આશ્રમમાં આવ્યો. પગે ન લાગ્યો. ઊલટું આશ્રમના બગીચામાં અશ્વ, હાથી, ઊટ બાંધી નુકસાન કર્યું. ઋષિએ સમજાવવા છતાં ન માન્યો. રાજા કહે - જંગલ મારું, પ્રજા મારી, બધું મારું. આ સાંભળી ઋષિએ શાપ આપ્યો, ઘોડો થઇ જા. તેથી રાજા ઘોડો થઇ ગયો, સર્વેએ રાણીએ ઋષિની પ્રાર્થના કરી. ઋષિએ કહ્યું, તારો પુત્ર અશ્વમેઘ યજ્ઞ કરશે. તેને અંતે અવભૃથ સ્નાન કરશે. ત્યારે રાજા ઘોડામાંથી મનુષ્ય થશે. અશ્વમેઘ યજ્ઞ તેના પુત્ર ધર્મધરે પોતાના પિતાના મોક્ષને માટે કર્યો. યજ્ઞને અંતે મેં અનાદિશ્રીમેઘનારાયણ અવતાર ધારણ કરી તેને દર્શન આપ્યા તથા તેના પિતાનો ઉદ્ધાર કર્યો. ત્યારે તું લક્ષ્મી મેઘાવતી નામે હતી.

બ્રહ્માના આડત્રીસમાં વર્ષે - અનાલાસુર થયો. તેણે પૃથ્વીમાં દ્રવ્ય, કવ્ય, સર્વે અન્ન- જલ વગેરે કાંઇ રહેવા ન દીધું. ત્યારે સર્વે દેવો, મનુષ્યો, ઋષિઓએ બ્રહ્માને કહ્યું. બ્રહ્માએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી ત્યારે મેં અનાદિશ્રીવન્હિનારાયણ અવતાર ધારણ કરી તેને ભસ્મ કરી, સર્વેને જીવતદાન આપ્યું. ત્યારે તું પાર્થિવીશ્રી હતી.

બ્રહ્માના ઓગણચાલીસમાં વર્ષે - મહાસુર રસાદ થયો. તે તપ કરી શંકરને પ્રસન્ન કરી સર્વ રસ ભક્ષી થયો. સ્વર્ગ-પૃથ્વીના સર્વે રસનું ભક્ષણ કરી ગયો. દેવો, ઋષિઓ, માનવોએ પ્રભુને પ્રાર્થના કરી. ત્યારે મેં અનાદિશ્રીરસનારાયણ અવતાર ધારણ કરીને અસુરનો નાશ કર્યો. સર્વેને સુખિયા કર્યા. ફરીથી રસ ઉત્પતિ થઇ. ત્યારે તું રસલક્ષ્મી હતી.

બ્રહ્માના ચાલીસમાં વર્ષે - બ્રહ્મચિત્રધર રાજા-રાણી શોભાલિકાને ત્યાં તું લક્ષ્મી સુંધાક્ષિણી નામે થઇ. તારા સ્વયંવરમાં હું ચક્રનારાયણ આવ્યો. તે વરમાળા પહેરાવી. ત્યારે દશ હજાર દૈત્યરાજાઓ વિરોધમાં પડ્યા. તેને મેં ચક્રથી કાપી નાખ્યા.

બ્રહ્માના એકતાલીસમાં વર્ષે - સત્યુગનો ધર્મ સ્થાપવા હું દ્રાવણ વિપ્રને ત્યાં ચતુર્ભુજ જન્મધારણ કરી અનાદિશ્રીસત્યનારાયણ થયો અને અસુરોનો નાશ કર્યો અને પૃથ્વીમાં મારું ભજન કરાવી અનેકનો મોક્ષ કર્યો. ત્યારે તું વિજ્યાશ્રી હતી.

બ્રહ્માના બેતાલીસમાં વર્ષે - પૃથ્વીના ખંડ કર્યા ત્યારે પર્વતો પાંખોવાળા ઈચ્છારૂપ ગતિવાળા હતા. તેને સ્થિર રાખવા દેવોએ ઈન્દ્રને કહ્યું. ત્યાં તો બધા પર્વતો આકાશમાં ઉડી દેવતાઓ ઉપર પડવા લાગ્યા. ત્યારે સર્વે દેવોએ અનાદિ પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના કરી. ત્યારે મેં અનાદિશ્રીહિરણ્યનારાયણ અવતાર ધારણ કરી સર્વે પર્વતોને સ્થિર કર્યા. પાંખરહિત કર્યા ત્યારે તું હિરણ્યમયી હતી.

બ્રહ્માના તેતાલીસમાં વર્ષે - અનન્ય ભક્ત વિપ્ર નિરંજન અતિ તપ, ધર્મ, યજ્ઞ, જપ, ભક્તિ કરનારો નિરાહાર રહેતો. તેને સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છતાં ભક્તિ જ કરતો તેથી વિષ્ણુએ દર્શન આપ્યા. નિરંજને કહ્યું, તમારાથી પર કોઇ છે. વિષ્ણુએ કહ્યું, મહાવિષ્ણુ છે. નિરંજને તેને ભક્તિથી રાજી કર્યા. મહાવિષ્ણુએ પ્રત્યક્ષ દર્શન દીધા. નિરંજને પૂછયું, તમારાથી કોઇ પર છે. મહાવિષ્ણુએ કહ્યું - ભૂમાપુરુષ, વાસુદેવ-કૃષ્ણ ઘણાં છે. નિરંજને બધાની ભક્તિ કરી રાજી કરી, દર્શન કર્યા. પછી વાસુદેવ ભગવાને કહ્યું, પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રત્યક્ષ અનાદિ શ્રીકૃષ્ણનારાયણ સર્વેથી પર છે. નિરંજને અનાદિશ્રીકૃષ્ણનારાયણની અતી ભક્તિ કરી એટલે હું તપસ્વી એવા નિરંજનને ત્યાં અનાદિશ્રીનૈરંજનીનારાયણ પ્રગટ થયો અને મારું ભજન કરાવી અનેકનો મોક્ષ કર્યો. ત્યારે તું નિષ્કિંચની નારાયણી હતી.

બ્રહ્માના ચુમ્માલીસમાં વર્ષે - પુણ્યવંતી બ્રાહ્મણી પતિપરાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરનારી હતી. જપ, તપ કરતી તેને પુત્રની ઈચ્છા થઇ. ઘણો સમય થયે પુત્ર ન થવાથી બ્રહ્માને શાપ આપ્યો, જડ થઇ જા. બ્રહ્મા જડ જેવા થઇ ગયા. તેથી બધાં દેવો શંકર, વિષ્ણુ વગેરેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરી. ત્યારે મેં પ્રગટ થઇ દેવોને તથા વિપ્ર દંપતીને દર્શન દીધા. તે પુણ્યવંતીએ મને પુત્ર તરીેકે માંગ્યો. તેને ત્યાં હું અનાદિશ્રીપુણ્યનારાયણ થયો.

બ્રહ્માના પિસ્તાલીસમાં વર્ષે - સ્વર્ગમાં- સત્યલોકમાં સર્વે અપ્સરાઓએ વિચાર કર્યો. સર્વે રીતે સુખી કોણ કરી શકે ? તો સર્વે સુખના નિધિ એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વ રીતે સુખી કરી શકે માટે તેને પતિ તરીકે સ્વીકારવા. તેથી તે અપ્સરાઓએ તપ કર્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થઇ બોલ્યા, તમે સર્વે પૃથ્વી પર જન્મ ધારણ કરો. પછી હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ બૃહદ રાજાને ત્યાં અનાદિશ્રીબૃહન્નનારાયણ પ્રગટ થયો. અને સમ્રાટ રાજા થઇ કરોડો અપ્સરાઓના સંકલ્પ પૂરા કર્યા.

બ્રહ્માના છેતાલીસમાં વર્ષે - ત્રેતાયુગમાં ધર્મ શિથિલ થવા લાગ્યો. ત્યારે મે અનાદિશ્રીગુરુનારાયણ રૂપે પ્રગટ થઇને ત્રેતાયુગ પર્યંત રહીને ઋષિ, મહર્ષિઓને ધર્મ- કર્મના યજ્ઞમાં વેદાભ્યાસમાં સ્થિર કર્યા.

બ્રહ્માના સુડતાલીસમાં વર્ષે - બૃહદ્ધર્મા રાજા ભક્ત હતો. તેણે 6 સોમયાગ કર્યા. તેમાં કરોડો સંતો વિપ્રો, ઋષિ-મુનિઓને, અનાથ ગરીબોને તથા દેવતાઓને અતિ તૃપ્ત કર્યા. ત્યારે પોતે સર્વ ધન-પૃથ્વી દાનમાં આપી દીધી. તેથી મેં પ્રગટ થઇ દર્શન દીધા. રાજા-રાણીએ કહ્યું, પ્રભુ અમને સાધુ દીક્ષા આપો. ત્યારે મેં અનાદિશ્રીમહાયાર્યનારાયણ અવતાર ધારણ કરી. રાજા-રાણીને દીક્ષા આપી. તે જોઇને લાખો વિપ્રોએ પણ સાધુ દીક્ષા લીધી.

બ્રહ્માના અડતાલીસમાં વર્ષે - રુદ્રના પડખામાંથી જન્મેલો વિદ્યુતસ્ત્રાવ રાક્ષસ તપ કરી શંકરને પ્રસન્ન કરી સૂર્ય-ચંદ્ર અગ્નિ સર્વેથી તેજસ્વી થવાનું વરદાન પ્રાપ્ત કરી ત્રિલોકી જીતીને વશ કરી. તેથી સર્વે દેવો હાહાકાર કરવા લાગ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ, પ્રાર્થના કરી ત્યારે હું અનાદિશ્રીમહાવિદ્યુન્નનારાયણ પ્રગટ થઇ તે રાક્ષસનો નાશ કરી. ત્રિલોકીને સુખી કરી. અનેકને મારું ભજન કરાવી મોક્ષ આપ્યો. ત્યારે તું લક્ષ્મી વૈદ્યુતીશ્રી હતી.

બ્રહ્માના ઓગણપચાસમાં વર્ષે - મધુભક્ષ દૈત્યનો નાશ કરવા મેં અનાદિશ્રીમધુનારાયણ અવતાર ધારણ કરી દૈત્યોનો નાશ કરી દેવોને સુખી કર્યા. ત્યારે તું માધવીશ્રી હતી.

બ્રહ્માના પચાસમાં વર્ષે - કળિયુગમાં મનુષ્યો સર્વે સર્વભક્ષી પાપ કરનારા, ધર્મ, કર્મરહિત ક્રુર હિંસા પરાયણ હતા. યજ્ઞ, ધર્મ, કર્મ સ્થાપવા તથા સાધુ-બ્રાહ્મણ, ગાયોનું રક્ષણ કરવા મે અનાદિશ્રીનાથનારાયણે પ્રગટ થઇને સર્વેને સુખી કર્યા. અર્ધા યુગ સુધી રહીને અનેકનું કલ્યાણ કર્યું. ત્યારે તું ધનુમતી નામે હતી.

બ્રહ્માના એકાવનમાં વર્ષે - બ્રહ્માના સ્વર્ણ ઉત્સવમાં ત્રિલોકીના દેવ આવ્યા. ત્યારે મેં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ પોતે અનાદિશ્રીવિષ્ણુનારાયણ પ્રગટ થઇ બ્રહ્માદિક દેવોને સુખી કર્યા. ત્યારે તું વિભ્વીશ્રી હતી.

બ્રહ્માના બાવનમાં વર્ષે - બ્રહ્માની સભામાં સર્વે દેવો ઋષિમુનિઓ વિચાર કરવા લાગ્યા. સર્વે સત્કાર્યોના ફળ શું ? ત્યારે દેવતાઓએ સ્વર્ગ આદી સ્થાનો બતાવ્યા અને ઋષિ-મુનિ-સંતોએ સર્વે સત્કાર્યોના ફળરૂપે ભગવાનને બતાવ્યા. ત્યારે કિર્તન સ્તુતિ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રસન્ન કર્યા. ત્યારે મે અનાદિશ્રીમોક્ષનારાયણે પ્રગટ થઇને બધાને દર્શન આપ્યા. ત્યારે તું મુક્તિ નામે હતી.

બ્રહ્માના ત્રેપનમાં વર્ષે - વારાહકલ્પમાં મનુના પહેલા દિવસે વર્તમાન સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું શિવરાત્રી શ્રી સહિત અક્ષરધામ તુલ્ય જે અશ્વપટ સરોવર તીરે કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થયેલો છું. માતા કંભરાલક્ષ્મી, પિતા ગોપાલકૃષ્ણના અતિ તીવ્ર તપ ને ભક્તિથી ખેંચાઇને તથા કરોડો, અબજો ભક્તોના ગોપીઓના સંકલ્પ પુરા કરવા માટે મેં અવતાર ધારણ કરેલો છે. તથા મારા અવતારો મત્સ્ય, વરાહ, કચ્છ, નૃસિંહ, કપીલ, હયગ્રીવ, હંસ, વામન, નારદ, વાસુદેવ, હરિ, દત્તાત્રેય, પરશુરામ, ઋષભ, પૃથુ, યજ્ઞ, કુમાર, રામ, વ્યાસ, ધન્વન્તરી, બુધ, કૃષ્ણ, કલ્કી, મોહિની, હરિ, કૃષ્ણ, નર, નારાયણ, આદિ અનંત અવતારો મારા થયા અને થશે. તેને હું જાણું છું. તું લક્ષ્મી કે બીજા કોઇ જાણી શકતા નથી. વૈરાટ બ્રહ્માના દરેક વર્ષે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું એકવાર પ્રગટ થાવ છું અને વૈરાજ બ્રહ્માના દરેક દિવસના અવતારો અંશકલા, આવેશ, વિભૂતિનો કોઇ પાર જ નથી. હવે પછી આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથાનો વક્તા શ્વેત કૃષ્ણનારાયણ શ્વેત કૃષ્ણાયન મુનિ થશે.