નરશાય ચોર-કુંદધર્મા કન્યા-શંભલવાર શુદ્ર અને દેવાનીક કલ્યાણબાપાની કથા
આ અધ્યાય 104–107 સંયુક્ત છે
પૂર્વ વનમાં વસતા ચક્રભાસ સાધુની પાસે નરશાય નામનો ચોર આવ્યો. સાધુએ તેને પાણી પાયું. તેથી ચોરનું ચિત્ત નિર્મળ થયું. તેણે સાધુને પૂછ્યું. પાપનો નાશ કઇ રીતે થાય ? સાધુએ કહ્યું, ચોરકર્મ મૂકીને ભગવાન ભજવા, વનમાં ફળફુલ અને જે મળે તે ખાઇને પ્રભુ ભજવા. સાધુનું વચન માનીને તે ચોરે પોતાનું કર્મ છોડી દીધું અને ભજન કરી સાધુની સર્વ રીતે સેવા કરતો. તેથી તેને લક્ષ્મીએ દર્શન આપી કહ્યું, તું ચાલ વૈકુંઠમાં. તે ચોર લક્ષ્મી સાથે વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયો.
પૂર્વે જાંઘલામખ ક્ષત્રિય રાજા નાની ઉંમરની કન્યા કુંદધર્માને પરણ્યો. તેની સાથે વ્યવહાર કરવા ગયો. તેની પત્નીએ કહ્યું, હજી હું રજોગુણમાં નથી માટે શરીરસેવા નહિ કરું. રાજા નહિ માની સ્પર્શ કરવા ગયો ત્યાં રાણીના સ્પર્શથી બળવા લાગ્યો. રાજાને તરત ભાન થયું. તેથી રાણીને પ્રાર્થના કરી રાજી કરી. માટે યોગ્ય ઉંમર વિના ક્યારેય પણ કન્યાને જ્યાં ત્યાં પરણાવવી નહીં.
નીચલી જાતિના હોય ગમે તે કર્મ કરતાં હોય પણ સાધુના યોગ પ્રસંગ સમાગમથી ઉદ્ધાર થાય છે. શાસ્ત્રમાં પોતાનો પુત્ર તે ઔરસ કહેલો છે. 1. પોતાની પત્નીમાં બીજાથી જન્માવેલો તે પરજન્ય. ર. બીજાની પત્નીમાં જન્માવેલો, 3. જન્મથી કોઇએ શિષ્ય તરીકે આપેલો મોટો કર્યો તે. 4. દત્તક લીધેલો. પ. વેચાતો લીધેલો, 6. અપરિણીતમાં જન્માવેલો, 7. મનથી માનેલો આ રીતે અનેક પ્રકારના પુત્રો કહેવાય છે. આવા કેટલાય પુત્રો તથા પત્નીવાળો શંભલવાર શૂદ્ર તેની સાધુએ ભક્તિ કરાવી તપ કરાવી મોક્ષ કર્યો.
અશ્વપટ સરોવરને કાંઠે રહેતા દેવાનીક કલ્યાણ બાપા તથા સેજીમાને ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રી ચિહ્ન યોગી રૂપે આવ્યા. બંને દંપતીએ સ્નાન, પૂજન, વંદન, સેવાભક્તિ, જમાડવા, દૂધ પાવા વગેરેની સેવા કરી. યોગીએ આશીર્વાદ આપી પોતાનું અનાદિ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું તમારા વંશમાં અવતાર ધારણ કરીશ. એમ કહીને સર્વે ધામના દર્શન કરાવ્યા. ભૂમાપુરુષ તથા તેની લક્ષ્મી તેને ત્યાં ગોપાલકૃષ્ણ (મહાવિષ્ણુ) થયા. તથા પ્રેમમયી મિષ્ટાદેવીને ત્યાં કંભરાલક્ષ્મી (મહાલક્ષ્મી) થયા. તે સર્વે નારાયણના અંશો હતા.