ભાગ · અધ્યાય ૧૮૫–૧૮૯

ગાંડો મંજુલકેશ, શુદ્ર બાણાંગર, મોચી ભૂતાદન અને શંકુધર ચોરની કથા

આ અધ્યાય 185–189 સંયુક્ત છે

ગાંડા મંજુલકેશ ભક્તે પવિત્ર એક બ્રાહ્મણ પાસે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરાવી. તેને જમવા બોલાવ્યો. જમવામાં અશુદ્ધિ જાણી મંજુલકેશે બ્રાહ્મણને શાપ આપ્યો. પછી બ્રાહ્મણે ભગવાનની પ્રાર્થના કરી તેથી શાપનું નિવારણ થયું અને તે ગાંડો મંજુલકેશ તથા તે બ્રાહ્મણ મોક્ષ પામ્યા.

વૈરાઢ્યનો શુદ્ર બાણાંગણ દારૂ બનાવતો- વેચતો. એક વખત યાત્રિકો સાથે ગિરનારની પરિક્રમા કરવા ગયો. ત્યાં પણ દારૂ વેચતો. ઘણા ભૈરવના ઉપાસકો ત્યાં દારૂ પીતા. તે બાણાંગણ ભક્ત ધૂન-કિર્તન કરતો ત્યાં અનેક સંતો ઉપદેશ આપતા કે, તિર્થો કરવા તેથી કલ્યાણ થાય. તિર્થ બે પ્રકારના છે. સ્થાવર અને જંગમ. સ્થાવર તિર્થ - નદી, તળાવ, કૂવા, મંદિર, મૂર્તિ વગેરે છે. માતા-પિતા, પતિ, સતી, ઋષિ આ સર્વે જંગમ તિર્થો છે. સર્વે તિર્થોમાં ઉત્તમ તિર્થ સાધ્વી, યતિ, સંત-સાધુ છે. સાધુના શરીરમાં અવતાર ઇશ્વર દેવો સર્વે સાત્ત્વિક તત્ત્વો નિવાસ કરે છે. સાધુ ભગવાનની મૂર્તિ છે. ભગતને સંતરૂપે ભગવાન મળ્યા. માટે ભગતે કહ્યું, હું દારૂ વેંચુ છું, પીઉં છું. ભગવાન કહે, હવે દારૂ ન વેચતો, ન પીતો અને બ્રહ્મચર્યવ્રત કરી પ્રાયશ્ચિત કર. પછી શુદ્ધ કરી પ્રભુએ તેને મંત્ર આપી તેનો મોક્ષ કર્યો.

ધવલપુરમાં મોચી ભક્ત ભૂતાદન હતો. તેણે એક વખત નદીમાં ગાય તણાતી હતી તેને દોરડું બાંધી કાઢી. તેથી ગાયે તેને મૂંગા આશીર્વાદ આપ્યા. તે પ્રતાપે તેને એક જગ્યાએ ખોદકામ કરતા તાંબાનો ઘડો સુવર્ણથી ભરેલો મળ્યો તેથી સુખી થઇ હંમેશા ધૂન-ભજન કરતો. તેણે કથા બેસાડી તેમાં આવ્યું કે, દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં. વ્યભિચાર કરવો નહીં. કરે તો યમપુરીમાં જવું પડે. ચોરાસીમાં ભટકવું પડે. તે સમયે સાલાયન સાધુએ આવી બધાને ઉપદેશ આપ્યો, ભગવાન ન ભજે તે બધા ચર્મકાર મોચી જ છે. ચામડાના ગર્ભમાં રહ્યા ચામડીને તેલ લગાવ્યું. ચર્મને સજાવટ કરી શરીરનું જે કામ છે તે સર્વે ચર્મનું જ છે. બ્રહ્મા પણ ચર્મકાર છે. માટે અંદર રહેલા જીવ આત્મા તેનો મોક્ષ કરી લેવો. ચર્મ શરીર ખોખું અહીં પડ્યું રહેશે. પછી બધા ચર્મકારોએ તે સાધુ પાસે “ૐ નમ: અનાદિશ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર લઇ ભજન કરતા. તે ભક્તોએ અશ્વપટ સરોવર કુંકુમવાપી ક્ષેત્રમાં મંદિર કરી, ભજન કરી મોક્ષમાં ગયાં.

શંકુધર ચોરને સુમંતુ ઋષિએ ઉપદેશ આપી પ્રાયશ્ચિત કરાવી, યજ્ઞ કરાવી, મંત્ર આપી, ભજન કરાવી મોક્ષ કર્યો.

સંત પુરુષના જે ગુણ ગ્રહણ કરે છે તે તરી જાય છે. અવગુણ ગ્રહણ કરે છે તે સંસારમાં ડૂબે છે. માટે સદ્ગુણ લેવા. સંત સમાગમ છે તે ચિંતમણિ તુલ્ય છે તેથી સર્વે પ્રાપ્તિ થાય છે. આલોક, પરલોકમાં કુટુંબ વગેરે સર્વે સુખી રહીને અંતે પ્રગટ ભગવાનના પરમધામની પ્રાપ્તિ થાય છે.