કયાં સદ્ગુણોથી સાધુ ભગવાન કહેવાય ?
લક્ષ્મીજીએ પૂછ્યું : ક્યાં સદ્ગુણોથી સાધુ ભગવાન કહેવાય ? ભગવાને કહ્યું : ક્ષમાવાળા, વૈરાગ્ય, શાંત, અપરિગ્રહ, આત્મનિષ્ટાવાળા, સર્વસ્વ ભગવાનને અર્પણ કરનારા, નિર્બંધન માયાના દાસ નહિ થનારા, દેહ ઇંન્દ્રિયોને 5ોષણ થાય તેટલું જ ગ્રહણ કરનારા, અહંમતારહિત, મનથી નિર્મળ રહેનારા, પરોપકાર કરનારા, મોક્ષ માર્ગ બતાવનારા, સર્વે વૃત્તિઓને મારામાં રાખનારા, આવા સંત સદા ભગવાન સમાન માનવા. તેને ભગવા વસ્ત્રની જરૂર રહેતી નથી. બાહ્ય ચિહ્નો ધારણ કરવાની જરૂર નથી.
શરીરથી ભોગશૂન્ય આ સાધુતાનું એક પગથિયું. ઇન્દ્રિય રાગશુન્ય આ બીજું પગથીયું. અંત:કરણને વશમાં રાખે આ ત્રીજું પગથિયું. આત્માને ભગવાનમાં અર્પણ રાખે આ ચોથું પગથિયું. જ્ઞાનમાં મારી મૂર્તિમાં વાસ આપે આ પાંચમું પગથિયું, મોક્ષ માટે જ પ્રયત્ન કરે આ છઠ્ઠું પગથિયું. તૂર્યાવસ્થામાં રહેનારા બ્રહ્માકારે વર્તનારા બ્રહ્મદૃષ્ટિથી જોનારા આ સાતમું અંતિમ પગથિયું. આવા સંત ગુરુ બ્રહ્મનિષ્ઠને ભગવાન સમાન કહેલા છે. તે જ રીતે સાધ્વીને પણ નારાયણી સમાન કહેલી છે. દેહ-ઇન્દ્રિયોના સુખને ઈચ્છનારા ત્યાગીઓને મધ્યમ કહેલા છે. સર્વથા રાગયુક્ત મારી દીક્ષાવાળા છતાં સ્વાર્થપરાયણ પરાણે ત્યાગ માર્ગમાં રહેલા તેને કનિષ્ટ સાધુ-સાધ્વી કહેલા છે. જેમ ખેડુ સારી જમીન હોય તો ફળ મેળવી શકે છે. તેમ શ્રેષ્ટ ઉત્તમ એવા પરમ એકાંતિક બ્રહ્મનિષ્ટ ગુરુથી મુમુક્ષુઓ મોક્ષરૂપી ફળ મેળવી શકે છે.