કપિક્ષય ચાંડાલ, નાલીકર લુહાર, મંગળદેવ મોચી અને હરિદાસ સુતારની કથા
આ અધ્યાય 211–214 સંયુક્ત છે
ગિરનારની તળેટીમાં કપિક્ષય નામે ચાંડાલ રહેતો હતો. તે વનમાં પશુને મારતો. એક દિવસ લાલ વાંદરાને બાણ મારતો હતો. ત્યાં વાંદરો બોલ્યો. સાંભળ, પછી મારજે. તું પૂર્વે બ્રાહ્મણ હતો પણ વ્યભિચારી હતો તથા હિંસક હતો. તેથી તારો આ જન્મ ચાંડાલનો આવ્યો છે. હજી તું આવું પાપ કરીશ તો તારી ગતિ કેવી થશે માટે સાધુની સેવા કરી ભગવાનનું ભજન કરી મનુષ્યજન્મ સુધારી લે. ચાંડાલે પૂછ્યું, તું કોણ છો ? તને આટલું બધું જ્ઞાન કેમ છે ? વાંદરો બોલ્યો, અમે સ્વર્ગના દેવ છીએ. પુણ્ય ખલાસ થાય એટલે સ્વર્ગમાં ના રહી શકીએ. અહીં તિર્થમાં નારાયણધરો, દામોકુંડમાં પાણી પીને ફળ, ફૂલ ખાઇ, ઇશ્વરનું સ્મરણ કરીએ છીએ. તારે કલ્યાણ કરવું હોય તો અશ્વપટ સરોવર કાંઠે લોમશઋષિ પાસે જા. ચાંડાલ કુંકુમવાપી ગયો. લોમશ ઋષિ પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લીધો. ઉપદેશ ગ્રહણ કર્યો. સત્પુરુષના સંગથી ચાંડાલ વિપ્રપણાને પામ્યો. સત્પુરુષના સંગથી મૂર્ખ પંડિત બને છે. સત્પુરુષની પ્રસન્નતાથી પાપી પુણ્યશાળી બને છે. સંતપુરુષના પ્રસાદથી રંક રાજા બને છે. તે ચાંડાલ કુટુંબ સહિત પ્રગટ પ્રભુની ભજન ભક્તિ કરી મોક્ષમાં ગયો.
વક્રનદનો લુહાર નાલીકર તે ધમાણને લક્ષ્મી માને, અગ્નિને નારાયણ માને, સાંકળને માળા માની લક્ષ્મીનારાયણનું ભજન કરે, અને લોઢાના ખેતીનાં સાધનો બનાવે. રોજ રાત્રે ધૂન-ભજન કરે. એક વખત તેની ભક્તિ વધારવા મેં મારી મૂર્તિમાં તેજ બતાવી સમાવી દીધું. તેથી ભગત વધારે ભક્તિ કરવા લાગ્યો. એક વખત સાધુનું રૂપ લઇ લક્ષ્મીને રામકી બનાવી, ગરૂડને બાળ બનાવીને તે લુહાર ભક્ત પાસે ગયા. તે ભક્તે સર્વ પ્રકારે સેવા કરી જમાડ્યા. મેં તેને મનુષ્ય જન્મની દુર્લભતા કહી. ત્યાં બાળકે મળ કર્યો તેને લુહારપત્ની કુંદનિકાએ ધોઇ સાફ કર્યું. તે જોઇ હું અતિ પ્રસન્ન થયો. તેથી તેને શંખચક્ર ગદા પદ્મ, ચતુર્ભુજ લક્ષ્મીનારાયણ સ્વરૂપે ગરૂડ પર બેસી દિવ્ય દર્શન દીધું. તે દંપતી ભક્ત ભક્તિ કરી. અંતે વિમાનમાં બેસી મોક્ષમાં ગયા.
દ્રોણપુરીનો મંગલદેવ મોચી ચામડાં વેચવાનું કામ કરે. ભગવાનની ભક્તિ કરે, પ્રાર્થના કરે. હે પ્રભુ અમને આવો નીચ જન્મ આપ્યો. અમે ક્યાંય જઇ શકીએ નહિ. ચામડા પર રાધા-કૃષ્ણ, લક્ષ્મીનારાયણ નામ લખે. રાત્રે ધૂન-કિર્તન, કથા-વાર્તા, ઉત્સવ, જાગરણ વગેરે કરી ભગવાનને રાજી કરે. એક સમયે આસો સુદ શરદપૂનમના ઉત્સવમાં ચોકમાં રાસ-કિર્તન થતા હતા. દૂધ-પૌંઆનો થાળ ભગવાનને ધર્યો હતો. તે સમયે બધાનું ધ્યાન કિર્તન-રાસમાં હતું. ત્યાં સર્પ આવી દૂધ-પૌંઆ થોડું પીને ચાલ્યો ગયો. કોઇનું ધ્યાન ગયું નહીં. રાત્રે ઉત્સવ પૂરો થયો બધાએ પ્રસાદી લીધી. ઝેર મસ્તકમાં ચડ્યું. મૂર્છાથી બધા સૂઇ ગયા. તે વખતે હું સાધુરૂપે ઔષધની પેટી લઇને ત્યાં ગયો. બધાને રસ પાયો, પાણી છાંટ્યું, સ્પર્શ કર્યો. બધા નિંદ્રામાંથી બેઠા થયા હોય તેમ લાગ્યું. સવારે સાધુને ભોજન આપીને પૂછ્યું, ભક્તને વિઘ્ન કેમ આવે છે ? સાધુએ કહ્યું, ભક્તિની દૃઢતા કરાવવા માટે ભગવાન પરીક્ષા કરે છે. આપત્તકાળે ભક્તને શ્રીહરિનું સ્મરણ વધારે થાય છે. એમ કહી બધાંને “ૐ નમ: અનાદિશ્રીકૃષ્ણનારાયણાય સ્વાહા” મંત્ર આપી બધાને ભજન કરાવીને મોક્ષ કર્યો.
રંગમતી નદી કાંઠે હરીદાસ સુતાર કામ કરે. ખુરશી, કબાટ, ખાટલા જે કરે તે પર ભગવાનના નામ લખે તથા રાધા-કૃષ્ણ, લક્ષ્મીનારાયણ અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની માણકીએ સહિત કાષ્ટની મૂર્તિ બનાવે તથા ર4 અવતારોની મૂર્તિ બનાવે તેમજ ધ્યાન કરે, ભજન-ભક્તિ કરે. એકવાર રાજાએ તેની પાસે આવીને કહ્યું, તું કહે તેટલા પૈસા આપું મારી મૂર્તિ બનાવ. સુતાર ભક્તે ના પાડી કહે, હું ભગવાન વિના કોઇની મૂર્તિ બનાવતો નથી. જો બનાવું તો ભક્તિમાંથી પડી જાવ. ભક્તની આવી દૃઢતા જાણી મેં તેને દર્શન આપી કુટુંબ સહિત મોક્ષ કર્યો.