ગુરુ મહાત્મ્ય ❖ સંત, ગુરુની સેવાથી કલ્યાણની કથાઓ - વ્રત, તપ, જપ કરવામાં અશક્ત હોય તેણે કલ્યાણ માટે શું કરવું ?
આ અધ્યાય 50–62 સંયુક્ત છે
વ્રત, તપ, જપ કરવામાં અશક્ત હોય તેણે કલ્યાણ માટે શું કરવું ? જપ, તપમાં અશક્ત હોય તેણે ગાય, વિપ્ર, સાધુ, ગુરુની સેવા કરવી. બ્રહ્માના ભૃગુ તેના ચ્યવન ઋષિ તે દિવોદાસ પાસે ગયા. દિવોદાસ રાજા ગંગા કાંઠે રહેતો હતો. તેની કન્યા દિવ્યદેવી ચિત્રસેન રાજાને આપી ફેરા ફર્યા. પહેલાં મંડપમાં વર મરી ગયો. બીજી વાર પણ તેમ બન્યું. આવી રીતે ર1 વરરાજા મરી ગયા. દિવોદાસ રાજાએ ચ્યવન ઋષિને કારણ પૂછ્યું. ઋષિએ કહ્યું, તારી કન્યા પૂર્વે વણિક પત્ની હતી. તે પતિનો તિરસ્કાર કરતી, કલેશ-કજીયા વારંવાર કરવાથી વણિકે કાઢી મૂકી. તે સ્ત્રી જ્યાં ત્યાં ફરી જેવું-તેવું હલકું કામ કરીને નિર્વાહ કરતી. તેણે અનેક સ્ત્રીઓના પોતાના સ્વભાવ પ્રમાણે ઘર ભાંગ્યા. તેનું આ ફળ પરિણામ છે. તે સ્ત્રીએ એકવાર એક સિદ્ધગતિવાળા સાધુને જમાડ્યા. તેના પુણ્યે તે રાજકુંવરી થઇ. પછી તે રાજા દિવોદાસ તથા રાજકુટુંબે ચ્યવનઋષિ પાસેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લીધો અને ગુરુસેવા કરી પૂનમનું લક્ષ્મીનારાયણ વ્રત કર્યું. તે ભક્તિ અને પુણ્યથી તે રાજકુમારી દિવ્યાદેવીનો ગ્રહસ્થાશ્રમ શરૂ થયો. આ રીતે ગુરુસેવા-ગુરુતિર્થ કહેલું છે.
પૂર્વે સુબાહુ નામના રાજાએ સોના-ચાંદી, હીરા, માણેક, રત્નો, પૃથ્વી, હાથી, અશ્વ, ગાયો વગેરે અનેક દાનો કર્યા પણ અન્ન, જલનું દાન ન કર્યું. હું રાજા થઇને આવું હલકું દાન કેમ આપું ? એમ માનીને ન આપ્યું. તેના દેહનો અંત આવ્યો. સ્વર્ગમાં ગયો. બધું મળ્યું પણ અન્ન, જલ ન મળ્યાં તેથી દુ:ખી થયો. માટે જ્યાં પોતાનો અગ્નિસંસ્કાર થયેલો ત્યાં આવી રાખ ચાટતો. તેને જંગલમાં વામદેવ ઋષિ મળ્યા. તેમને રાજાએ પોતાનું દુ:ખ કહ્યું. ઋષિએ રાજાના હાથમાં જલ આપ્યું, મંત્ર આપ્યો અને પોતાનું પુણ્ય આપ્યું. તેને પ્રતાપે તે રાજા તૃપ્તિ પામી ભગવાનની ભક્તિ કરી મોક્ષમાં ગયો. આ રીતે ગુરુતિર્થ કહેલું છે.
પૂર્વે નૃહુર્ષ રાજા પણ વશિષ્ટ ઋષિના આશિર્વાદથી સમૃદ્ધિ તથા રાજપદ, ઈન્દ્રપદ પામેલો હતો. માટે ગૃહસ્થ સ્ત્રી-પુરુષોએ ધર્મપ્રિય, હરિપ્રિય, સાધુપ્રિય, નારાયણપ્રિય, તપપ્રિય, બ્રહ્મપ્રિય, કૃષ્ણપ્રિય, વિભુપ્રિય, આત્મપ્રિય અને અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રિય થવું.
પૂર્વે ખવાસ કુટુંબ વિષ્ણુદાસ ભક્ત હતો. તેની કન્યા લિલાવતીએ એક દિવસ ઉંદરના બચ્ચાને તેની મા થી વિખૂટા પાડ્યા. તેથી બચ્ચાએ શાપ આપ્યો કે, તારી પણ અમારા જેવી સ્થિતિ થશે. તે કન્યાને મલેચ્છ ઉપાડી ગયો. તેની સાથે વ્યવહાર કર્યો. ત્યાંથી તે ગણિકાને ત્યાં ગઇ. ગણિકાને રોગ થયો હતો. ખવાસ કન્યાએ કહ્યું, અમારા ગુરુ રોગ મટાડી દેશે. તે સર્વે ખવાસ કુટુંબ ગુરુ પાસે આવ્યા. ગુરુ પાસે મંત્ર લીધો. વ્રત-નિયમ લીધાં. તે ગુરુ પ્રતાપે રોગ મટવાની સાથે ભવરોગ પણ મટી ગયો. આ રીતે હજારો જીવાત્માઓ ગુરુ પ્રતાપે તેમજ પ્રગટ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિના પ્રતાપે તરી ગયા છે.
સૌરાષ્ટ્રમાં ઉપલેટામાં અંત્યજ દંપતી ચૈતન્યશીલ ગુરુની સેવાથી ગુરુનો ઉપદેશ - આ શરીર નરકની ખાણ છે. બધાને નરક ચૂંથાવે છે. આ શરીરથી જો ભગવાનની ભક્તિ સંત-ભક્તોની સેવા ન થઇ તો 84 લાખ જાતના દેહમાં નરક જ ચૂંથવાના છે. આવો ઉપદેશ સાંભળી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લઇ ભજન કરી, અંતે ગુરુની સાથે વિમાનમાં બેસી ધામમાં ગયા. આવો ગુરુ મહિમા કહેલો છે.
સમુદ્રમાં જંતુ ઘણા રહે છે પણ વહાણ વિના કોઇ તારી શકે નહી. તેમ પૃથ્વી પર મનુષ્યો ઘણા છે પણ ગુરુ વિના કોઇ તારી શકે નહીં. આકાશમાં તારાઓ ઘણાં છે. પણ ચંદ્ર સૂર્ય વિના પ્રકાશ કરી શકે નહીં તેમ ગુરુ વિના અજ્ઞાનરૂપી અંધારાનો નાશ કરનારા કોઇ નથી. મૂર્તિ, તિર્થ, પ્રતિમા, જ્ઞાન તિર્થ પુસ્તિકા બંનેનો આધાર સદ્ગુરુ તે મહાતિર્થ છે. દેવ મંત્ર યજ્ઞ કરતા પણ ગુરુતિર્થ મહાન છે. જેની ક્રિયા ભગવાનમય જેનું વર્તન ભગવાનમય તે ગુરુ હરિસ્વરૂપ જાણવા. તે ગુરુઓની ગુરુવાણીઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણના યોગે મોક્ષ આપનારી છે.
તે મસ્તક સાર્થક જે ભગવાન સંતને નમ્યું. તે નેત્ર સાર્થક જેણે ભગવાન સંતના દર્શન કર્યાં તે કાન સાર્થક કહેવાય જે કાનથી ભગવાન-સંતોની કથા કિર્તનો સંભળાયા. તેની નાસિકા સાર્થક જેણે ભગવાન-સંતને ચડેલા પુષ્પની સુગંધ લીધી. તે જીભ સાર્થક જે જીભે ભગવાનના જે પ્રસાદ ગ્રહણ કર્યા ભગવાન-સંતના ગુણગાન ગાયા. ભગવાનની પ્રસાદીનો આસ્વાદ લીધો. તે હાથ સાર્થક જે હાથે ભગવાન સંત ગુરુભક્તોની સેવા થઇ. તે પગ સાર્થક જે પગે કરી ભગવાનના કામ થયા, પ્રદક્ષિણા થઇ, સંતોના દર્શન કરવા જાય, કથાવાર્તા સાંભળવા જાય, સેવાના કાર્ય કરવા જાય. તે શરીર સાર્થક જે શરીરથી ભગવાન- સંતગુરુને દંડવત્ થયા તથા સેવા થઇ. એવા ભક્તનું સર્વસ્વ અર્પણ ભગવાનને થયું.
પૂર્વે કૌશિક નામનો ગાયક વિષ્ણુ મંદિરમાં ગાતો હતો. તેના પચાસ શિષ્યો હતા. તે સર્વે પણ ગાતા હતા. તેને માલવ વૈશ્ય ભક્ત જમવાનું આપતો. તેને કૌશિક નકલિંગના રાજાએ બોલાવ્યો. મારા ગુણગાન કર. કૌશિકે ના પાડી. હું ભગવાન સિવાય કોઇના ગુણ ગાતો નથી. રાજાએ પોતાના દેશમાંથી તેને કાઢી મૂક્યા. તે સર્વે કૌશિક ગાયકો બદ્રીનારાયણ જઇને ભગવાનના ગુણ ગાઇને મોક્ષે ગયા.
પૂર્વે નારદજી ગાનવિદ્યા પ્રાપ્ત કરવા ગાનબંધુ ગાંધર્વ પાસે ગયા. 60 હજાર વર્ષ સુધી ગાનવિદ્યા શીખ્યા. પછી નારદજીએ કહ્યું, શું આપું ? ગાનબંધુએ કહ્યું, તમે સંત છો, ગુરુ છો, ભગવાનનું ધામ આપો. પછી નારદજીએ મંત્ર આપ્યો, તપ કરવાનું કહ્યું. ગાનબંધુએ તપ કર્યું તેથી વિષ્ણુએ પ્રસન્ન થઇને કહ્યું, વરદાન માંગ. ગાનબંધુએ કહ્યું, હું તમારું વાહન થાઉ. તે ગરૂડ થયા. પણ ગુરુ નારદના પ્રતાપે સંતોષ થયો.
પૂર્વે સૌરાષ્ટ્રમાં ગોંડલ ગામમાં જીષ્ણુશક્તિ રાજા સ્વર્ગે ગયો. તેની રાણી ચિદંબરા રાજ્ય કરતી અનાદિશ્રીકૃષ્ણનારાયણને પતિ માની પૂજા, સેવા, ધૂન-કિર્તન કરતી. એકવાર અનાદિશ્રીકૃષ્ણનારાયણ ઈન્દ્રનું રૂપ લઇને આવ્યા. રાણીને કહ્યું, ચાલ સ્વર્ગમાં તને વિમાન, મહેલ, ખાન-પાન, દાસ-દાસી સર્વે આપું. રાણીએ કહ્યું, મારે ભગવાનના ધામ સિવાય કાંઇ નથી જોઇતું. સ્વર્ગનું બધુ સુખ નાશવંત છે. રાણીનું વાક્ય સાંભળી અનાદિશ્રીકૃષ્ણનારાયણે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ દિવ્ય દર્શન દીધાં. લક્ષ્મી સાથે હતાં. દર્શન કરી રાણીએ સ્તુતિ કરી. હે પ્રભુ, તમારી ભક્તિ સિવાય બીજું કાંઇ જોઇતું નથી. ભગવાને રાજી થઇને તેની રક્ષા માટે ગદા આપી. એક દિવસ સમુદ્રનો ભદ્રક નામે રાક્ષસ વૈષ્ણવનો વેશ લઇને રાણીને છેતરવા આવ્યો. રાણીને વિશ્વાસમાં લાવી રાત્રે ખભે ઉપાડીને આકાશમાં ચાલતો થયો. રાણીએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરી, તરત જ રક્ષામાં રહેલી ગદા યાદ આવી. ગદા રાક્ષસના માથામાં મારી તેથી રાક્ષસ મરી ગયો. ભગવાને રાણીને મહેલમાં મૂકી દીધી. પછી તે રાક્ષસનું સૈન્ય હતું તે સર્વેને ભગવાનની ગદાએ નાશ કર્યો.
ચિદંબરા રાણી ગદેશ્વર નામના યોગી બ્રહ્મચારીને પોતાનું રાજ્ય આપી ધામમાં ગઇ. તે યોગીએ એક લાખ વર્ષ રાજ્ય કરી પ્રજા વૈષ્ણવી કરી.
“બાલકૃષ્ણ પરબ્રહ્મ મમવૈ શાશ્વત: પતિ પિતાબંધુ સૃહદમિત્રં રક્ષક: પાલકોસ્તું સ:” “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લભ સ્વામિ શ્રીહરિ શરણં મમ, શ્રીહરિ શરણં મમ, શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય શરણં મમ,” તેમજ શ્રીકૃષ્ણ, વાસુદેવ, રાધા-કૃષ્ણ, ૐ નારાયણ, લક્ષ્મીનારાયણ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ વગેરે અનેક મંત્રો પ્રગટ પ્રભુના છે. તેનો જપ કરે તે મોક્ષ ગતિમાં જાય છે.