ચાર યુગનાં ધર્મોનું વર્ણન
આ અધ્યાય 142–144 સંયુક્ત છે
સત્યુગના ધર્મો મોક્ષ આપનારા છે. ત્રેતા યુગના ધર્મો ઐશ્વર્ય આપનારા છે. દ્વાપર યુગના ધર્મો પાપના સ્પર્શવાળા છે. તેથી હું યુગે યુગે પ્રગટ થઇને યુગના ધર્મસ્થાપન કરું છું. સત્યયુગમાં વગર વાવ્યે બધું થતું, ત્રેતામાં વાવે ત્યારે થાતું, દ્વાપરમાં વાવે ત્યારે અડધું થાતું. સત્યુગમાં એક હાથ પાણી નીચું, ત્રેતામાં પાંચ હાથ પાણી નીચું, દ્વાપરમાં પચાસ હાથ પાણી નીચું. સત્યુગમાં આઠ તાલ ઊચા માનવી, ત્રેતામાં છ તાલ ઊચા માનવી, દ્વાપરમાં ચાર તાલ ઊચા, કળીયુગમાં પાંચ હાથ ઊચા માનવી.
કાળધર્મ સતી સાધ્વી ફેરવી શકે છે. દોષધર્મ સાધુ ફેરવી શકે છે. દેશધર્મ આચાર્ય ફેરવી શકે છે. પ્રજાધર્મ રાજા ફેરવી શકે છે. યતિધર્મ અવતારો ફેરવી શકે છે. કન્યાધર્મ પ્રતિષ્ઠિત ફેરવી શકે છે. વર્ણધર્મ આગેવાનો ફેરવી શકે છે. શરણઆશ્રયધર્મ ત્યાગી વિદેહીજનો ફેરવી શકે છે. માનસધર્મ આકર્ષિત પુરુષો ફેરવી શકે છે. સત્પુરુષો જ્યાં હોય ત્યાં સત્યુગના ધર્મ વર્તે છે. સત્વ-રજ ભેગા હોય તો તેત્રા, રજ-તમ ભેગા હોય તો દ્વાપર, તમોગુણ હોય તો કળિયુગ. સત્યુગમાં યજ્ઞ અને તપ કરવાથી મોક્ષ મળે, ત્રેતાયુગમાં જપ કરવાથી મોક્ષ મળે, દ્વાપરયુગમાં સેવા કરવાથી મોક્ષ મળે અને કળિયુગમાં કેવળ ભગવાનના નામ-કિર્તન કરવાથી મોક્ષ મળે. બધા યુગમાં એક ગુણ મહાન તે ભગવાનના નામ-કિર્તન કરવાથી મોક્ષ મળે છે.