રાજા પૃથ્વીધર, સાગર ભક્ત અને વૃકણદેવ ભક્તની કથા
આ અધ્યાય 182–184 સંયુક્ત છે
ધર્મવાળો કર્ણપુરનો પૃથ્વીધર રાજા પૃથ્વી પર સાધુ, બ્રાહ્મણોને જમાડતો, દાન આપતો, અનાથ ગરીબ વિધવાઓને દાન આપતો તેમજ મારી અનાદિશ્રીકૃષ્ણનારાયણની લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરાવી મારું ભજન કરતો. તેની રાણી મિત્રવિદાંતે પણ મારી ભક્ત હતી. તેને પુત્ર થયો. પણ જન્માધરકુમાર જન્મથી જ અંધ હતો. પુત્રને દેખતો કરવા માટે તેમણે ઘણા દાન કર્યા, પુણ્ય કર્યા, દિપદાન કર્યા પરંતુ ફળ પ્રાપ્ત થયું નહીં. તે રાજાએ વલ્કલ ધારણ કરી પોતાના બગીચામાં જ વૃક્ષ નીચે એક વર્ષ સુધી માળા ફેરવી મારી સ્તુતિ, પ્રાર્થના કરી. હે પ્રભુ, હે હરિ તમે ભક્તના દુ:ખ હરનારા છો માટે જ તમારું નામ હરિ છે. તો મારું દુ:ખ કેમ નથી હરતા ? તે સમયે યોગીનું રૂપ લઇ હું તેની પાસે ગયો. રાજાએ સ્વાગત કર્યું. પગે લાગ્યો. સ્તુતિ કરી કે, તમારું દર્શન થયું. અહોભાગ્ય સાધુના દર્શનથી પાપ નાશ પામે છે. પછી રાજાએ પોતાના પુત્રનું દુ:ખ કહ્યું. ત્યારે મેં તે અંધપુત્રના પૂર્વ જન્મનું વૃતાંત કહ્યું, તે પૂર્વે તપસ્વી હતો. નર્મદા કાંઠે શુકલ તિર્થમાં વાસ કરતો. એકવખત તું રાજા-રાણી ત્યાં તિર્થમાં દર્શન કરી તપસ્વીને પગે લાગીને પુત્રના આશીર્વાદ માગ્યા. ત્યારે તપસ્વીએ આશીર્વાદ આપ્યા પરંતુ તેની દૃષ્ટિમાં રાણીનું રૂપ જોઇને વિકાર થયો. તે દેહ મૂકીને તારો પુત્ર થયો. હવે હું પ્રસાદીનું જલ આપું તે તેના નેત્ર પર છાંટજે તેથી તે દેખતો થશે. તું અને તારો પુત્ર મારા ભક્ત હોવાથી હું તને દર્શન દેવા આવ્યો છું. એમ કહી મેં દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું તથા “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” એ મંત્ર આપ્યો અને કહ્યું, મારું ભજન કરજે. અંતે તારો અને પરિવારનો મોક્ષ થશે.
એકવાર પાલિતાણાનો રાજા શિકારે ગયો. જંગલમાં સાગર ભક્ત હતો. તેને રાજાએ પૂછ્યું, અહીં મૃગ છે ? સાગરે ના પાડી અને હિંસા ન થાય તે માટે જ્યાં મૃગ ન હતા ત્યાં મોકલ્યો. રાજા રખડી રખડીને થાકી ગયો. શિકાર ન થયો. તેથી રાજાએ સાગર ભક્ત પાસે આવી પકડી તેને મારીને પગ ભાંગી નાખ્યા. સાગર ભક્તે ભગવાનની પ્રાર્થના કરી, હે ભગવાન મેં તો હિંસા નહીં કરાવીને ધર્મનું રક્ષણ કર્યું તો પણ મને આવો દંડ કેમ મળ્યો ? એમ કહીને રડવા લાગ્યો. ત્યારે હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ વૈદ્યનો વેશ લઇ તેની પાસે ગયો અને દવા આપી સાજો કર્યો. પછી તેનું પૂર્વેનું વૃત્તાંત કહ્યું. તું પૂર્વે શ્રીનગરના રાજાના હાથીનો રખેવાળ હતો. એક દિવસ હાથી ગાંડો થયો તેને પકડવા તે તેના પગમાં ખીલા માર્યા. તે પાપે અત્યારે આ રાજાએ તારા પગ ભાંગ્યા. હવે તું મારો ભક્ત છો તેથી ભજન કરજે. તારું દુ:ખ દૂર થશે અને કલ્યાણ થશે.
ભક્ત વૃકણદેવ તેનો રાજા ભાવસુર નાસ્તિક હતો. રાજા ભગતને કહે, તું ભજન કરે છે છતાં ગરીબ અને ઠુંઠો છો અને હું ભજન નથી કરતો છતાં રાજા છું, સુખી છું. ભક્ત કહે, પ્રારબ્ધ તો બધાને ભોગવવા જ પડે છે. પછી ભક્તે ભગવાનને પ્રાર્થના કરી. હે ભગવાન, તમે રાજાનો ગર્વ અભિમાન ઉતારો. ભક્તની પ્રાર્થના સાંભળી હું તરત જ ત્યાં ગયો. ભક્તને દર્શન દઇ કુબ્જાને સીધી કરી તેમ તેના બેય હાથ ઠુઠા હતા તેને સીધા કરી દીધા. ભક્તે ભગવાનને પુછ્યું. મને ઠુઠો કેમ કર્યો ? ભગવાન કહે પૂર્વે તું નટ હતો. એક વાંદરાને તે લાકડી મારી હાથ ભાંગ્યા તે પાપે તું ઠુઠો થયો. માટે કરેલા કર્મ તો ભોગવવા જ પડે. પછી ભક્તે રાજા પાસે જઇને હાથ બતાવીને સર્વે વૃત્તાંત કહ્યું. રાજાએ પણ આશ્ચર્યથી જોઇને ભક્ત પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લીધો. “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” રાજા ભજન કરવા લાગ્યો. ભગવાને પણ શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ચતુર્ભુજરૂપે લક્ષ્મી સાથે રાજાને દર્શન દીધા. રાજા દર્શન કરી પોતાની નાસ્તિકતાનો ત્યાગ કરી ભક્ત થયો. પ્રજાને પણ ધર્મી બનાવી.