દામશીલાદ ભક્ત, સંજયદેવ શિલ્પી, સંભર ચિત્રકાર અને મોતીશ્વર વેપારીની કથા
આ અધ્યાય 215–218 સંયુક્ત છે
પુરુષોત્તમ નારાયણ કહે છે : હે લક્ષ્મી, ભક્તોની પાવન કથા સાંભળવાથી ઇંન્દ્રિયો અંત:કરણની વૃત્તિઓ ભગવાનનાં સ્વરૂપમાં રહે છે. પથ્થરની ખાણમાં દામશીલાદ પોતાના નોકરો પાસે પથ્થરો કઢાવતો હતો. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ભક્ત હતો. તેથી બાલકૃષ્ણ, હરેકૃષ્ણ ભજન કરતો, કરાવતો ને ઉપદેશ આપતો. ભગવાનના શરણ ભજન વિના વ્યર્થ જીવન થવા દેવું નહીં. એક વખત ભેખડ પડી. નોકરો દબાયા, દામશીલાદ ભક્તે પ્રાર્થના કરી. હે પ્રગટ પ્રભુ તમે અનેકની સહાય કરી છે, બુડતા તાર્યા છે. જંગલમાં લૂંટાતા રક્ષણ કર્યું છે. અમારું રક્ષણ કરો. પ્રગટ પ્રભુએ તરત જ આવી બધાને બચાવ્યા. બધાને દર્શન આપી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણાય નમ:” મંત્ર ઉપદેશ આપી અદૃશ્ય થયા. આ રીતે હું મારા ભક્તનું અનેક દુ:ખોથી રક્ષણ કરી અંતે મોક્ષમાં લઇ જાવ છું.
કતકપરાનો સંજયદેવ શિલ્પી દેવ, ઋષિ, મનુષ્યની મૂર્તિ પથ્થરમાં બનાવતો તે ભક્ત ભગવાનની પૂજા, વંદન, ધૂપ-દીપ, આરતી, નૈવેદ્ય ધરી ભજન કરતો. એક વખત રસ્તે જતા ત્યાં સામે ગાંડો હાથી મળ્યો. સુંઢથી સંજયભક્તને પછાડી દીધો. તરત જ બાલકૃષ્ણ પ્રભુ વિપ્રરૂપે આવી સ્પર્શ કરી સારું કરી દર્શન આપી અદૃશ્યા થયા. આવી રીતે હે લક્ષ્મી મારા ભક્તનું હું ખબર ન પડે તેમ અનેક સ્વરૂપે આવી રક્ષા કરું છું. મારો ભક્ત મને સંભારે ત્યારે હું હાજર જ રહું છું પણ ક્યારેક મને ભૂલી જાય છે એટલે દુ:ખ, વિઘ્ન આપત્તકાળ આવે છે.
સંભર ચિત્રકાર અનેક પ્રકારની મૂર્તિઓ ચીતરતો. એક વખત શ્રીહરિની મૂર્તિ ચીતરી વસ્ત્ર, આભૂષણોથી સુશોભિત કરી. તે મૂર્તિમાં તેનું મન ચોંટી ગયું. રાત્રી-દિવસ, ધૂન- કિર્તન કરતા, મૂર્તિ સાંભરે. તેને અનાદિશ્રીકૃષ્ણનારાયણે દિવ્ય સ્વરૂપે આવી દર્શન દીધા. અનેક ચિહ્નોના દર્શન કરાવ્યા. ભક્તે પોતાને ધન્ય માની પ્રાર્થના કરી. હે પ્રભુ આ સ્વરૂપ મને કાયમ દેખાય. પ્રભુ કહે, આ સ્વરૂપ દિવ્ય જો દેખાય તો શરીરથી કાંઇ કામ કરી શકે નહીં. મારી ભક્તિ કરી મારો ભક્ત અંતે પરમધામમાં આવું દિવ્ય સ્વરૂપનું દર્શન કરી પાસે રહે છે.
ઝરણા કોલસાની ખાણના વેપારી મોતીશ્વર તે પોતાના નોકરોને કામકાજની સાથે ભગવાનના ધૂન-ભજન કરાવે. ઉપદેશ કરે કે, શરીરનું કાર્ય જુદું છે. આત્માનું કાર્ય જુદું છે. શરીર, કુટુંબનિર્વાહ, વ્યવહાર, કામ કરવું. આત્માના કલ્યાણ માટે સંતસમાગમ, ભગવાનની ભક્તિ, પૂજા, સેવા-દાન પુણ્ય વગેરે કરી ભગવાનને સાધુને પ્રસન્ન કરી લેવા તો ચોરાસીના ચક્કરમાં ન પડવું પડે. આ પ્રમાણે બધા કર્મચારીઓને ઉપદેશ આપી જ્ઞાનીભક્તો બનાવ્યા. એક વખત કોલસાની ખાણમાં ભીંતમાંથી નદી સ્વરૂપે પાણી નીકળ્યું. ખાણમાં ભરાઇ ગયું. બધા ડૂબવા લાગ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરવા લાગ્યા. તે સમયે બાલકૃષ્ણ એવો હું ત્યાં પ્રગટ થઇ સુદર્શન ચક્રથી બધું પાણી સૂકવી નાખ્યું. બધાની રક્ષા કરી અને બધાને દિવ્ય દર્શન આપી અદૃશ્ય થયો. હે લક્ષ્મી, આમ મારા ભક્તોની રક્ષામાં જ હું રહેલો છું.