ભાગ · અધ્યાય ૮૭–૯૦

બ્રાહ્મણ, ગૃહસ્થ અને સાધુમાંથી શ્રેષ્ટ કોણ ?

આ અધ્યાય 87–90 સંયુક્ત છે

લક્ષ્મીજીએ પૂછ્યું : બ્રહ્માના પુત્રો બ્રાહ્મણો શ્રેષ્ટ છે કે, ગૃહસ્થો શ્રેષ્ટ છે કે, વૈરાગ્યવાળા સાધુ શ્રેષ્ટ છે ? પુરુષોત્તમ નારાયણે કહ્યું : સકામ કરતા નિષ્કામી શ્રેષ્ટ છે. સ્ત્રીવાળા ગૃહસ્થો કરતા ત્યાગી સાધુ કામ, ક્રોધ, લોભ, મોહ વિનાના માયાથી રહિત એવા યતિઓ શ્રેષ્ઠ છે. માટે ત્યાગાશ્રમથી ગૃહસ્થાશ્રમ નીચો છે. વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ. આશ્રમમાં સાધુ શ્રેષ્ટ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ગૃહસ્થ, વનિતા, બ્રહ્મચારી સર્વેથી સાધુ શ્રેષ્ઠ છે. તે જ રીતે મહાભાગવત ભક્તો ગૃહસ્થો પણ સાધુ જ છે. માટે હે લક્ષ્મી, મને ગૃહસ્થાશ્રમ જરાય ગમતો નથી. પણ ભક્તાણીની ઈચ્છા પૂરી કરવા માટે હું ગૃહી થાવ છું. ભક્તોની ઈચ્છા પૂરી કરવી આ મારી પ્રતિજ્ઞા છે. એક સમયે વિષ્ણુ 1000 વર્ષ તપ કરતા હતા. લક્ષ્મીએ પૂછ્યું, તપ શા માટે કરો છો ? વિષ્ણુએ કહ્યું, તપથી સાધુપણું રહે છે. નારીસ્પર્શ થતો નથી. સિદ્ધિ પણ તપથી પ્રાપ્ત થાય છે. લક્ષ્મી કહે, તમે તો નિર્દોષ છો. પ્રાકૃત જીવની જેમ કેમ દોષ બતાવો છો. વિષ્ણુએ કહ્યું, ચાલો વૈકુંઠમાં. ગયા ત્યાં, નારાયણ સાધુની પૂજા કરતા હતા. ત્યાં દર્શન કરી ગોલોકમાં ગયા. ત્યાં શ્રીકૃષ્ણ સાધુની પૂજા કરતા હતા. ત્યાં દર્શન કરી પરમધામમાં ગયા ત્યાં પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાધુની પૂજા કરતા હતા. માટે બ્રહ્મચર્યવાળા સાધુ શ્રેષ્ટ છે. તેઓ મને હૃદયમાં રાખી અન્ય મુમુક્ષુઓને મારું સ્વરૂપ ઓળખાવી મોક્ષ માર્ગે ચડાવે છે.

ગૃહસ્થાશ્રમમાં પણ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે રહેનારા ગૃહસ્થોને પણ સાધુ કહેવાય છે. ખોટું બોલનારા, ચોરી કરનારા, ખોટી સાક્ષી પૂરનારા, છેતરનારા, સાધુ બ્રાહ્મણ વેદ સતી પતિવ્રતાની નિંદા કરનારા, માયાના દોષવાળા તે નરકગામી થાય છે. ભક્તિમાં વિઘ્ન કરનારા, પૂજાહીન, દેવહીન, ભક્તિહીન તે નરકગામી બને છે.

સંતની-જ્ઞાનીની દૃષ્ટિમાં આ જગતમાં બધું દુ:ખ રૂપ જ છે. સુખ દેખાય છે તે પણ દુ:ખમિશ્રિત જ છે. ખેડુ આખો દિવસ કામ કરી સાંજે રોટલો ખાઇને વાડીએ ઝુંપડામાં પાથર્યા વિના સૂઇ જતો. તે વાણીયાએ જોયું. તેથી દયા કરીને 100 રૂપિયા આપ્યા. ખેડુ બીજે દિવસે કામે ગયો પણ ધ્યાન રૂપિયામાં ઘરે આવી જમીનમાં દાટ્યા પણ ધ્યાન રૂપિયામાં રહે. કામ ઓછું થયું. ખાવાનું ભાવે નહિ. નિંદર આવે નહિ. બીજે દિવસે રૂપિયા વાણીયાને આપી કહ્યું, આને તો મારું સુખ હરામ કરી દીધું માટે સુખ સંતોષમાં છે, સંપત્તિમાં નહિ.

ગુરુસેવા કરનારા, દાનવાળા, દેવના ભક્તો સ્વર્ગને પામે છે. સ્વાર્થથી, સ્નેહથી, લોભથી, જ્ઞાનથી સંબંધસહવાસથી પણ ભક્તો સ્વર્ગને પામે છે. દેવની પ્રસાદી જમનારા, ધર્મશાળા મંદિર વગેરે કરનારા સ્વર્ગને પામે છે. વૃક્ષ વાવનારા, કૂવા-તળાવ વાવો કરાવનારા સ્વર્ગને પામે છે. અન્ન, વસ્ત્ર આપનારા ગામનું રક્ષણ કરનારા આશ્રયે આવેલાનું રક્ષણ કરનારા સ્વર્ગને પામે છે.