સાગર-સારિકા, મેર સારંગ ભક્ત અને ખારવા પુસ્કસની કથા
આ અધ્યાય 208–210 સંયુક્ત છે
મહી નદી કાંઠે મહાશારી ગામના વનમાં ભીલભક્ત સાગર નામે તથા તેની પત્ની સારિકા તે દંપતી વનમાં ફળફૂલ, અનકણ, કંદમૂળ જે મળે તે ખાતા. કૃષ્ણ કૃષ્ણ, નારાયણ ભજન કરતા. દેહયાત્રા ચલાવતા હતા. મજુરી કરતાં હતાં. એક દિવસ એકાદશીએ કાંઇ ખાવાનું ન મળ્યું. ભજન કર્યું. ભૂખ્યા નિંદર ન આવી જાગરણ થયું. સવારે ભાજી કરી ભગવાનને ધરી ખાધી. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ હું શેઠનું રૂપ લઇને ઘઉંનું ગાડું ભરી ભક્તને ઘરે ગયો. તેણે મને પાણી પાયું અને પૂછ્યું, ક્યાંથી આવો છો ? ક્યાં રહો છો ? તમારું શું નામ છે ? ભગવાને કહ્યું, મારું નામ હરિકૃષ્ણ છે. હું અક્ષરધામમાં રહું છું. ભક્ત મંડળ મારું કુટુંબ છે. પ્રભુએ પૂછયું તમે આજીવિકા કેમ ચલાવો છો ? ભક્તે કહ્યું, ક્યારેક અનાજ મળે, ક્યારેક ભાજી ખાઇ લઇએ. લાખ, કરોડો રૂપિયા શું કરવા છે. ભજન થાય છે. આ સાંભળીને પ્રભુ રાજી થયા અને ઘઉં ગાડું આપ્યું અને કહ્યું, આ ઘઉંને કોઠીમાં નાખી ઢાંકણું ઢાંકી સાણેથી અનાજ કાઢી ખાજો અને સૌને ખવરાવજો. આ રીતે દર્શન આપી પ્રભુ અદૃશ્ય થયા.
સાગર-સારિકા ભક્તો રોજ સાધુ-સાધ્વી અતિથી ગરીબ બધાને જમાડવા લાગ્યો. સદાવ્રત જેવું થયું. ત્યાં દુર્વાસા ઋષિ દશ હજાર શિષ્યો લઇ આવ્યા. ભક્તોએ સત્કાર કર્યો પણ આટલા બધાંને જમાડવા કેમ ? ઘરમાં જઇ પ્રાર્થના કરી. તેથી પ્રભુ લક્ષ્મીને લઇ આવ્યા. લક્ષ્મી પાસે પાંચ રોટલી કરાવી મેં હાથમાં લઇ બધાને પાંચ પીરસી, જમાડી અદૃશ્ય થયો. દુર્વાસાએ જમી આશીર્વાદ આપ્યા કે, તમારું સદાવ્રત શ્રદ્ધા, ભક્તિ, પુણ્ય રોટલી, ભાજીપાત્ર બધું અક્ષય થાઓ.
પ્રભુપ્રસાદ મળે છે એવું સાંભળીને વાલખીલ્ય ઋષિઓ 88,000 આવ્યા. ભક્તે ભગવાનને યાદ કર્યા. પ્રભુ લક્ષ્મી સાથે પધાર્યા રોટલી દસ લક્ષ્મીજી પાસે કરાવી. બધાને દશ રોટલી પીરસી જમાડી, આશીર્વાદ આપી ગયાં. ત્યાં કૈલાસમાં શંકરે ધ્યાનમાં જોયું. તેથી દશ લાખ ગણને લઇ જોગી જટાવાળા થઇ આવ્યા. ભગત પ્રસાદ આપો. દંપતી ભક્ત વિચારે આટલા બધાં ક્યાંથી આવ્યા ? પણ બાલકૃષ્ણ પ્રભુને યાદ કર્યા. તરત પ્રભુ લક્ષ્મી સાથે આવી લક્ષ્મી પાસે 100 રોટલી કરાવી. બધાને પીરસી જમાડી અદૃશ્ય થયા. રોટલી 100 વધી તે પ્રસાદીરૂપે દંપતી જમ્યા. શંકર પણ પ્રભુનો મહિમા વિચારી આશ્ચર્ય પામતા હતા. ત્યાં બ્રહ્માએ જાણ્યું, પ્રભુનો પ્રસાદ મળે છે. તેથી કરોડો સિદ્ધોને સાથે લઇ ભક્તને ઘરે આવ્યા. ભક્તે ભગવાનને સંભાર્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ બ્રહ્મપ્રિયાઓ સાથે લઇને આવ્યા. રોટલી એક હજાર કરાવી. બ્રહ્મા વગેરે બધાને પીરસી જમાડી ભક્તને દર્શન આપી અદૃશ્ય થયા. આ રીતે ભગવાને પોતે ભજન કરતા, ભક્તને રોટી પાત્ર, ભાજીપાત્ર, જલપાત્ર અક્ષય કર્યા. ભક્તના દેહ પર્યંત રહ્યા પછી તે દંપતીને અંતે શ્રીહરિએ દર્શન આપી પરમધામમાં લઇ ગયા. તે સ્થાનનું મહીસારીનગરી નામ પડ્યું. ત્યાંના રાજા ગોધરસુરીએ કોઠી વગેરે સર્વે પાત્રો પોતાને આધીન કર્યા. પરંતુ કોઠીનો તે ચમત્કાર થયો તે થયો પછી જોવા ના મળ્યો.
ભુધરીનો મેર માલધારી પશુપાલન કરતો. જંગલમાં રહેતો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બાલકૃષ્ણ એમ ભજન કરતો. એક સમયે કેટલાય સિંહ આવી ગર્જના કરવા લાગ્યા. સારંગભક્ત તથા તેની પત્ની બંને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ તમે ઘણા ભક્તોની રક્ષા કરી છે એ અમારી પણ રક્ષા કરો. તરત જ મેં કેશરી સિંહનું રૂપ લઇ વનમાંથી બધા સિંહને હટાવીને ગાયો, ભેંસોની રક્ષા કરી અને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી બંને ભક્ત દંપતીને દર્શન આપ્યા. મંત્ર આપ્યો, ઉપદેશ આપ્યો. મારી ભક્તિ કરાવી અંતે પરમધામની પ્રાપ્તિ કરાવી.
સમુદ્ર કાંઠે ખારવો પુસ્કસ રહેતો તે વહાણ ચલાવીને નિર્વાહ કરતો. એક દિવસ બ્રહ્માયન ઋષિ સાધુ વહાણમાં બેઠાં. પુસ્કસે તેના દર્શન કર્યા, શાંતિ થઇ. સાધુએ કહ્યું, ગમે તે જ્ઞાતી હોય ગમે તે કામ કરતા હોય તે જો પરમેશ્વરને સંભારે તો આલોક-પરલોકમાં સુખી થાય છે. પુસ્કસ સાધુને પોતાને ઘરે લઇ ગયો, જમાડ્યા, પૂજન કર્યું. સાધુએ આખા કુટુંબને વૈષ્ણવી મંત્ર આપ્યો. ભજન, ભક્તિ કરાવી અંતે મોક્ષમાં મોકલ્યો.