ભાગ · અધ્યાય ૧૯૯

પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો દિવ્ય ઉપદેશ

અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ નારાયણ કહે છે : હે લક્ષ્મી, મારા એકાન્તિક ભક્તોએ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવી, સાંભળવી. મારી ભક્તિના પ્રકારો મોક્ષ આપનારા છે. દેહાત્મ બુદ્ધિ હોય તો બ્રહ્મ બુદ્ધિ કરવી. દેહથી જુદા આત્મામાં મને બાલકૃષ્ણને જોવો મારી સાથે રમવું. જેવી રીતે ધામમાં બ્રહ્મપ્રિયાઓ મુક્ત રહેલા છે. તે જ રીતે અહીં પૃથ્વી પર રહેલા પ્રત્યક્ષ ભગવાન તથા એકાંતિક ભક્તો મુક્તોમાં મુક્તાનીમાં જેને મનુષ્યભાવ થાય છે તેને ભક્તિમાં સંસારમાં વિઘ્ન આવે છે. બ્રહ્મા, પાર્વતીને જોઇને મોહ પામ્યા. શંકર મોહિની રૂપ મારામાં મોહ પામ્યા. નારદે દેહરૂપે જોયું પરણ્યાનું મન થયું. માટે શુક સનકાદિકની જેમ બ્રહ્મભાવ કરવો. માટે મારા ભક્તોએ મારામાં અતિ હેત કરવું તો માયામાંથી હેત ટળે. સર્વે ઈન્દ્રિયો અંત:કરણની વૃત્તિઓનો મારામાં નિરોધ કરવો. પ્રેમથી મારી મૂર્તિમાં વાસ કરવો તો માયાનો આત્મામાં પ્રવેશ ન થાય. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મને દિવ્ય જાણે એટલે બ્રહ્મસ્થિતિ થઇ ગઇ જાણવી. જેટલો મારો પ્રત્યક્ષ મહિમા જાણે છે તેટલો આત્મામાં પ્રકાશ થાય છે. પછી મારી કૃપાથી તે પ્રકાશવૃદ્ધિને પામી બ્રહ્મરૂપે દેખાય છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ તથા તેના સંતો મળે તો જ વાસના ટળે, મોક્ષ મળે. જ્યારે મારા ભક્તને મારામાં જ એકવૃત્તિ થાય છે. ત્યારે તેને સંસારના કોઇ પદાર્થમાં પ્રીતિ થતી નથી. તેથી અત્યારે હું કૃપા સાધ્ય થયો છું. તેથી મારા ભાગવત ભક્તો સેવા, નિષ્ટાવાળા તથા બ્રહ્મનિષ્ટાવાળા થયા છે.