ભાગ · અધ્યાય ૧૭૩–૧૭૭

શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં મન માયા તરફ કેમ જાય છે ?

આ અધ્યાય 173–177 સંયુક્ત છે

શ્રુતિફલાએ પતિ સદ્વિદ્યાયન ઋષિને પૂછયું : તમારા સંગથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે જાણવા છતાં મારું મન માયા તરફ કેમ જાય છે ? સદ્વિદ્યાયન ઋષિએ કહ્યું : મારી જેમ આત્મનિષ્ઠાવાળી થા, દેહભાવને ભૂલી જા તો મન માયામાં ન જાય. જ્યાં સુધી હું પુરુષ છું, સ્ત્રી છું, આવું ભાન રહે છે ત્યાં સુધી ખાનપાન, ભોગ, વૈભવમાં સર્વે પદાર્થમાં મન રહે છે, એનું જ નામ સંસાર. સંસારને મટાડવા માટે આત્મનિષ્ટા અતિ દૃઢ કરવી. હું કર્તા નથી, અથવા પોતાના શરીર, ઈન્દ્રીયો, અંત:કરણથી થતા વ્યાપારો તે સર્વેમાં પ્રગટ પ્રભુને સાથે રાખવા અર્થાત્ સર્વે કર્મો પ્રભુને અર્પણ કરવા, તેને કહેવાય નિષ્કામ સમર્પણ વિધિ, તેનાથી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે.

ઇન્દ્રિયો દરેક પોતાના કામ કરે છે. અંત:કરણ એનું કામ કરે છે. શરીર પણ એનું કામ કરે છે. પણ અંદર રહેલો આત્મા સર્વે ક્રિયા કરતો થકો નિર્લેપ રહે તો મુક્તિ ધર્મમાં વર્તે. શુભ-અશુભ, કર્મ ભોગ ભોગવવા છતાં જો પરમાત્માની ભક્તિ કરે તો પરબ્રહ્મની પ્રાપ્તિ થાય. ફલપ્રાપ્તિ પણ પ્રગટ પ્રભુને અર્પણ કરે તો દિવ્યતાનો અનુભવ કરી નિત્ય મુક્ત સ્થિતિએ વર્તે અને પરમધામની પ્રાપ્તિ આ લોકમાં જ મેળલી લ્યે.

સંસારરૂપી સમુદ્રમાં ઇન્દ્રિયો રૂપી ઝુંડથી બચવું. તરંગોરૂપી અંત:કરણથી બચવું. પંચવિષયના આહારરૂપી માછલાથી દૂર રહેવું. શોક અને હર્ષરૂપી પવનના ઝપાટામાં ન આવવું. કામ, ક્રોધરૂપી મગરોથી ચેતતા રહેવું. મોહરૂપી ભમરીમાં ન પડવું, રાગ દ્વેષરૂપી ચક્કરમાં ન પડવું, પુણ્ય પાપ કર્મના થુંબડામાં ન અટવાઇ જવું. આ બધો વિચાર કરી શરીરરૂપી નાવને ગુરુરૂપી ખલાસીને સોંપી દેવો. જેથી ગુરૂ સંસાર સમુદ્ર પાર ઉતારી દે અને બ્રહ્મસ્થલીમાં પહોંચાડી દે. જ્યાં માયાનો પ્રવેશ નથી, શ્રીહરિ સિવાય બીજું કાંઇ દેખાય જ નહી. માટે બધું ભગવાનમય કરી રાખવું. તો આ લોક રૂક્ષ જેવો થઇ જાય.

સુખ-સંતોષ, આનંદ, પ્રકાશ, ઉદારતા, નિર્ભય, શ્રદ્ધા, ક્ષમા, ધીરજ, સત્ય, દયા, સરળતા, ત્યાગ, વૈરાગ્ય, સાધુવૃત્તિ વગેરે સદ્ગુણો તે સાત્વિક વૃત્તિ છે. સંતાપ, દુ:ખ, શૌર્ય, નિંદા, સ્તૂતિ, ઇર્ષ્યા-રાગ, પ્રશંસા, સેવા, ધર્મ, અર્થ, માન, માયા, સ્નેહ, જુગાર, દાન દેવું, દાન લેવું, આલોક-પરલોકની અતિ ઈચ્છા રાખવી તે રાજસવૃત્તિ છે. મોહ, ભય, લોભ, અજ્ઞાન, રાગ, નાસ્તિકતા, અભિમાન, વૈરવૃત્તિ, પરવશ્યતા નાશ, ભાંગફોડ કરવી આવા અનેક દુર્ગુણો તે તામસી વૃત્તિ છે. આ ત્રણ મનુષ્યોમાં પ્રવર્તે છે. દાનવો, દૈત્યો, રાક્ષસો, પિશાચો, અસુરો, ભૂત-પ્રેત તે સર્વે ક્રૂર હિંસાવાળા, માસ ભક્ષણ કરનારા, અપેય પિનારા, અખાદ્ય ખાનારા તે સર્વે ચોરાસીમાં ભમ્યા કરે છે. તે અતિ તામસી છે.

પરબ્રહ્મ પરમાત્માએ આ જીવના કલ્યાણને માટે અધિભૂત, પંચભૂત, શરીર, અધ્યાત્મ, ઈન્દ્રિયો, અધિદેવ તેના દેવતાઓ વગેરે રચી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. જીવાત્મા ભગવાનના તે કાર્યને જોઇ ભગવાનનો આશરો ભક્તિ કરે અને સર્વે ભગવાનને અર્પણ કરે તો માયા માથે પગ દઇને પરમધામમાં જાય.