ભાગ · અધ્યાય ૧૩૩–૧૩૪

દાન માટે ઉત્તમ દિવસ કયો ? - ગ્રહોની શાંતિ માટેનો ઉપાય

આ અધ્યાય 133–134 સંયુક્ત છે

લક્ષ્મીજીએ પૂછ્યું : અનેક પ્રકારના દાનો કયા દિવસે કરવા ઉત્તમ છે ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : આસો વદ આઠમ મારી જન્મજયંતિને દિવસે દાન ઉત્તમ ફળ આપનારું છે તથા ભગવાનના અવતારની જે તિથિઓ તે દિવસે દાન દેવા ઉત્તમ છે. તથા સર્વે તિથિઓ દાન માટે સારી છે.

કોઇના જીવનમાં ગ્રહપીડા હોય તો ગ્રહશાંતિ માટે ઘરમાં “અનાદિશ્રીકૃષ્ણનારાયણ” મહામંત્રનું ભજન કરવું અથવા ઘરમાં યજ્ઞકુંડ કરી તેમાં તલની આહુતિ આપી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણાય સ્વાહા” આ મંત્રનો યથાશક્તિ એક લાખ, પાંચ લાખ અથવા એક કરોડનો હોમ કરવો જેથી ગ્રહપીડા શાંત થાય છે.

પૂર્વે લોહાંગાર વણિક માળવા દેશમાં રહેતો, તે રાજાનો વિશ્વાસુ ખજાનચી હતો. તેને શનિગ્રહ દુષ્ટ સ્થાને આવ્યો તેથી વણિકનું બધું લૂંટાઇ ગયું. તેને અમૃષાયન ગુરુ મળ્યા. તેમણે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન તથા એક લાખ મંત્રનો યજ્ઞમાં હોમ કરાવીને ગ્રહપીડાની શાંતિ કરાવી. જેથી પહેલાંની જેમ જ વણિક સુખી થયો.