ભાંડ ભક્ત, રાયણ ભક્ત, વ્રતર્દી ભક્ત, દરજી ભક્ત અને કઠિયારાની કથા
આ અધ્યાય 200–204 સંયુક્ત છે
ભાંડીરપુરમાં શૂદ્ર કાલીંદર ભાંડ ભક્ત ગાયક હતો. તે સંગીત વિશારદ હતો. પણ ભગવાન સિવાય ગુણ ગાતો નહીં. રાજા પ્રજાભક્તોને ત્યાં જાય પણ ભગવાન વિના બીજું ગાતો નહીં. સાધુ, સાધ્વી, સતીને પૂજન નમસ્કાર કરતો. તેનું મંડળ પણ બધા સ્ત્રી, પુરુષો ભગવાનના ગુણગાન, નાચગાન, નૃત્ય વગેરે કરતા. તેને હું રાધા-લક્ષ્મીયુક્ત મારા દિવ્ય સ્વરૂપનું દર્શન આપવા ગયો. વસ્ત્ર, અલંકારો, ફૂલહારોથી શોભતા દિવ્ય દર્શન આપ્યું.ગાયક ભક્ત મંડળે મારી સ્તુતિ કરી. પૂર્વ સંસ્કારથી હૃદય, આત્મા નિર્મળ થાય છે. તેને મારું પ્રત્યક્ષ દર્શન થાય છે. કાલિંદરે કમલાયન સાધુને પૂછ્યું, આત્યંતિક કલ્યાણ કેમ થાય ? સાધુએ કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લેવાથી તેનું ભજન કિર્તન કરવાથી આત્યંતિક કલ્યાણ થાય છે.
આખોટક ગામના પાદરમાં સદાવ્રતમાં સાધુ જમી વૃક્ષની નીચે એઠું અન્ન, પાણી નાખતાં, તેને પશુ, પક્ષી ચાટી જાતા. એક મોરલો સાધુની પ્રસાદી જમીને મરીને હારીતક શૂદ્ર પત્ની કસ્તુરીને ત્યાં ગર્ભમાં આવ્યો. આઠ માસ થયા. તેને ત્યાં ભાવાયન ઋષિ આવ્યા. તેમને જમાડ્યા, સેવા કરી ભક્તે પૂછ્યું : મારી પત્નીના ગર્ભમાં બાળક છે કે બાલિકા તે ભક્ત થશે કે ભોગી. લાંબુ જીવશે કે ટૂંકું ? ભાવાયન ઋષિ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધ્યાન કરી કહે, આ બાળક પૂર્વ સંસ્કારવાળો જન્મશે તે મહાન ભક્ત થશે. કેટલાય મુમુક્ષુઓનું કલ્યાણ કરશે. એમ કહી ઋષિ ચાલ્યા ગયા. બાળક જન્મ્યો મોટો થયો ત્યારથી પ્રત્યક્ષ ભગવાનની ધૂન-કિર્તન, ભજન, ભક્તિ, ભગવાન પાસે નાચવું, પૂજા કરવી, સાધુ-ભક્તોની સેવા કરવી વગેરેમાં પ્રીતિવાળો મહાન ભક્ત થયો. ત્યાં ભાવાયન ઋષિ આવી તેને અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિ પતિશ્ચમે મંત્ર આપ્યો. પછી રાયણ ભક્ત નૃત્ય મંડળી રચીને સાધુ-ભક્તો, નૃત્ય કરી ભગવાનની ભક્તિ કરતા. તે રાયણ ભક્તની ભક્તિથી પ્રસન્ન થઇ શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન આપી તેનો અને ભક્ત મંડળનો મોક્ષ કર્યો.
નાકીરાલ ગામનો વૈશ્ય ગાયક ભક્ત વ્રતર્દી હતો. તેને ઘણા શિષ્યો હતા. તેને એક ભજન મંડળી રચી. તેને જ્યાં બોલાવે ત્યાં ધૂન-ભજન કરવા જાય. લીંબડીના રાજા પુંડ્રવર્મા તેણે વ્રતર્દીને બોલાવી પોતાના ઉત્સવમાં ગાવાનું કહ્યું, ભક્ત મંડળે કહ્યું અમે ભગવાન અને ભક્તો વિના કોઇના ગુણ ગાતા નથી. રાજા રાજી થઇને કહે, તમો મારે ત્યાં આવો ભજન-ધૂન કરો મારો મહેલ પવિત્ર કરો. વ્રતર્દી પોતાની ભજન મંડળી લઇને રાજા પાસે આવ્યો. રાજા ભક્તને પગે લાગ્યો અને કહ્યું, મને મંત્ર આપી વૈષ્ણવી દીક્ષા આપો. વ્રતર્દી ગાયક ભક્તે રાજકુટુંબને મંત્ર “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” મંત્ર આપ્યો. બધાને મંત્ર આપી ભક્તો બનાવ્યા. રાજાએ બાલકૃષ્ણની મૂર્તિ ભક્ત પાસેથી લીધી. સિંહાસનમાં સ્થાપી. વસ્ત્ર, આભૂષણોથી પૂજા, આરતી, સ્તુતિ કરી. પછી વ્રતર્દી ગાયન કરવા લાગ્યો કે, દેહી કૃષ્ણ, દેહી કૃષ્ણ દર્શન સુદેહી. ભક્ત મંડળે ધૂન-કિર્તન, ભજન, સ્તુતિ પ્રેમપૂર્વક કરી ત્યાં મેં પ્રગટ થઇ બધાને દિવ્યરૂપે દર્શન આપ્યા. વસ્ત્ર, અલંકારોથી શોભતું લક્ષ્મી-રાધાયુક્ત દર્શન આપીને પરમધામના દર્શન કરાવ્યા પછી સર્વે પ્રગટ પ્રભુનું ભજન કરી અંતે મોક્ષને પામ્યા.
ધુરીલા ગામે દરજી ભગત મને સર્વ અર્પણ કરીને ગ્રહણ કરી મારું અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતો. તેના નોકરનો સંચામાં હાથ આવી ગયો. તેથી સર્વે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. તરત જ મેં ત્યાં પ્રગટ થઇ દર્શન આપી સ્પર્શ કરી હાથ સાજો કર્યો. તે તુલવાયી ભક્તે પૂછ્યું, હે ભગવાન તમારું ધામ કેવું છે ? મેં કૃપા કરીને ભક્તને કહ્યું. કરોડો દેવતાઓના સ્થાનો, કરોડો ઇશ્વરોના સ્થાનો તથા અવતારોના સર્વે ધામોથી સર્વથી પર અને દિવ્ય તેજોમય જેનું વર્ણન કોઇ ન કરી શકે એવા પરમધામમાં હું રહું છું. પરબ્રહ્મ પરમાત્મા અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મારા અનંત અવતારો, જીવાત્માના આત્યંતિક કલ્યાણ માટે થાય છે. જે મારી ભક્તિ કરશે તથા મારા સાધુની સર્વ પ્રકારે સેવા કરશે, તેની અનુવૃતિમાં રહેશે તેમજ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચશે, સાંભળશે. તે મુક્ત સ્થિતિને પામીને અંતે પરમધામમાં જશે. આ રીતે અંતે તે દરજી ભક્ત પણ મોક્ષમાં ગયો.
નીસાર ગામનો કઠિયારો જંગલમાંથી લાકડા કાપી ગુજરાન ચલાવતો પણ ભગવાનનું નામ ભજન કરતો. તેને વનમાં સાધુરૂપે ભગવાન મળ્યા, મંત્ર આપી ભજન કરાવી મોક્ષમાં મોકલ્યો.