અનાદિશ્રીકૃષ્ણનારાયણનો કલ્યાણકારી ઉપદેશ
આ અધ્યાય 63–72 સંયુક્ત છે
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે છે : મારો કામ નારકી નથી. મારો ક્રોધ ઘાતકી નથી. મારો લોભ પાપવાળો નથી. મારો મોહ છેતરનારો નથી. મારો મદ બંધન કરનારો નથી. મારી મશ્કરી ધર્મથી રહિત નથી. મારું અશ્લીલ અઘટિત નથી. મારા સર્વે ચરિત્રો માનુષી, અમાનુષી સર્વે દિવ્ય છે. સ્નાન, ધ્યાન, પૂજા, સેવા, પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરનારા સાધુ-સાધ્વી મારા તિર્થરૂપ છે. તેવા ગુરુતિર્થની અનાવરણ સેવા મારી પ્રાપ્તિને માટે કરવી.
કાશીમાં આઠ યુગ વાસ કરે અને એક દિવસ ગુરુનું પૂજન કરે, સરખું પુણ્ય. ગુરુ જ્યાં વસે ત્યાં સર્વે દેવો ઇશ્વરો વાસ કરે છે. ગુરુચરણ વારી એકવાર પીવે તેને પંચગવ્ય હજારવાર પીધા જેટલું પુણ્ય મળે, જેણે ગુરુને દૂધ-સાકર, મિષ્ટાન્ન જમાડ્યા તેણે પ્રગટ પ્રભુને જમાડ્યા માટે ત્રિલોકીમાં ગુરુ છે તે તારનારા છે. જેની પાસે ગુરુ હોય જેણે ગુરુને સેવ્યા હોય, તેની પાસે યમદૂતો આવતા નથી. તેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મને પરમગુરુ માનીને પૂજવો, ભજવો, તે ભજનારા બધાં નર-નારી નારાયણ સ્વરૂપ છે. તે મારા યોગને પામેલી બધી બ્રહ્મપ્રિયા દિવ્યા છે. બ્રહ્મરૂપા છે. મોક્ષ આપનારી છે. આ અધ્યાય કોઇ વાંચશે અથવા સાંભળશે તે સર્વે મોક્ષભાગી બનશે.
પરબ્રહ્મ પુરુષોત્તમ અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે છે : હે લક્ષ્મી, રાત્રિ-દિવસ મારામાં મન વાળી મારો વિરહ સહન નહિ કરનારી અતિશય પ્રીતિવાળી ભક્તિ મેં શ્રેષ્ટ કહેલી છે તે ભક્તિ ત્રણ પ્રકારની છે. આત્મા વડે ભક્તિ કરવી તે ઉત્તમ કહેલી છે. મન-અંત:કરણથી ભક્તિ તે મધ્યમાં કહેલી છે. શરીરથી ભક્તિ તે કનિષ્ટ કહેલી છે. મુક્તોની ભક્તિ આત્માથી હોય છે. યોગીઓની ભક્તિ મનથી હોય છે. અજ્ઞાનીઓની ભક્તિ શરીરથી હોય છે. સર્વે ભક્તિ મોક્ષ આપનારી છે. આત્મભક્તિથી શ્રેષ્ટ સુખ મળે છે. માનસી ભક્તિથી મધ્યમ સુખ મળે છે. શરીરની ભક્તિથી સ્વાસ્થ્ય સુખ મળે છે. આત્માથી બ્રહ્મભાવનો આનંદ, મનથી દિવ્ય આનંદ, શરીરની ભક્તિથી ક્રિયાનો આનંદ મળે છે. સ્વાર્થપરાયણ ભક્તિ તામસી છે. ભગવાન અને સ્વાર્થ બંને સાથે રાખે છે. તે રાજસી ભક્તિ છે. કેવળ શ્રીહરિની પ્રસન્નતાર્થે ભક્તિ તે સાત્ત્વિકી છે. ગુરુભક્તિ, હરિભક્તિ સમાન કહેલી છે. તરત જ ફળ આપનારી ભક્તિ ગુરુભક્તિ કહેલી છે.
ભક્તિવાળી સ્ત્રીઓથી સર્વે દેવતાઓ, ઇશ્વરો સંતોષ પામી પ્રસન્ન થાય છે. સંતો આશીર્વાદ આપે છે, કલ્યાણ કરે છે, ભક્તિવાળી નારીને રાધા-લક્ષ્મી, શારદા, કમલા, કાંતા, શ્રી રમા, પદ્મા માનેલી છે. ગમે તે જ્ઞાતિની હોય પરબ્રહ્મની ભક્તિવાળી મુક્તાનિકા થાય છે. તેવી ભક્તિવાળી સ્ત્રીઓના આશીર્વાદથી બ્રહ્મહત્યાના પાપો નાશ પામે છે. તરસી જેમ પાણીને, ભૂખી જેમ અન્નને, ઠંડીથી જેમ અગ્નિને ઈચ્છે છે, ભય પામેલી રક્ષણને, લોભવાળી દ્રવ્યને, પુત્રની ઈચ્છાવાળી પુત્રને ઈચ્છે છે, તેમ રાત્રિ-દિવસ મને સંભારનારી નારાયણી થાય છે. પ્રેમી આત્માના હૃદયમાં જ હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ રહેલો છું. મને જે જાણતા નથી તે ગધેડાના માથે ચંદનની પોઠ હોય તેણે જાણી શકતો નથી, તેમ મૃગો જેમ બહારના રસને સૂંઘે છે પણ પોતામાં રહેલી કસ્તુરીની ગંધને જાણતા નથી તેમ અજ્ઞાનીઓ પણ મને જાણી શકતા નથી, તે બહાર વૃત્તિવાળા છે. સર્પે પીધેલું દૂધ જેમ ઝેર થાય છે તેમ શઠ મૂર્ખ અજ્ઞાનીની સ્વાર્થી ભક્તિ, ભગવાનની પાસેથી સંપત્તિ અથવા સિદ્ધિ પ્રાપ્ત થયા પછી અભિમાનથી ઝેરરૂપ બને છે. ભગવાનને મૂકી દે છે. તેથી તેનો મોક્ષ બગડે છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું જ્યાં પ્રગટ થાવ છું ત્યારે આવી નિષ્કામ ભક્તિ સુગમ થાય છે. માટે પ્રગટ ગુરુરૂપ હરિ વિના નિર્ગુણ, નિષ્કામ ભક્તિ થતી નથી. આવો નિર્ગુણ ભક્ત નિષ્કામ ભાવે અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરતો, સંસારમાં નિર્લેપ રહે એવો ભક્ત જ્યારે ભગવાનના બ્રહ્મરસને પ્રાપ્ત કરે છે, ત્યારે સંસાર તેને ખારો લાગે છે. જ્યારે ભક્તિ રસને જાણે છે, ત્યારે બધું ઝેર જેવું લાગે છે. જ્યારે સેવારસ જાણે છે ત્યારે રાજ્ય તેને મળ સમાન લાગે છે. જ્યારે મારું મૂલ્ય જાણે છે ત્યારે બધું કચરા જેવું લાગે છે. જેમ પગમાં જોડા પહેરવાથી કાંટા લાગતા નથી તેમ બધું કર્મ ભગવાનને અર્પણ કરવાથી સંસારબંધન કરતો નથી. બુદ્ધિ બ્રહ્મવિદ્યાવાળી હોય તો તેમાં માયા લય પામે છે. માયાવાળી બુદ્ધિ હોય તો જન્મ-મરણ અપાવનારી થાય છે. માટે શ્રીહરિની ભક્તિ વિના મનુષ્ય શરીર મળને જ વહન કરનાર છે, જેમ ચોરાસી લાખ જાતના દેહને વહન કરે છે. તેથી ભગવાનની ભક્તિ વિના આત્મશાંતિ મળતી નથી તથા મોક્ષ પણ મળતો નથી.
દેશી-વિદેશી, શૈદ્રિ, જંગલી, ભીલ, દરિદ્રી, ઘીવરી, મલેચ્છી, અંત્યજની કોઇ પણ નારી ભગવાનને જે સ્વરૂપે ભજે તે સર્વે અંતે મને પામે છે. માટે આ દેહે કરીને પુરુષ બધે મળે છે, પુરુષોત્તમ દુર્લભ છે. નારી બધે મળે છે, નારાયણી દુર્લભ છે. ગૃહ બધાંને મળે પણ અક્ષર દુર્લભ છે. માટે મને સર્વ અર્પણ કરવાથી હું સુલભ થાવ છું.
લક્ષ્મી કહે છે : હે ભગવાન, મેં વધૂગીતા તમારે મુખે સાંભળી તે મોક્ષ આપનારી પ્રભુની પ્રાપ્તિ કરાવનારી છે. હવે તમારા મંત્રો સાંભળવા ઈચ્છું છું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે, મારા નામમાં મંત્રો અને અવતારો રહેલા છે. અ-મત્સ્યરૂપ, ન-નરસિંહ, દ-વરાહરૂપ, શ-હયગ્રીવરૂપ, ક-કૃષ્ણ, ણ-વામન, ન-પરશુરામ, ર-રામ, ય-બુધ્ધ, ણ-કલ્કિનાશક એ રીતે મારા અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામમાં અવતારો રહેલા છે તથા લક્ષ્મીનારાયણ, શ્રીમન્નારાયણ આ બધા મંત્રો મારા જ છે. જે રીતે ગોલોકવાસી, શ્રીકૃષ્ણ પૃથ્વી પર સુલભ થયા. તે જ રીતે પરમધામમાં રહેલો હું અનાદિશ્રીકૃષ્ણનારાયણ સુલભ થયો છું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ, શ્રી પુરુષોત્તમ મેં શ્રીકૃષ્ણવલ્લભ સ્વરૂપ ધારણ કરેલું છે. તે મંત્ર ગ્રહણ કરવામાં કોઇ વિધિ કરવાની જરૂર નથી. કોઇ પણ જ્ઞાતિના તે મંત્ર ગ્રહણ કરી શકે છે. તે મંત્ર “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીહરિ: શરણં મમ”.
ધર્મ વૈરાગ્યવાળા, વિદ્વાન, ભક્તિપરાયણ, વેદના રહસ્યને જાણનારા પરબ્રહ્મના સંપ્રદાયવાળા, બ્રહ્મવિદ્યામાં નિષ્ણાંત, મંત્રજપ કરનારા સાધુ-સાધ્વી, સતી વિપ્રને ગુરુ જાણવા. સદાચાર, ભક્તિ શાસન કરનારા બ્રહ્મ આપનારા આચાર્ય ગુરુને શરણે જવું. એજ રીતે શંખ, ચક્ર, ગદા, પદ્મ આદી ચિહ્નો ધારણ કરવા તથા ઊર્ધ્વપુંડ તિલક તે મારું ચરણ છે, મધ્યે ચાંદલો તે લક્ષ્મીજી છે.
પરબ્રહ્મનો સંપ્રદાય હોય તેનો આચાર્ય સમ્રાટ કહેવાય છે. ન્યુન મંત્રના આપનારા ન્યુન કહેવાય છે. મેં મારા સંપ્રદાયમાં આચાર્ય તરીકે ગુરુ તથા ઉપદ્રષ્ટા મંત્ર આપનારા સ્વયંપ્રકાશ ભગવાન મેં સ્થાપન કરેલા છે. (ૐ) અ - અક્ષરબ્રહ્મ, ઉ - મુક્તકોટી, મ - અવતારો આ ત્રણે સ્વરૂપે હું પુરુષોત્તમ રહેલો છું. અ - બ્રહ્મસૃષ્ટિ, ઉ - ઇશ્વરસૃષ્ટિ, મ - જીવસૃષ્ટિ. આ ત્રણ સ્વરૂપે પણ હું પુરુષોત્તમ રહેલો છું. મહામંત્ર - ગુઢાર્થ જ્ઞાન પ્રાપ્તિ કહી છે. તે ગ્રહણ કરવી.
પરબ્રહ્મની ઈચ્છાથી માયાની પ્રાર્થનાથી એક ભાગના ચોથા ભાગમાં માયામયી સૃષ્ટિ થઇ છે. ત્રણ ભાગમાં મારી દિવ્ય બ્રહ્મમય વિભૂતિઓ, સૃષ્ટિઓ રહેલી છે. માટે મારા ભક્તો તેણે અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારા આજ્ઞામૃત મંત્ર, અમૃત, ભક્તિરસ, સેવારસ, મુક્તિરસ પીવા. બ્રહ્મરસ, હાસ્યરસ, પ્રિયરસ, સ્નેહરસ, આત્મરસ, યોગરસ, સર્વે રસ પીવા.
અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરનારાનો મોક્ષ થાય છે. ત્યાં રોગ આવતા નથી. નવનિધિ હાજર રહે છે. સર્વે ઐશ્વર્યો આવે છે. ધન-ધાન્યથી સુખી રહે છે. કાળ પડતો નથી. અકાળે મરણ થતું નથી. સર્વે ક્રિયામાં મારું ભજન કરનારાને ભક્તિ પરાયણ રહેનારાને ગૃહ વૈકુંઠ તુલ્ય ભાસે છે.