દાનનાં પ્રકાર તેમજ દાનનું મહાત્મ્ય
આ અધ્યાય 125–132 સંયુક્ત છે
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે છે : હે લક્ષ્મી, હવે હું તમને મહાદાનના પ્રકારો કહું છું. સર્વ પ્રથમ ન્યાયથી મેળવેલી સંપત્તિનું દાન તે ઉત્તમ કહેવાય છે. તુલા-પુરુષદાન, હીરણ્ય-ગર્ભદાન, બ્રહ્માંડદાન, કલ્પ-પાદ્યદાન, હજાર ગાયોનું દાન, સોનાની ગાયનું દાન, સોનાના અશ્વનું દાન, સોનાનો અશ્વરથદાન, સોનાના હાથીનું દાન, સોનાનો સિંહદાન, ભૂમિદાન, વિશ્વચક્ર દાન, કલ્પલતા દાન, સપ્ત સાગરદાન, રત્નધેનુદાન, મહાભૂત ઘટદાન, આ સોળ મહાદાનો હજારો વિઘ્નોને નાશ કરનારા, સ્વર્ગ આપનારા છે. આ લોકમાં કોઇ એવી વસ્તુ નથી જે પ્રાપ્ત ન થાય. જીવાત્મા અંતે ભગવાનના ધામમાં ઉપાસના પ્રમાણે સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં બેસી વૈકુંઠ-ગોલોક, અમૃતધામ, શ્વેતદ્વિપ, અક્ષરધામ, પરમધામ વગેરે સ્થાનને પામે છે.
તુલા પુરુષદાન કરનારો સ્વર્ગને પામી ફરી દાન કરી મોક્ષપદને મેળવે છે. મહાદાન, હીરણ્ય ગર્ભદાન તથા બ્રહ્માંડ દાન ષોડશોપચારથી સોનાની ધર્મદેવની મૂર્તિ કરી વિધિથી પૂજન કરી દાન કરનારો સ્વર્ગને પામી ફરી દાન કરી મોક્ષ મેળવે છે.
અનાદિશ્રીકૃષ્ણનારાયણને ઉદ્દેશી કલ્પવૃક્ષનું દાન કરનારો વૈરાજપદ પ્રાપ્ત કરી અંતે અક્ષરપદને તથા ગૌસહસ્ત્ર દાનના પુણ્યને પામે છે.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ તથા મહાલક્ષ્મીને ઉદ્દેશીને સોનાની ગાય, સોનાનો અશ્વ, સોનાના રથનું દાન કરનારો ભગવાનનો રાજીપો મેળવી અંતે પરમધામે જાય છે.
અનાદિશ્રીકૃષ્ણનારાયણને સંભારીને સોનાનો હાથી, સોનાનો સિંહ, ભૂમિદાન કરનારો અનેકગણુ પુણ્ય મેળવી અંતે ગોલોક તથા અક્ષરધામને પામે છે. આ સર્વે દાનવિધિમાં મહા મંડપ કરાવીને સર્વે દેવ-ઇશ્વરો, અવતારો વગેરેનું આહવાન કરાવી, યજ્ઞ કરાવી તેમાં સાધુ-સાધ્વી, સતી, બ્રાહ્મણ, અનાથ ગરીબ બાળકોને જમાડવા, દાન દેવા.
એક કિલોનું સોનાનું સુદર્શન ચક્ર કરાવીને મહાદાન કરવું અથવા તેથી અડધા ભારનું અથવા તેથી ચોથા ભાગનું ચક્ર કરાવીને દાનમાં આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણ તમે પ્રસન્ન થાવ. આવો સંકલ્પ કરનાર ઈચ્છીત ફળને પામી અંતે પરમધામને પામે છે અને પરમાત્માના શાશ્વત આનંદનો અનુભવ કરે છે.
સોનાનું વૃક્ષ, સોનાની વેલ, સોનાના દરેક અલંકારોના દાનો તથા સર્વે દાનો જીવનદાન, શરણાગત દાન, અભયદાન, જ્ઞાનદાન, દેહદાન, વિજ્ઞાનદાન, મુક્તિદાન, ગૃહદાન, ઘીદાન, ધર્મવંશવૃદ્ધિ માટે બીજદાન. આવા અનેક પ્રકારના દાનો મંદિરમાં આશ્રમમાં સંતને, દેવ-દેવીને, ગુરુને, સાધુ-સાધ્વીને આપવાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે.
સપ્તસાગર, મહાદાન, રત્નની ગાય બનાવીને દાન આપવું તથા બધા અનાજના પાત્રો ગોળી હાંડા, ગાગર, ઘડા, કળશ વગેરે ભરીને દાન કરવા અનેક પ્રકારના દાન મહાફળ આપનારા છે. તે આ લોકમાં સુખી રાખે છે.