સર્વ કર્મો પરમાત્માને અર્પણ કરવાનો લાભ
આ અધ્યાય 169–172 સંયુક્ત છે
મૃત્યુનું મુખ્ય કારણ વાસના છે તેથી જન્મ તેથી કર્મ તેથી મૃત્યુ તેમાં સર્વેમાં અહંકાર તે કામ કરે છે. ભાવાયન સાધુ સર્વે વૃતિ સંકેલી ધ્યાનમાં બેસી ગયો. ત્યાં અહંકાર પુરુષ આવ્યા અને કહે, તું મને કાઢી નહીં શકે. હું સત્વ રજ તમના સર્વે કાર્યોમાં રહેલો છું. ભાવાયન સાધુ કહે, હું આત્મારૂપે વર્તું છું. તે આત્મા પણ પરમાત્માને અર્પણ કર્યો છે. તેથી મારું કાંઈ નથી માટે હું શેનો અહંકાર કરું. માટે આ રીતે સર્વે સત્કર્મો તથા અસત્કર્મો પરમાત્માને અર્પણ કરવાથી નિષ્પાપ, નિર્મળ, નિર્ગુણ થવાય છે.
અશ્વપટ સરોવર કાંઠે બેઠેલા ચિદાનંદ યોગીને માનસમુનિ વંદન કરતા હતા. ચિદાનંદ યોગી બોલ્યા : આ લોકમાં મનુષ્યો સ્વર્ગ જેવા કરોડો સુખ માટે દાન-પુણ્ય કરે છે. તે જો પ્રગટ ભગવાનને સંભારીને નિષ્કામ ભાવે સત્કાર્યો કરે તો તે દાન-પુણ્ય-મનુષ્યોને મોક્ષ અને શાશ્વત શાંતિ શાશ્વત સુખ અપાવે છે.
પુણ્ય, સાધુસેવા, ગુરુસેવા, આશીર્વાદો, દાન, બ્રહ્મચર્ય, તપ, યોગાભ્યાસ ભજન, ઔષધસેવા, અહિંસાથી યુક્ત નિષ્પાપ ભોજન, સતી, માતા, ધર્મ વગેરે તિર્થો તેમજ વૈરાગ્ય, બ્રહ્માર્પણ આવા અનેક પુણ્યકાર્યો આયુષ્યને વધારનારા છે. તેથી વિપરીત વર્તે મર્યાદા બહાર રહે તો આયુષ્ય ક્ષય થાય છે. તથા જીવનમાં થતા એવા શુભ-અશુભ કર્મોને પરમાત્માને અર્પણ કરી પાપ-પુણ્યથી રહિત થાય, સ્થૂળ સુક્ષ્મ દેહના અભિમાનને રહિત થાય ત્યારે આત્મા-પરમાત્માના જ્ઞાનથી વાસના, લિંગદેહનો ક્ષય થાય છે. બ્રહ્માનંદના પ્રવાહથી અજ્ઞાનરૂપી કારણ શરીરનો નાશ થાય ત્યારે સ્વચ્છ, તેજસ્વી, દિવ્ય એવો આત્મા પરમધામમાં રહી શકે છે. તે માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે પ્રગટ મળ્યા છે. તેનું ભજન ભક્તિ સેવા ઉપાસના કરવી તથા બ્રહ્મનિષ્ટ સાધુ-સાધ્વી, પતિવ્રતા સતી યોગિની માતા-પિતાના આશીર્વાદો લેવા તથા સદા ભક્ત મંડળમાં રહી કથા- કિર્તન, કહેવા સાંભળવા, તો આ જન્મે જ મુક્ત બનીને ધામને પામે છે.
પરબ્રહ્મની ઉપાસના અને બ્રહ્મવિદ્યાથી અવિદ્યાનો લય થાય. શ્રીહરિનો મહિમા સહિત ચિંતન તે પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે. સુવર્ણ જેમ ઘસવાથી, કાપવાથી, તપાવવાથી દિપવાથી આ ચાર પ્રકારે શુદ્ધ થાય છે, તે જ રીતે આત્મા સત્સંગ, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર પ્રકારે શુદ્ધ થાય છે. સત્સંગથી ગુણ આવે. વિજ્ઞાનથી સંસ્કાર વધે. વૈરાગ્યથી વાસનાનો ક્ષય થાય, સ્નેહભક્તિથી શ્રીહરિમાં ચોંટવાનું થાય અને માયાથી છૂટું પડવાનું થાય. આવો ભક્ત થાય તેમાં હું વાસ કરું છું. હું જ્યાં જેમાં વાસ કરું છું, ત્યાં માયા રહેતી નથી. તેથી મારા ભક્તમાં માયા છે જ નહિ. મારો ભક્ત મારા સિવાય બીજું ચિંતવન કરતો જ નથી.