અનાદિશ્રીકૃષ્ણનારાયણના હજાર મંત્રોનું મહાત્મ્ય - ફળ પ્રાપ્તિ અને કથા
આ અધ્યાય 108–111 સંયુક્ત છે
લક્ષ્મીજીએ પૂછ્યું : હે ભગવાન, સંસારમાં ડૂબેલાને ક્યો જપ ઉત્તમ છે ? અનાથોને ક્યું શરણ સારું છે ? આપત્તકાળને નાશ કરનારું પાપોને બાળનારું, વાસના બાળનારું, શું સાધન છે ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : પુરુષોત્તમ નારાયણ એવો હું તે મારા એક હજાર મહામંત્રોનું પુરુષોત્તમ સામસ્ત્રોત તે સર્વે સુખ આપનારૂં છે.
અન્નનું દાન આપનારો સ્વર્ગમાં ઉત્તમ ભોગ પ્રાપ્ત કરે છે. પાણીદાતા અમૃત મેળવે છે. દેવની સેવાથી સિદ્ધલોક, દીપદાનથી દિવ્યદૃષ્ટિ, અરીસા દાનથી વૈરાજલોક, કન્યાદાનથી સ્વર્ગ, ગૌદાનથી વસુલોક, ભૂમિદાનથી અવ્યાકૃતધામ, છત્રદાનથી કૈલાસ, ફળવાળા વૃક્ષના દાનથી અમૃતપદની પ્રાપ્તિ થાય છે. સર્વે પ્રકારના દાન આપનારો પુરુષોત્તમને સંભારીને દાન આપે તો સર્વે ફળ પ્રાપ્ત કરી અંતે પરમધામને પામે.
પહેલું દાન સાધુને દેવું, બીજું દાન બ્રહ્મ જાણનારને, ત્રીજું અનાથને, ચોથું દાન બ્રાહ્મણોને, પાંચમું નારીને, છઠ્ઠું બાળકોને, સાતમું દાન દાસ-દાસીઓને દેવું. દરેક દાનમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ નારાયણને સંભારવાથી દાતા અક્ષયફળ પામે છે.
દીર્ઘશીલ નામે બ્રાહ્મણ અનેક પ્રકારના દાન કરતો તે પુરુષોત્તમસામ નામનો સ્તોત્ર પાઠ કરીને પરમધામમાં ગયો. તેના નામવાળો બીજો દીર્ઘશીલ બ્રાહ્મણ તે પાપી નિંદક, અધર્મી હતો. તે મરીને યમપુરીમાં ગયો. પરંતુ તેણે પુરુષોત્તમસામ સ્તોત્રનો પાઠ કરેલો તેથી ધર્મરાજાએ તેને છોડી મૂક્યો અને પૃથ્વી પર લાંબો સમય વાસ કરી ભગવાનની ભક્તિ કરી પરમધામમાં ગયો.