દ્વાપરયુગ સંતાન કથાશ્રવણ, વાંચન તેમજ દાનનું મહાત્મ્ય
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે છે : હે લક્ષ્મી, આ દ્વાપર સંહિતામાં મારા વર્ણન કરેલા છે તે ચરિત્રોનો કરનારો હું, ધરનારો હું અને લેખક હું છું. આ લક્ષ્મીનારાયણ સંહિતાની પારાયણ જે કરશે તે સર્વે સંપત્તિ પામશે. સોનાનો ગરૂડ બનાવી તે પર લક્ષ્મીનારાયણ સંહિતા રાખી દાન કરનારને પૃથ્વીદાનનું ફળ મળશે. શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં જે દાન આપશે તે સર્વ દાનનું ફળ પ્રાપ્ત કરશે.
આ દ્વાપરયુગ ખંડની કથા સપ્તાહ, પાક્ષિક, માસિક પારાયણ કરાવવી. વક્તાને યથાશક્તિ દાન કરવું. સાધુ-સાધ્વી, વિપ્રો અનાથ ગરીબ બાળકોને ભોજન કરાવવા. આ લક્ષ્મીનારાયણ સંહિતા તે મારી મૂર્તિ છે તેથી તેની પોથી નગરયાત્રા કરાવવી. તેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવો હું શ્રીકૃષ્ણનારાયણ સર્વના હૃદયમાં રાધા-લક્ષ્મી પતિ પદ્માવતી શ્રીમાણિકીપતિ પ્રજ્ઞામુક્તાપતિ સર્વના અંતર આત્મામાં પ્રકાશમાન થાઉં છું.
“ૐ નમ: અનાદિશ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” આ મંત્રનો એકલાખ વાર જાપ કરશે અથવા યજ્ઞ કરી આ મંત્રનો દશાંશ હોમ કરશે તેને હું દર્શન આપીશ.
મારી મૂર્તિમાં હેત, પ્રીતિ થાય તે માટે મારી દિવ્ય અલૌકિક મૂર્તિનું ધ્યાન સદા મારા ભક્તોએ કરતા જ રહેવું. ધ્યાનમાં પોતાના હૃદયમાં અથવા બહાર અથવા પરમધામમાં સોનાના સિંહાસનમાં પુરુષોત્તમ નારાયણને પધરાવી પીળાં પિતાંબર ખેસ પહેરાવીને. સોનાનો મુગટ, કુંડળ ધારણ કરાવવા, સોનાનો ટુપિયો સોનાની કંઠી, સોનાનો ચેન, સોનાની મગમાળા, સોનાના નાના-મોટા હાર, હીરા-મોતીના હાર, સોનાનો કંદોરો, સોનાના બાજુબંધ, સોનાના કડા, સોનાની પોંચી, સોનાની વેઢ, સોનાની વીંટીઓ, સોનાના તોડાં, ઘૂઘરીવાળા સોનાની ચાખડી. આ રીતે વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવી પ્રગટ પ્રભુને ધૂપ- દીપ, અગરબત્તી, અત્તર, ચંદન, કેશર, સુગંધીમાન દ્રવ્યોથી પૂજા કરી. આરતી ઉતારી દંડવત્ પ્રણામ વંદન, સ્તુતિ કરી અપરાધ ક્ષમા માંગવી કે, હે ભગવાન, હે પ્રાણપતિ, હે આત્માપતિ, હે મુક્તપતિ, હે સર્વપતિ મારી પૂજામાં કાંઇ ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો. શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી સ્વભાવથી જાણ્યે-અજાણ્યે જે કાંઇ ભૂલ થઇ હોય તો ક્ષમા કરજો તેમજ તમારામાં તથા તમારા સંતભક્તોમાં સ્નેહ થજો.