નરનારાયણ, બદ્રીકાશ્રમ, બદ્રીવૃક્ષ અને હિમાલય ઉત્પત્તિ કથા
આ અધ્યાય 1–3 સંયુક્ત છે
શ્રીશ્વેતાયન વ્યાસ કહે છે : અસંખ્ય ચરિત્રોના ધારણ કરનારા બાલકૃષ્ણને નમો નમ: જડ ચૈતન્યમાં રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણને નમો નમ: જે ભગવાન જગતના જીવના, આલોક-પરલોકના કલ્યાણને માટે નરનારાયણ સ્વરૂપ ધારણ કરી બ્રહ્મચર્યનું પાલન કરી તપ કરી સર્વને સુખ આપે છે અને જે લક્ષ્મી નારાયણ સ્વરૂપ માણિકી છે. તેજ બદ્રીરૂપે રહીને નારાયણને સેવે છે. તે બદ્રી નરનારાયણ ભગવાનને પ્રશ્નો પૂછે છે અને નરનારાયણ ભગવાન બદ્રીને અનાદિશ્રીકૃષ્ણનારાયણની કથા કહે છે.
હિમાલયમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહા ભાગવત ભક્ત બદર નામે હતો. તે ચૌદ લોકમાં ગતિ કરતો હતો. તેને ત્યાં હંમેશા બ્રહ્મસભા સત્સંગ થતો. તે ઋષિ-મુનિઓ, સાધુ, સાધ્વી, યોગી, યતિઓ, વિપ્રોની પૂજા કરી જમાડતો, દાન આપતો. એક વખત હેમાનલ નામનો અસુર ઘણા દૈત્યોને લઇ યુદ્ધ કરવા આવ્યો. બદરરાજાએ હરાવી દીધો તો પણ પાછો આવ્યો. બદરરાજાની સહાયમાં દેવો હતા. તેમાં ચંદ્રમાંએ તે બદરરાજાને ચંદ્રકાંત મણિ આપ્યો અને કહ્યું, વિમાનમાં બેસી આકાશમાં જઇ સ્તુતિ કરજે એટલે તેમાંથી બરફના કણો નીકળશે. રાજાએ તે પ્રમાણે કર્યું. તે બરફના કણોથી હેમાનલ અસુર દૈત્યો સર્વે દબાઇ ગયા. ત્યાં દટાઇ ગયા. તે બરફના કણોનો સમુદાય ઢગલા તે આજ હિમાલય પર્વત છે. પછી બદર રાજાની સ્તુતિ પ્રાર્થનાથી ચૌદ લોકવાસી દેવો, સિદ્ધો, ગાંધર્વો, ઋષિ, મુનિઓએ ત્યાં વાસ કર્યો. ત્યાં દિવ્ય ઔષધીઓ દેવોએ વાવી અને પૃથ્વી પર સ્વર્ગ બનાવીને સર્વ દેવોએ ત્યાં વાસ કર્યો.
તે હેમાનલ અસુર બરફ નીચેથી ફરી ઊભો થઇ બદર રાજા તથા દેવોની સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે દેવોએ તથા રાજાએ ભગવાન કૃષ્ણવલ્લભને સંભાર્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણે આવીને રાજાને કહ્યું, આ અસુરે દશ હજાર વર્ષ તપ કરીને મને પ્રસન્ન કર્યો હતો. તેણે વરદાન માગ્યું હતું કે, દેવો દાનવો મને કોઇ ન મારી શકે. હું તમારી સંપત્તિમાં લક્ષ્મીમાં મોહ પામ્યો છું. માટે લક્ષ્મી વિના મને કોઇ ન મારી શકે. તેથી હે રાજા તું મારી બ્રહ્મપત્ની લક્ષ્મીની આરાધના કરી બોલાવ તેને હાથે આ અસુર મરશે. રાજાએ લક્ષ્મીની સ્તુતિ કરી. લક્ષ્મી આવ્યા. દિવ્ય તેજસ્વી સ્વરૂપે આવેલા લક્ષ્મીએ કહ્યું, હે પ્રભુ હું તમારી આજ્ઞામાં જ રહેલી છું. આજ્ઞા કરો, શું કામ કરું ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું, આ અસુરનો નાશ કરવા તું લક્ષ્મી અહીં રહે. ત્યારે લક્ષ્મીએ કહ્યું, હું પતિવ્રતા છું. તમારા વિના કેમ રહું ? પ્રભુએ કહ્યું, તું બોરડીના વૃક્ષનો દેહધારણ કરી તારા પગ નીચે આ અસુરને દબાવીને મારી નાખ અને તારા કાંટાઓથી સર્વે દૈત્યોનો નાશ કરી નાખ. લક્ષ્મીજીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે બદ્રીનું શરીર ધારણ કરી અસુરોનો નાશ કર્યો. પછી ભગવાને કહ્યું, હું ધર્મપુત્ર નરનારાયણરૂપે પ્રગટ થઇ તારા વૃક્ષ નીચે તપ કરી. બ્રહ્મચર્યનું પાલન કરી ભક્તોના કલ્યાણ માટે બદ્રીકાશ્રમમાં વાસ કરીશ. બદરરાજા બોરરૂપે થયો. બીજરૂપે નર થયા. મૂળ બદ્રીકાશ્રમ દૂર છે. મુક્તો વિના ત્યાં ગતિ નથી.