ધર્મયશ વિપ્રના પુત્ર નિકામદેવ દ્વારા બાલયોગિનીને આશ્રય
આ અધ્યાય 8–9 સંયુક્ત છે
બદ્રીશ્વરીએ પૂછ્યું : નરનારાયણ, તે વિપ્ર કોણ હતો ? નરનારાયણે કહ્યું : લુણી ગામનો બ્રહ્મદેવ વિપ્ર નિત્ય શ્રીકૃષ્ણનું પૂજન, ભજન, ભક્તિ કરતો ધર્મયશ હતો. તેને પુત્ર ન હોવાથી બદ્રીકાશ્રમ જઇ તપ કરવા ગયો. બે મહિના તપ કર્યું. પછી બદ્રીની સ્તુતિ કરી. હે બદ્રીશ્વરી મારી પર પ્રસન્ન થાવ. આ રીતે તેની પત્ની પણ પ્રાર્થના કરતી અને સાધુ- સાધ્વીને, કન્યા, કુમારોને ભોજન, દાન આપતી. એ રીતે એક માસ સુધી બદ્રીવ્રત આકાશવાણીના કહેવાથી કર્યું. વ્રતને અંતે બદ્રીવૃક્ષમાંથી કન્યા રૂપે લક્ષ્મીજી આવીને એક બોર બ્રહ્મદેવને આપ્યું. એક બોર તેની પત્ની વિશદાક્ષીને આપ્યું અને કહ્યું, આ એક બોરથી તને પુત્ર પ્રાપ્ત થશે. બીજો બોર પુત્રવધૂ માટે રાખજે. પુત્રીનો વંશ તે બાદરવંશ કહેવાશે. પછી તે દંપતી વરદાન પ્રાપ્ત કરી યાત્રા કરતા લુણી ગામે આવ્યા.
નરનારાયણ કહે છે : તે બ્રહ્મદેવને નિકામદેવ પુત્ર થયો. તેને ધૂની ગામે પરણાવ્યો. ઘરજમાઇ રહ્યો. તેની પત્ની સુરેશ્વરી તે દાન કરતી, અનાદિ શ્રીકૃષ્ણનારાયણની પૂજા, ભક્તિ કરતી. તેને ત્યાં સાક્ષાત લક્ષ્મીજી, બદ્રી નવ વર્ષની કન્યાનું રૂપ લઇ આવ્યા અને કહ્યું, હે માતા મારું કોઇ રક્ષણ કરનારું નથી. માતા-પિતા રહિત છું, મને તમે રાખશો ? સુરેશ્વરી કહે, ઘરનું સર્વ કામ કરજે હું તને દીકરીની જેમ રાખીશ. તે કન્યા ત્યાં રહી મોટી થઇ વિવાહ વિષે પૂછ્યું, તે બાલ યોગિનીએ કહ્યું, મને જરા પણ વિકૃતિ છે નહિ. હે માતા- પિતા આ મનુષ્ય દેહ ભગવાને મોક્ષને માટે આપ્યો છે પણ માયિક પંચવિષયમાં જન્માંતરમાં રખડવા માટે નહીં. પંચવિષય તો બધા જન્મોમાં ભોગવ્યા જ છે. તેને ભોગવવાથી તેનો અંત આવતો નથી. માટે હું તો અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરીને ભગવાનને વરીશ અને તપવ્રત કરીશ. પૂર્વે બ્રહ્માએ પણ તપથી ભગવાનને રાજી કર્યા છે. નારદ સનકાદિ પણ તપે કરીને રાજી કરે છે.