ભાગ · અધ્યાય ૯૭

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ત્રેવીસમો જન્મજયંતિ મહોત્સવ

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, જેઠ માસમાં કુંકુમવાપી પધારેલા પ્રભુ અનેકને આનંદ આપતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ત્રેવીસમો જન્મજયંતિ મહોત્સવ આવ્યો. લોમશ ઋષિએ પ્રભુને આશીર્વાદ આપ્યા. પ્રજ્ઞા, પદ્માવતી, રાધા-લક્ષ્મી વગેરે બ્રહ્મપત્નીઓ પ્રગટ પ્રભુની પૂજા કરી, આરતી ઉતારી. પછી સ્વયંપ્રકાશ વગેરે મુની તેમજ હેમંત આદી પાર્ષદોએ કેસર-ચંદન, પુષ્પ હારોથી પૂજા કરી, આરતી ઉતારી સ્તુતિ કરી. પછી પાતાલવાસીઓએ પૂજા કરી, પ્રાર્થના કરી કે, પ્રભુ અમારે ત્યાં પધારી અમારો લોક પાવન કરો. તેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતાના ભક્તો, મુક્તોના બે સ્વરૂપો બનાવી, વિમાનમાં બેસી અતલ-વિતલ લોકમાં માગશર માસમાં આવ્યા. નમુચી, પ્રહલાદ આદી દૈત્યભક્તોએ શ્રીહરિની વસ્ત્ર આભૂષણોથી પૂજા આરતી કરી. ત્યાંથી પોષમાં સુતલોક, ત્યાંથી માઘમાં તલાતલ આવ્યા. તે લોકના વાસીએ પ્રગટ પ્રભુની પૂજા આરતી કરી, ભેટ મૂકી. ત્યાંથી ફાગણમાં મહાતલમાં આવ્યા ત્યાં અનંત સર્પોએ પૂજ્યા આરતી કરી. ભેટ મૂકી. ત્યાંથી ચૈત્રમાં રસાતલ ગયા. ત્યાં બલિરાજાએ પૂજા આરતી કરી, ભેટ મૂકી, મંત્ર લીધો. ત્યાંથી વૈશાખમાં પાતાલમાં આવ્યા. ત્યાં શેષનારાયણ અનેક સર્પો સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા, આરતી કરી. પ્રભુએ તેમને મંત્રો આપ્યા. ત્યાંથી ક્ષીર સાગરમાં વિષ્ણુ પાસે ગયા. જેઠ માસમાં લક્ષ્મીનારાયણે પ્રગટ પ્રભુને દૂધપાક જમાડીને પૂજા આરતી કરી. અષાઢમાં શ્વેતદ્વીપ ગયા, ત્યાં કમલાનારાયણ તથા શ્વેતમુક્તોએ પ્રગટ પ્રભુની પૂજા આરતી કરી. ત્યાંથી શ્રાવણમાં બદ્રીકાશ્રમમાં આવ્યા. ત્યાંથી નરનારાયણ બદ્રી, તનુ, આદી ઋષિઓ તપસ્વીઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચરણ ધોઇ પાણી પીધું. ત્યાંથી વારણસી, પ્રયાગરાજમાં સ્નાન કરી, સૌરાષ્ટ્રમાં કુંકુમવાપી પધાર્યા.