પ્રભુની સહાયથી નંદીભીલ રાજા સાથેના યુદ્ધમાં નાગવિક્રમ રાજાનો વિજય
આ અધ્યાય 80–85 સંયુક્ત છે
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, યુદ્ધપુરનો રાજા નાગવિક્રમ તેણે યજ્ઞ કર્યો. તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાર્વતી, પ્રભા બંને પત્નીઓ તથા સંતુષ્ટા બેનને સાથે લઇને યજ્ઞમાં ગયા. પ્રભુ પોતે બ્રહ્મા થયા તથા સંતો હોમ, હવન કરતા. યજ્ઞ કરી અવભૃથસ્નાન લુની નદીમાં કરતા હતા. ત્યાં હજારો પ્રેત આવ્યા. તે પ્રભુ પ્રસાદીનું જલ પીને દિવ્ય થયા. તે બધા વાવાઝોડામાં રણમાં મરેલા વણિકો હતા.
શ્રાવણ સુદ-એકાદશીએ યજ્ઞ કર્યો. બારસના દિવસે બધાને ભોજન જમાડી દાન દીધા. ત્યાં યમુના કાંઠાનો નંદી ભીલ આવી કહે, રાજ્ય, યુદ્ધ, ખંડણી આ ત્રણમાંથી એક આપ.
જેને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ નથી તે તૃષ્ણાવાળો છે અને જેણે તૃષ્ણા શાંત ન કરી તે પશુ સમાન છે. તે નંદી ભીલ પોતાને રાજ્ય હોવા છતાં નાગવિક્રમ પાસે આવ્યો. નાગવિક્રમને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ અધર્મી રાજાનો નાશ કરવા લડાઇ કરવા આજ્ઞા કરી. તે સમયે લડાઇ કરવા આવેલા નંદી ભીલને ઘણા અપશુકનો થયા, છતાં પાછો ન વળ્યો. પોતાને રણમાંથી ભાગતા સ્વપ્નમાં જોયો, રથ ભાંગી ગયેલો જોયો, લાકડાનો ઢગલો જોયો, લાલ વસ્ત્રવાળી સ્ત્રી છાતી કૂટતી હતી વગેરે અપશુકનો જોયા.
અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી નાગવિક્રમ સૈન્ય તૈયાર કરી લડવા માટે નીકળ્યો. સાથે આગળ અનાદિશ્રીકૃષ્ણનારાયણ હતા તે પ્રભુના દર્શન કરી નંદી ભીલના ગુરુ અગ્નિરાત ઋષિએ કહ્યું, તેની સાથે પ્રગટ પ્રભુ છે. તારી પાસે દસ ગણું સૈન્ય હોવા છતાં તું તેને હરાવી નહીં શકે. નાગવિક્રમથી તારું રાજ્ય દસ ગણું છે માટે તૃષ્ણા ત્યજી પ્રગટ પ્રભુના દર્શન કરી આશીર્વાદ મેળવી કલ્યાણ કરી લે. ગુરુનું વાક્ય મિથ્યા થતું નથી. માટે ગુરુનું માની પ્રભુને શરણે થઇ જા. અગ્નિરાત ગુરુનું વચન સાંભળી નંદી ભીલ કહે, ગુરુ યજ્ઞ શરૂ કર્યા પછી બંધ થતો નથી. આ રણ યજ્ઞમાં હું પ્રભુને શસ્ત્રરૂપી પુષ્પ ચડાવીશ, આયુધોની આહુતિ આપીશ. હું પ્રભુને ઓળખું છું. મારું કલ્યાણ જ થવાનું છે. એમ કહીને યુદ્ધનો શંખ ફૂંક્યો. આકાશમાં દેવોએ આવી પુષ્પવૃષ્ટિ કરી પ્રભુને આયુધો આપ્યા.
રૂદ્રકાળ મૃત્યુએ પ્રભુ પાસે આવી આજ્ઞા માંગી. પ્રભુએ તેમને નાગવિક્રમના રથ પર રહી સહાય કરવા કહ્યું. સામ સામા અસ્ત્ર, શસ્ત્ર, બાણ, પાશ, તોભર ભાલા, શક્તિઓ વગેરેનો ઉપયોગ કરી લડતા હતા. રણસંગ્રામ ભયંકર થયો. નાગવિક્રમે અનાદિશ્રીકૃષ્ણનારાયણની કૃપાથી નંદી ભીલના ઘાત વજ્ર, ઈન્દ્રધ્વજ, હરિતવજ્ર, સેનાપતિ ત્રણ સહિત ત્રીસ હજાર યોદ્ધાઓનો નાશ કર્યો.
અડધા સૈન્યનો નાશ થયો. ત્યાં અગ્નિરાત ગુરુએ નંદી ભીલને કહ્યું, તું હવે પરાજય સ્વીકારી પ્રભુને શરણે જા. પરંતુ નંદી ભીલ માન્યો નહીં. નંદી ભીલે સ્ત્રીસૂત મંત્રવાળું અસ્ત્ર ફેંક્યું ત્યારે પ્રભુએ દુર્ગા અસ્ત્ર ફેંક્યું. તે દુર્ગાઓએ નંદી ભીલના સ્ત્રી અસ્ત્રોનો નાશ કર્યો તેમજ બીજા છ સેનાપતિ સહિત આઠ હજાર સૈન્યનો નાશ કર્યો. ત્યારે ગુરુએ નંદી ભીલને કહ્યું, તું નાગવિક્રમને નહિ મારી શકે. તેની સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણ છે. તેના રથ પર રૂદ્રકાળ મૃત્યુ રહેલા છે. તે દિવ્ય અસ્ત્રોનો ઉપયોગ કરી તારા સૈન્યને સાફ કરી દેશે.
અંતે ગુરુનું વચન નહીં માની. નંદી ભીલ નાગવિક્રમને મારવા દોડ્યો. તે સમયે પ્રભુની આજ્ઞાથી મહાકાળે તલવારથી નંદી ભીલના હાથ, પગ કાપી શક્તિથી છાતી ભેદી નાખી. તે સમયે નંદી ભીલ ત્યાં પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, જો મેં તમને સાક્ષાત અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરમધામના પતિ જાણ્યા હોય તો પ્રભુ મને સદ્ગતિ આપજો. કુંકુમવાપીમાં કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણના પુત્રપણાને પામેલા અનેક આત્માઓનો ઉદ્ધાર કરનારા, પાપીનું પણ કલ્યાણ કરનારા, તમોને નમસ્કાર. મુક્તપતિ, મુક્તાનિકાપતિ, બ્રહ્મપ્રિયાપતિ, અવતારપતિ, સર્વપતિ, આત્મપતિ એવા તમોને નમસ્કાર. નંદી ભીલની સ્તુતિ સાંભળી અનાદિશ્રીકૃષ્ણનારાયણ તરત જ રથ નીચે ઉતરી તેની પાસે આવ્યા. દિવ્યસ્વરૂપે દર્શન આપ્યા. નંદી ભીલના મુખમાં પાણી મૂક્યું. નંદી ભીલ પ્રગટ પ્રભુનું પ્રસાદીનું જલ પીને દેહ ત્યજી વિમાનમાં બેસી પરમધામમાં ગયો. પછી પ્રભુએ નંદી ભીલની રાજધાની દિલાવરી નાગવિક્રમને આપી. સામ્રાજ્યનો અભિષેક કર્યો, મુકુટ પહેરાવ્યો. નાગવિક્રમે યુદ્ધમાં મરેલાનું કલ્યાણ કરવા યજ્ઞ કર્યો. તેમાં સાધુ-સાધ્વી, ઋષિ-મુનિઓ, અનાથ વગેરે જમાડી દાન આપ્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિમાનમાં બેસી કુંકુમવાપી પધાર્યા.
શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, પ્રજ્ઞા પદ્માવતીએ પ્રભુને પૂછ્યું, હે પ્રભુ નંદી ભીલના નગરનું નામ દિલાવરી કેમ પડ્યું ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : નંદી ભીલ પત્ની દિલાવરી સતી હતી. મારી ભક્તા હતી તે પોતાનો પતિ યુદ્ધમાં મરી ગયો ત્યારે મારી પૂજામાં રહેલી મૂર્તિનો મુગટ, છત્ર પડી ગયા ત્યારે બધુ જાણી અને મારી સ્તુતિ કરી તેથી મેં તરત જ દર્શન આપી સાંત્વના આપી. તેણે મારી પૂજા, આરતી કરી કહ્યું, હે પ્રભુ મને પણ તમારા ધામમાં લઇ જાવ. તેની પુત્રીઓ પાંચ તેણે પણ મારી પૂજા, આરતી કરી ધામમાં લઇ જવા પ્રાર્થના કરી. તેથી મેં તે બધાને વિમાનમાં બેસાડી પરમધામમાં મોકલ્યા.