ભાગ · અધ્યાય ૯૨

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો બાવીસમો જન્મજંયતિ મહોત્સવ

માધવી અને પ્રજ્ઞાએ કહ્યું : પ્રભુ તમારો બાવીસમો જન્મજયંતી મહોત્સવ આવે તો તે ઉજવવાની આજ્ઞા આપો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ પ્રભુએ જન્મજયંતી ઉજવવાની આજ્ઞા આપી. ગોપાલકૃષ્ણ પિતાએ મંડપ તૈયાર કરાવ્યો. લોમશ ઋષિએ યજ્ઞની તૈયારી કરી. બ્રહ્મપત્નીઓ રસોડામાં પકવાનો તૈયાર કરતા હતા. મોટાભાઇ ભગવાન, શુક, સંતુષ્ટાબેન સર્વેનું સ્વાગત કરતા હતા. દેશાંતરોથી ભક્તો ભગવાનના દર્શને આવ્યા. અષ્ટમીની સવારે માતા કંભરાલક્ષ્મીએ પુત્ર શ્રીહરિને તિલક, ચાંદલો કર્યા. બહેને ચોખા ચોડ્યા. પિતાએ શ્રીહરિને સુવર્ણ માળા પહેરાવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ મંડપમાં આવ્યા. લોમશ ઋષિએ હાર પહેરાવી આશીર્વાદ આપ્યા.

બ્રહ્મા, વિષ્ણુ, મહેશે સોનાનો મુગટ, કુંડળ, હાર ધરાવ્યા. ઈન્દ્રાદિક દેવોએ હાર પહેરાવી પૂજા કરી સનકાદિક, નારદ વગેરે ઋષિઓ હાર પહેરાવી પૂજા કરતા હતા. ચૌદ લોકના વાસી બધાએ આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી. બ્રહ્મપત્નીઓ સર્વે પ્રગટ પ્રભુની પૂજા ભાલમાં તિલક, ચાંદલો કરતા હતા. સતી-સાધ્વી આશીર્વાદ આપતા હતા કે, ચિરંજીવો બધાને આનંદ આપો. પછી સર્વેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની આરતી ઉતારી. પ્રભુએ વૃદ્ધોને નમસ્કાર કરી સર્વેને આશીર્વાદ આપ્યા કે, સર્વે સુખી થાઓ. વંશ વિસ્તારવાળા, યશ કિર્તીવાળા થાવ. પછી બપોરે બધાને જમાડ્યા, મુખવાસ આપ્યા. બપોર પછી સૌ પોતાના સ્થાનમાં ગયા. પરંતુ બ્રહ્મા રોકાયા તે સમયે આશ્ચર્ય થયું. વર્ધમાનનો રાજા પુરંજય તેને સ્વપ્નમાં યમદૂત દેખાયા. તે યમપૂરીમાં લઇ ગયા.

ધર્મરાજાએ તેને દંડ આપ્યો અને કહ્યું, તે બીજાના સ્ત્રી-છોકરા ધન લીધા છે તેથી તામીસ્ત્રનરકમાં પડ, હિંસા કરી છે તેથી મહાશૈરવમાં પડ, પશુ-પક્ષી માર્યા છે તેથી કુંભીપાકમાં પડ. આવા અનેક પાપોના અનેક કુંડમાં નાખ્યો. પછી તે સ્વપ્નમાંથી જાગી વિચારવા લાગ્યો કે, આવુ દુષ્ટ સ્વપ્ન કેમ આવ્યું ? તેથી પ્રભુને પૂછ્યું. શ્રીહરિએ કહ્યું, તે પૂર્વે પાપ બહુ કરેલું તે સ્વપ્નમાં ભોગવ્યું. હવે આયુષ્ય બાકી નથી. એમ કહી પ્રભુએ પોતાનો મંત્ર “ૐ નમ: અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” આપીને કહ્યું, રાજા અશ્વપટ સરોવરે નાહીને દાન આપીને તું પરમધામમાં જઇશ. તે પુરંજય રાજા અશ્વપટ સરોવરમાં સ્નાન કરી પોતાના નોકરોને શિક્ષણ આપી દેહ ત્યજી ધામમાં ગયો. રાજાના સેવકો અગ્નિસંસ્કાર કરી પછી પ્રભુ પાસે આવ્યા. બધાએ મંત્રો લીધા. ધૂન-કિર્તન કરી સૌ પોતાના સ્થાને ગયા.