ભાગ · અધ્યાય ૧૨૩

લક્ષ્મીનારાયણ સંહિતાનો કન્યારૂપે આવિર્ભાવ તથા સંહિતાને પ્રભુના વરદાનો

આ પૃથ્વી ધન્ય છે. ભરતખંડના નર-નારીને ધન્ય છે. જેના કર્તા-હર્તા-ધર્તા, ભર્તા સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણ છે. નારાયણે લક્ષ્મીજીને પહેલો ખંડ, કૃતયુગ સંતાનની કથા સંભળાવી. કૃષ્ણરૂપે રાધાજીને બીજો ખંડ, ત્રેતા સંતાનની કથા સંભળાવી, પુરુષોત્તમરૂપે નારાયણીશ્રીને ત્રીજો ખંડ, દ્વાપર સંતાનની કથા સંભળાવી. નરનારાયણરૂપે બદ્રીશ્વરીને ચોથો ખંડ, તિસ્ય સંતાનની કથા સંભળાવી. લક્ષ્મી સ્વરૂપ બદ્રીએ આટલી કથા સાંભળી ત્યારે અદ્ભુત તેજમાં નવયૌવના, વસ્ત્ર અલંકારોથી શોભાયમાન, તેજસ્વી કન્યા જોઇ. ચારેય હાથમાં લક્ષ્મીનારાયણ સંહિતાના ચાર પુસ્તકો ધારણ કરેલા સાક્ષાત લક્ષ્મી સંહિતારૂપે આવી. નરનારાયણ ભગવાને તેમને આદર, સત્કાર, આસન આપ્યું.

લક્ષ્મીરૂપ કન્યા બોલી : હું લક્ષ્મીનારાયણ સંહિતા છું, પુરુષોત્તમની છું. અનાદિશ્રીકૃષ્ણનારાયણના અંગમાંથી પ્રગટ થયેલી છું. હું ચાર પુસ્તકોને ચાર હાથમાં ધારણ કરનારી, ચાર યુગરૂપી સંતાનવાળી, ચાર વેદની માતા છું. હું બદ્રીકાશ્રમ, વૈકુંઠ, ગોલોક, પરમધામ આ ચાર ધામવાળી છું. હું નરનારાયણ, લક્ષ્મીનારાયણ, વાસુદેવનારાયણ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ આ ચાર નારાયણવાળી છું. હું બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ આ ચાર આશ્રમવાળી છું. હું ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર સાધનવાળી છું. હું ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યવાળી છું. હું તપ યજ્ઞ, દાન, જપ આ ચાર પગવાળી છું. હું સાલોંક્ય, સાષ્ટિ, સારૂપ્ય, સામિપ્ય આ ચાર મુક્તિવાળી છું. તે હું લક્ષ્મીનારાયણ સંહિતા, ચાર નારાયણની પૂજા કરવા આવી છું. એમ કહી પુષ્પમાળાથી રાધા-કૃષ્ણની પૂજા કરી, પછી લક્ષ્મીનારાયણની પૂજા કરી, પછી નરનારાયણની પૂજા કરી, પછી નારાયણશ્રી સહિત પુરુષોત્તમના ભાલમાં કંકુ-ચોખા, ચંદનની પૂજા કરી, સ્તુતિ કરી કે, હે પરમધામમાં વિચરતા અનેક મુક્તોથી પૂજાયેલા, સેવાયેલા અનેક બ્રહ્મપ્રિયાના પતિ, પોતાના ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ, હરિકૃષ્ણ મારા હૃદયમાં હંમેશા નિવાસ કરો.

આ પ્રમાણે લક્ષ્મીનારાયણ સંહિતાએ ચાર નારાયણની સ્તુતિ કરી તેથી ચારેય નારાયણો પ્રસન્ન થયા અને સંહિતાને વરદાન આપ્યા કે, તું અમારા મુખમાંથી નીકળી છો માટે રાધા, લક્ષ્મી, શ્રી બદ્રીસમાન છો. હે સંહિતા તું મોક્ષ આપનારી છો. હે સંહિતા તારો પાઠ કરનારા, વાંચનારા, સાંભળનારના સર્વે સંકલ્પને તું પૂર્ણ કરીશ. નિષ્કામ ભક્તને પરમપદને પ્રાપ્ત કરાવીશ. શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાના લેખક પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ જય પામો.