ભાગ · અધ્યાય ૪૦–૪૫

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો એકવીસમો જન્મજંયતિ મહોત્સવ - શ્રીલક્ષ્મીનારાયણ સંહિતાની કથા દ્વારા રાયહરિ રાજા અને દાસી ભાણવાણીનો મોક્ષ

આ અધ્યાય 40–45 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, સિંધુ નદી કાંઠે શર્કરાનગરમાં રાયહરિ રાજાની દાસી ભાણવાણી હતી. તે દ્યુત ક્રિડામાં, જુગાર રમવામાં, પાસા નાખવામાં કુશળ હતી. કોઇને જીતવા ન દે. રાજા દર વર્ષે બધા રાજાઓને ભેગા કરી રમાડતો. એકવાર તેણે ઉત્સવ પ્રસંગે રાજાઓને બોલાવી જુગાર રમવા બેસાડ્યા. તે વખતે હયોદરનો રાજા કોટીરાય હરિરાય સામે રમવા બેઠો. રાયહરિ તરફથી ભાણવાણી પાસા નાખતી હતી. રમતમાં પહેલા કોટીરાય જીતી ગયો. પછી ભાણવાણી પાસા નાખીને કોટીરાયને હરાવી દે.કોટીરાય બધું હારી ગયો. રાજમહેલ, સમૃદ્ધિ, સેના, વાહનો, ખજાનો બધું હારી ગયા પછી કોટીરાયે પોતાની પત્ની પતિવ્રતા સતી દિનેશ્વરીને રમતમાં હોડમાં મૂકી. તેની સામે રાયહરિએ પોતાની પત્ની દિનેશ્વરીને મૂકી. ભાણવાણીએ પાસા ફેંકી કહ્યું : રાયહરિ જીતી ગયો અને કોટીરાય રાજ્ય, સમૃદ્ધિ, રત્નો અને પત્ની વિનાનો ભિખારી થઇ ગયો. તે વખતે કોટીરાયની પત્ની સતી ચંદ્રેશ્વરીએ ભાણવાણીને શાપ આપ્યો કે, તું કોઢવાળી, ક્ષયરોગી, ગાંડી, વિષ્ટા ખાનારી થા. રાયહરિ પણ રાક્ષસ થાવ. તેની સાથે તું પણ વનમાં રખડી દુ:ખ ભોગવ. રાયહરિ પત્ની દિનેશ્વરીએ ચંદ્રેશ્વરીને પ્રાર્થના કરી, માફી માંગી. કૃપા કરો હું તમારી દાસી થાવ પણ મારા પતિને શાપથી મુક્ત કરો.

ચંદ્રેશ્વરીએ કહ્યું, શાપ મિથ્યા ન થાય. પરંતુ મારું વચન માનો તો પ્રભુ કૃપા કરે તો સારું થાય. તો હવેથી જુગાર રમવો બંધ કરો તથા તમારા પતિ તથા ભાણવાણીનો ઉદ્ધાર કરવા સત્પુરુષની સેવા વિના બીજું કોઇ સાધન નથી. તો તમે એક વર્ષ સુધી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા બેસાડો. તેમાં સાધુ-સાધ્વીઓ, યોગીઓ, બ્રહ્મચારીઓ આવશે. સત્સંગ કરાવશે, જમશે, આશીર્વાદ આપશે ત્યારે શાપ નિવારણ થશે. કોટીરાય રાજાએ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા બેસાડવા મંડપ તૈયાર કરાવ્યો. રસશાલા, પાકશાલા તૈયાર કરાવી. અશ્વપટ સરોવર કુંકુમવાપી તિર્થ સૌરાષ્ટ્ર તિર્થના સંતો, ભક્તો કથામાં આવવા લાગ્યા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, સિંધુ નદીકાંઠે શર્કરાનગરમાં લક્ષ્મીનારાયણ સંહિતા કથા શરૂ થઇ તે હું કહું સાંભળો. અષાઢ સુદ એકાદશીએ લક્ષ્મીનારાયણ સંહિતા કથાનો પ્રારંભ થયો. પહેલેથી સાધુ, વિપ્રો, ભક્તો, દેશ વિદેશથી આવી ગયા. સંહિતા પાઠ કરનારા તથા જપ કરનારા બ્રાહ્મણો હતા. મુખ્ય વક્તા વ્યાસાસને ભગવાન સ્વયંપ્રકાશ લક્ષ્મીનારાયણ સંહિતાનો વિધિ ગુરુ લોમશ ઋષિ પાસે કરાવતા હતા. અબિલ-ગુલાલ, કંકુ- અક્ષતથી લોમશ ઋષિ વક્તાની પૂજા કરતા હતા. તે સમયે સાક્ષાત લક્ષ્મીના દર્શન થતા હતા તથા સભામાં મુક્તો-મુક્તાની અવતારો ઇશ્વરો, ઇશ્વરાણીઓ, દેવ-દેવીઓ, ઋષિ- મુનિઓના દર્શન થતા હતા. સભા અક્ષરધામ તુલ્ય શોભતી હતી. ત્યારે પરમાત્માના શિષ્ય ભગવાન સ્વયં પ્રકાશ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંગલાચરણનો શ્લોક બોલ્યા. “શ્રીમદ્ બ્રહ્મપુરાધિષોડક્ષરપતિ: સર્વાવતારેશ્વરો, મુક્તબ્રહ્મનિષેવિતાંડધ્રિ યુગલો રાધારમેશેશ્વર: યશ્વાડસંખ્યનારાયણધિ વસતિ, શ્રીકૃષ્ણ કૃષ્ણેશ્વર: સોડયં કૃષ્ણનારાયણોડસ્તુ સુખદ: સૌરાષ્ટ્ર ધામેશ્વર:” અર્થ - સર્વ અવતારોના અવતારી અક્ષરધામના અધિપતિ જે મુક્ત અને બ્રહ્મથી સેવાયેલા છે, જેના ચરણ રાધા-રમા, લક્ષ્મી, ઇશ્વર, અસંખ્ય નારાયણો વાસ કરે છે. અનંત કૃષ્ણના કૃષ્ણ સૌરાષ્ટ્ર ધામના ઇશ્વર તે આ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અમોને સુખકારી થાવ. જે પ્રગટ પ્રભુએ પૃથ્વીમાં વિચરી દૈત્યોનો નાશ કરી અનેક રાજાઓનો મોક્ષ કર્યો. કરોડો, અબજો સતી સાધ્વીઓના પતિ, નરનારીઓના પાપને બાળીને જીવાત્માઓનું કલ્યાણ કરનારા, જે લક્ષ્મીનારાયણ સંહિતાનું દૈવત છે. એવા કુંકુમવાપીના સૂર્ય જય પામો.

આ રીતે મંગલાચરણ કરી વક્તા સ્વયંપ્રકાશે લક્ષ્મીનારાયણ સંહિતાને નમસ્કાર કરી, કંભરાલક્ષ્મીને ગોપાલકૃષ્ણને નમસ્કાર કરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણને હૃદયમાં રાખી કથા વાંચવાનો આરંભ કર્યો. કથાના મધ્યે, અંતે અનાદિશ્રીકૃષ્ણનારાયણના ધૂન-કિર્તન થતા હતા. રાયહરિ, ભાણવાણી વગેરે પ્રેતો કથા સાંભળીને પ્રસાદી અન્ન, જલ ગ્રહણ કરતા હતા. તે સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણે પોતાના એકવીસમાં જન્મજયંતિ મહોત્સવમાં પોતાનું એક સ્વરૂપ કુંકુમવાપી રાખી. બીજે સ્વરૂપે ત્યાં વિમાનમાં બેસી તે કથા મંડપમાં બધાને દિવ્ય દર્શન આપ્યા. બધાએ પ્રભુને અબીલ-ગુલાલ, કંકુ, અક્ષતથી વધાવ્યા, પૂજા કરી, આરતી, સ્તુતિ કરી. ચંદ્રેશ્વરી, દિનેશ્વરીએ પણ પ્રભુને ચાંદલો કરી હાર પહેરાવી પૂજા કરી.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ તે કથા મંડપમાં ઉપદેશ આપ્યો. હે ભક્તો, હું તમારી ઉપર કૃપા કરીને અક્ષરધામથી અહીં માનવરૂપ ધરીને તમને સુખ, લાભ આપવા આવ્યો છું. જે લક્ષ્મીનારાયણ સંહિતા કથા વાંચશે, સાંભળશે તેનો હું ઉદ્ધાર કરીશ. કર્મફળમાં બંધનનું નિયમ છે. પણ મારી કૃપાનો કોઇ નિયમ નથી. કૃપા અને પ્રસન્નતાથી જ કલ્યાણ થાય છે. લક્ષ્મીનારાયણ સંહિતા, સાધુ તથા પ્રતિમા આ ત્રણે મારી મૂર્તિઓ છે. ભક્તિ, ઉપાસના તથા દીક્ષા આ ત્રણે સ્વરૂપ મારા છે. તે છ સ્વરૂપે હું સદા રહેલો છું. જે મને જેવી રીતે ભજે છે તેને હું તેવી રીતે દર્શન આપું છું. જે પત્નીમાં લક્ષ્મીને દેખે છે. પતિમાં નારાયણ દેખે છે. પુત્રોમાં મારા પાર્ષદોને દેખે છે તે ઘરને હું અક્ષર માની વાસ કરું છું. મારી આજ્ઞાથી ભક્ત પ્રવૃતિમાં હોય કે નિવૃત્તિમાં તે મારામાં જ વાસ કરે છે. પછી સાતમની સાંજે ધૂન, કિર્તન, જાગરણ કરી આસો વદ-આઠમ બ્રહ્મમુહૂર્તમાં સર્વે અવતારો, ઇશ્વરો, મુક્તો-મુક્તાનીઓ, લક્ષ્મી, દેવો, સિદ્ધો વગેરે પૂજા કરી, આરતી કરી, સ્તૂતિ કરીને ગયા. પછી સર્વેજનો ત્યાં પ્રગટ પ્રભુની પૂજા કરવા આવ્યા. ષોડ્શોપચારથી પૂજા કરી, આરતી કરી, સ્તૂતિ કરી. પછી રાજા-રાણી પૂજા કરવા આવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણને સોનાનો મુગટ, કુંડળ, ટુપિયો, કંઠી, ચેન, મગમાળા, હાર, હીરા મોતીના હાર, કંદોરો વગેરે ધારણ કરાવ્યા. સોનાના બાજુબંધ, કડા, પોંચી, વેઢ, વિંટીઓ, સોનાના તોડા, ઘૂઘરીવાળા સોનાની ચાખડી પહેરાવી. પુષ્પોના હાર, અતર, સુગંધીમાન ચંદન, કેશર-કસ્તુરીથી પૂજા કરી. મહા આરતી ઉતારી.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, તે સમયે દિનેશ્વરી પોતાનો પતિ રાયહરિ તથા ભાણવાણી શાપથી રાક્ષસ જેવા થયેલા તેની ઉપર કૃપા, દયા કરવા પ્રભુને પ્રાર્થના કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણે કોટીરાય રાજાને કહ્યું, તમે બંને શાપિતને અહીં લાવો. રાયહરિ તથા ભાણવાણીને પ્રભુ પાસે લાવ્યા. બાલકૃષ્ણ પ્રભુએ તે બંનેને “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” મંત્ર આપી પોતાનું ચરણામૃત પાયું. બંને માનવઆકૃતિમાં દિવ્યપણાને પામ્યા, શાપમુક્ત થયા. પછી સિંધુ પ્રદેશના લાખો માનવોને દર્શન, સ્પર્શ આપવા માટે ભગવાને લાખો સ્વરૂપ ધારણ કરી બધાને મંત્ર આપ્યા. “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” આ મંત્ર આપી ઉપદેશ આપ્યો કે, જે ગૃહસ્થના ઘરમાં પ્રભુની પૂજા થતી હોય તે નર-નારી, સાધુ-સાધ્વી છે. જે રાજા-રાણી ભગવાનની, સાધુની પૂજા કરે તો તે રાજા-રાણી પણ સાધુ- સાધ્વી છે. ધનવાનો જો શ્રીહરિને સેવે તો સાધુ છે. નારાયણરૂપી ધન જેની પાસે છે તે સાધુ, શ્રીહરિ પાસે જેનું આસન તે સાધુ, શ્વાસ લેતા ભગવાનને સંભારે તે સાધુ, દરેક ક્રિયામાં પ્રભુને પાસે રાખે તે સાધુ. પછી કથાના વક્તા સ્વયંપ્રકાશ આશીર્વાદ આપતા કહે, અનાદિશ્રીકૃષ્ણનારાયણ તમારી પર પ્રસન્ન થાઓ. તમારા કામકાજ બધા ભગવાનમય બનો. આ સાંભળી સર્વજનો બાલકૃષ્ણની જય, અનાદિશ્રીકૃષ્ણનારાયણની જય, અનાદિ ભગવાનની જય હો. એમ જય જયકાર કરવા લાગ્યા.

બદ્રીશ્વર પૂછે છે : હે નરનારાયણ પ્રભુ, બીજે સ્વરૂપે ભગવાન કુંકુમવાપી હતા ત્યાં ઉત્સવ કેવો થયો ? નરનારાયણ કહે : અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે અનેક સ્વરૂપે થયા અને લોમશઋષિ સ્વયંપ્રકાશ વગેરેએ અનેક સ્વરૂપ ધારણ કર્યા. પ્રભુના જન્મજયંતિ મહોત્સવમાં ધામધામના વાસી, અવતારો, પાર્ષદો, મુક્તો, ઈશ્વરો, દેવો સર્વે આવી સવારમાં અભિષેક કરી વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી, ચંદન, પુષ્પોથી પૂજા કરી, આરતી ઉતારતા હતા તથા સૌરાષ્ટ્રના ભક્તો પણ પ્રગટ પ્રભુની મહાપૂજા કરી આરતી ઉતારી સ્તૂતિ કરતા હતા.

પરબ્રહ્મ પુરુષોત્તમ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વત્ર રહેલા છે, જે ભક્ત ભગવાનને સંભારે તેની પાસે જ ભગવાન રહે છે. ભક્ત સદાચારી હોય કે દૂરાચારી હોય, નર-નારી નપુંસક ગમે તે હોય, દેવ-દૈત્ય, રાક્ષસ, નાગ, પક્ષી, પશુ ગમે તે હોય પણ સતત ભગવાનનું નામ સ્મરણ કરનારા પાસે ભગવાન રહે છે, ભક્ત ભગવાનને પ્રિય છે, ભક્ત પ્રભુને પ્યારો છે. આ પૃથ્વીમાં કરોડો પ્રકારના કામકાજ કળાઓ છે. તે સર્વે જાણે પણ જો તેને પ્રભુની ભક્તિ હોય તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. આખા બ્રહ્માંડનું જાણે પણ જો ભગવાનની ભક્તિ ન હોય, સેવા રહિત હોય તો તેની ઉપર પ્રભુ પ્રસન્ન થતા નથી. આ રીતે લોમશ ઋષિએ સર્વને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપ્યો અને ઉપદેશ આપ્યો કે, પ્રગટ પ્રભુનું ભજન કરજો, હૃદયમાં રાખજો, તમારું કલ્યાણ થશે.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, નોમને દિવસે સિંધુ પ્રદેશના રાજાઓએ, પ્રજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી અનેક ભેટો મૂકી, પછી લક્ષ્મીનારાયણ સંહિતાના વક્તાનું પૂજન કરી, આરતી ઉતારી ત્યાં કચ્છ દેશના રાજા માધવરાય આવ્યા. તેણે પોતાને ત્યાં પધારવા પ્રાર્થના કરી. પ્રભુએ ભૂજને પવિત્ર કરવા વિમાનમાં બેસી નારાયણ સરોવરમાં સ્નાન કરી, પવિત્ર કર્યું. ત્યાં શંકર-પાર્વતી દર્શને આવ્યા. પ્રભુને દંડવત, નમસ્કાર કર્યા. પ્રભુ બોલ્યા, આજથી આ લક્ષ્મીનારાયણ સંહિતા, શ્રીસરથી પ્રસિદ્ધ થશે તથા કોટીશ્વર- વિષ્ણુ, શિવ, સરસ્વતી વગેરેના તિર્થો કર્યા. તથા શબલાશ્વ હર્ષશ્વ આ બ્રહ્માના માનસ પુત્રોનો મોક્ષ કરી ભૂજ માધવરાય રાજાના કુટુંબને પવિત્ર કરી મંત્રોપદેશ આપી કલ્યાણકારી કુંકુમવાપી પધાર્યા.