ભાગ · અધ્યાય ૧૧૪–૧૧૭

પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના દિવ્ય પરમધામનું વર્ણન

આ અધ્યાય 114–117 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, એક સમયે મુકુંદવિક્રમ રાજા-રાણી અને સેવકો વગેરે અશ્વપટ સરોવર કુંકુમવાપી પ્રગટ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવ્યા. પૂજા, આરતી કરી. ત્યાં બધાની સમાધી થઇ. તેમાં પરમધામનું દર્શન થયું. જાગ્યા પછી પરસ્પર વાત કરવા લાગ્યા. તે સાંભળી શ્રીહરિની બીજી પત્નીઓએ પ્રભુને પ્રાર્થના કરી. હે ભગવાન, અમને દેવો, અવતારો, ઇશ્વરોના બધા સ્થાનો બતાવ્યા પણ પરમધામનું દર્શન કરાવ્યું નથી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે, તે પરમધામનું દર્શન કર્યા પછી આ લોકમાં આવવું ગમતું નથી. તેમજ રહેવું પણ ગમતું નથી. પ્રજ્ઞાવતી કહે, પ્રભુ તમે બધું બતાવવા સમર્થ છો તો કૃપા કરો. શ્રીહરિએ કહ્યું, બધી બ્રહ્મપ્રિયાઓ તૈયાર થાઓ. પ્રગટ પ્રભુએ અક્ષરમુક્તોને સંભાર્યા. મુક્તો અસંખ્ય વિમાનો લાવ્યા તે બધા આવરણે રહિત હતા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પ્રગટ પ્રભુએ માતા-પિતા, કુટુંબ સહિત બ્રહ્મપત્નીઓ, પુત્રો, લોમશાદિ ઋષિઓ, સાધુ-સાધ્વીઓ, સતીઓ, દાસ-દાસીઓને બધાને કોટી, અબજોને વિમાનમાં બેસાડી ઉપડ્યા. બ્રહ્માંડને પાર કરી, આઠ આવરણને ભેદી ઇશ્વરોના ધામોને ઉલ્લંઘી અક્ષરધામના પ્રદેશમાં શરદપૂર્ણિમા તિથિએ પહોંચ્યા.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ અક્ષરધામના બ્રહ્મધરામાં બધાને સ્નાન કરાવી દિવ્ય બ્રહ્મમય શરીરો બનાવ્યા. ઐશ્વર્યગુણ સિદ્ધિ શક્તિયુક્ત બધાના શરીરો સચ્ચિદાનંદ થઇ ગયા. શ્રીહરિ ત્યાંથી બધાને લઇને પોતાના પરમધામમાં આવ્યા. દિવ્ય અપાર તેજ જોઇને બધા સ્તબ્ધ થયા. પ્રભુએ પોતે બધા મુક્તોમાં પ્રવેશ કરી પોતાની શક્તિ મૂકી ધામને યોગ્ય કર્યા. બધા મુક્તો એક જ સ્વરૂપ પુરુષોત્તમરૂપ બની ગયા.

બ્રહ્મપ્રિયાઓએ પૂછ્યું : બધા નરભાવને કેમ પામ્યા ? અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું : માયા જે પ્રકૃતિ કહેલી છે. તે મારી શક્તિ રાધા છે તે કૃષ્ણની પત્ની છે. તે રાધાને મારા મુક્તો નવધાભક્તિથી પૂજવા લાગ્યા. ત્યારે મેં મારામાંથી કૃષ્ણનું સ્વરૂપ પ્રગટ કરીને ગોલોકમાં વસાવ્યું અને મુક્તોને વશ કરવા માટે બીજે સ્વરૂપે ત્યાં વાસ કર્યો. અનંત મુક્તોને સુખ આપવા માટે મૂળ રૂપ અક્ષરમાં રાખ્યું, તેથી જ પ્રકૃતિ હોય કે બ્રહ્મપ્રિયા હોય, કૃષ્ણપ્રિયા હોય કે અવતારીણી તે બધી મારા પરમધામમાં આવે ત્યારે નર બની અનાદિશ્રીકૃષ્ણનારાયણ જેવા સ્વરૂપો ધારણ કરી અક્ષરધામમાં વિચરે છે. આ મારો નિયમ શાશ્વત છે. તેને કોઇ ફેરવી ન શકે. તો પણ રાધાએ પ્રાર્થના કરી. હે પુરુષોત્તમ નારાયણ મારી ઈચ્છા પ્રમાણે તમારી મૂર્તિની સેવા આપો. પુરુષોત્તમ નારાયણે કહ્યું : તું બીજા મુક્તો ન દેખે તેમ મારી મૂર્તિમાં પ્રવેશી ઈચ્છા પ્રમાણે સેવા કર પરંતુ નારીરૂપ પરમધામમાં મુક્તો પાસે નહિ. જેથી અતિ આકર્ષણથી ઉપાસના બીજી ન થાય તે માટે બ્રહ્મપ્રિયાઓ મારી મૂર્તિમાં પ્રવેશી સુખ લ્યે છે અને મુક્તો પણ ઈચ્છારૂપ ધારણ કરી મારી મૂર્તિનું સુખ લ્યે છે. પરસ્પર મુક્તો પણ મારી મૂર્તિ વિના બીજું કાંઇ દેખતા જ નથી. આ બધી મારી લીલા અપરંપાર છે.

ત્યાંથી બધા બ્રહ્મમુક્તો આગળ ગયા. ત્યાં બ્રહ્મરસનો સમુદ્ર હજારો યોજનનો જોયો. જે રસ મુક્તોને શાશ્વત આનંદ આપે છે. અનેક રૂપ ધારણ કરનારા, પાંખવાળા મુક્તો આકાશમાં વિહાર કરતા હતા તે જોઇને આગળ ગયા. કરોડો સૂર્યસમાન તેજસ્વી, કરોડો વિમાનો, વિશ્રામશાલાઓ, કરોડો ગૃહથી શોભતો અક્ષરપ્રદેશ જોયો ત્યાં સંકલ્પ યંત્રોવાળા વિમાનો શોભતા હતા. મહાદિવ્ય વૃક્ષોથી યુક્ત બગીચાઓ તથા દ્વિપ-ઉપદ્વિપ શોભતા હતા. હીરા, રત્ન, મણિના પગથિયાથી શોભતા વિશ્રામસ્થાનો તેમજ અસંખ્ય નગરોને જોતા હતા. આગળ દિવ્ય વનો-ઉપવનો જોતા દિવ્ય સુગંધી પત્રો અમૃતમિષ્ટ નેત્રોને ઠંડક આપતા હતા. ફળફૂલોને જોઇ અતિ આનંદ પામતા હતા. અમૃતસમાન સ્વાદુ ફળવાળા અનેક વૃક્ષોને તથા અનેક પુષ્પોના વૃક્ષો જોઇને તે બધા મુક્તોના સ્વરૂપો અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવા કરવા માટે અસંખ્યરૂપે થયા છે તે જાણી અતિ આશ્ચર્ય થયું. અહો અહો કરવા લાગ્યા.

પદ્મરાગ મણિ, કર્કેતક મણિ, વૈદુર્ય, મરકત, પુષ્પરાગ, શિખર, ભિષ્મક, વિક્રમ મણિઓના પર્વતો ચિંતામણી, પારસમણી વગેરેના પર્વતો, સિદ્ધ મુક્તોના નિવાસો, ગાંધર્વ મુક્તોના નિવાસો, કલામુક્તો, સાધુમુક્તો, કર્મમુક્તો, ભક્તિમુક્તો વગેરે મુક્તોના આવાસો જોઇ દિવ્ય આનંદ પ્રાપ્ત કરતા હતા તથા બ્રહ્મસલીલ, અનેક દિવ્ય પક્ષીઓના રૂપ તે પણ મુક્તો જ હતા. લાખો દિપમાલાઓની પંક્તિ શોભી રહી હતી, તે પણ મુક્તો હતા. બ્રહ્મસરોવર, બ્રહ્મપુરુષો, મુક્તાનિકા નૃત્ય કરતા હતા. દિવ્યગઢથી યુક્ત દરવાજાઓ, અનેક મણિરત્નોવાળા, થાંભલાવાળા સભામંડપ, દશલાખ યોજન વિશાલ દિવ્ય તે મંડપને જોઇને અલૌકીક આનંદ પ્રાપ્ત કરતા હતા. કલ્પવૃક્ષ, કલ્પવેલ, કલ્પપત્રો કલ્પસ્તબકો અક્ષયપાત્રો વગેરે ગણત્રી ન થઇ શકે તેટલા તેવા દૃશ્યો જોઇ સૌ આશ્ચર્યા પામતા હતા.

બધા મુક્તોના રૂપ, ગુણ, ઐશ્વર્ય, તેજ, સામર્થી અનાદિશ્રીકૃષ્ણનારાયણ જેવા જ બાલકૃષ્ણ જેવા જ રૂપ જોઇને બ્રહ્મપત્નીઓ અતિ આશ્ચર્ય પામી. વિમાનમાં રહીને ફરતા પ્રભુના પત્નીઓ દિવ્ય રાસમંડળ લાખ યોજનના વિસ્તારવાળા જોતા હતા. ત્યાં પરમ મુક્તોના નિવાસો હતા. કરોડો, અબજો મુક્તાનિકાઓ વિહાર મંડળમાં શ્રીહરિની સેવા કરતી. મુક્તો પોતાના નિવાસમાં પુરુષોત્તમ નારાયણને દિવ્ય ભોજનપાન, સુખશય્યા, શણગાર વગેરેથી હંમેશા શ્રીહરિની સેવા કરતા હતા. જ્યાં કામદુધા ગાયો, ઈચ્છા પ્રમાણે દૂધ આપનારી જોઇ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા દિવ્ય જોયા. સ્નાનશાલા, રસશાલા, ભોજ્યશાલા, દ્રવ્યશાલા, નાટ્યશાલા, દૃશ્યશાલા, ગીતશાલા, નૃત્યશાલા, વેશશાલા, શ્રૃંગારશાલા આવા કરોડો વિહાર મંડળોથી શોભતા નગરોને જોઇ સૌ દિવ્ય આનંદ પામ્યા. તે અક્ષરધામમાં એક એક મણિમાં સૃષ્ટિઓ દેખાતી હતી. મણિમાં ગોલોક, વૈકુંઠ વગેરે દેખાતા હતા. મણિમાં વાસુદેવાધી વ્યૂહ અવતારો દેખાતા હતા. આવા બધા મુક્તોના અનાદિશ્રીકૃષ્ણનારાયણ જેવા રૂપ જોઇને સૌ ભાન ભૂલી ગયા. આ પુરુષોત્તમ નારાયણ હશે, એમ તર્ક કરવા લાગ્યા. બ્રહ્મપત્નીઓ અતિ આશ્ચર્ય પામી. આ રીતે પ્રગટ પ્રભુ અનાદિશ્રીકૃષ્ણનારાયણની કૃપાથી બ્રહ્મપ્રિયાઓ વિમાનમાં બેસી પરમધામમાં શ્રીહરિનું વિહાર મંડળ, અનાદિ મુક્તોના નગરો, અક્ષર બ્રહ્મમહોલ સભામંડપ વગેરે જોઇ દિવ્ય આનંદ પામ્યા.

પરમધામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ અનાદિશ્રીકૃષ્ણનારાયણના આઠ દિવ્યગઢ પ્રદેશમાં અનાદિ મુક્તોની વસ્તી, તેના ઐશ્વર્યો, તેના રહસ્યો. તેનું વર્ણન ઉપનીષદને જાણનારા તે પણ યથાર્થ વર્ણન કરી શકતા નહી. ઉપર અનંત, મધ્યમમાં અનંત, નીચે અનંત, ચારેકોર સમસ્ત સુખના ધામ જોઇ સૌ અતિ આશ્ચર્ય પામ્યા. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય, તેના પર્વતો, પીવાના સમસ્ત અમૃતો. બધા અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિમાંથી નીકળતા રસો તૃપ્તિ પમાડતા હતા. રસ, દહીં, દૂધ, ઘી, ધૃત, પાન, વારી, મધુ, શિલ, ઉષ્ણ, સ્વાદ વગેરે મહાઆનંદ આપનારા હતા.

ત્યાંથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ બ્રહ્મપ્રિયાઓને વિમાનમાં આગળ લઇ ગયા. જ્યાં અનાદિ મુક્તોની વસ્તી, રહસ્ય મુક્તોની વસ્તી, તાદાત્મ્ય મુક્તોની વસ્તી તથા અદૃશ્ય મુક્તો કે જે મુક્તો અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિના બીજા કોઇને દેખતા જ નથી. પરબ્રહ્મના જ ધ્યાન પરાયણ આસ્વાદના ભોક્તા. ત્યાં બધું અનાદિશ્રીકૃષ્ણનારાયણમય જ હતું. વન-પર્વત બધું શ્રીહરિ સ્વરૂપ, નદી, વાડી, બગીચા સર્વ શ્રીહરિ સ્વરૂપ. ગામ, શહેર સર્વે કૃષ્ણની મૂર્તિઓ. મહેલ, મંડપ બધા શ્રીહરિ સ્વરૂપ. મુક્તાનિકા શક્તિઓ સર્વે હરિ સ્વરૂપ. વસ્ત્ર, આભૂષણો, અલંકારો, શણગારો, આયુધો સર્વે પરબ્રહ્મ સ્વરૂપ. એ રીતે પરમધામમાં બધું પરબ્રહ્મ સ્વરૂપ જ છે. ત્યાં મુક્તો પોતાના આત્મામાં જ પરબ્રહ્મને જોઇને અનંત સુખને ભોગવે છે. આ રીતે પરબ્રહ્મ અન્વયપણે રહ્યા છે. તે પરબ્રહ્મવિદ્યા બ્રહ્માંડમાં પણ રહી છે. તે પરબ્રહ્મવિદ્યા ઉપનિષદ વડે જાણે, તેને ભણે, તે મુક્ત થાય છે. મુક્ત અનાદિ થાય છે. અનાદિમુક્ત, રહસ્યમુક્ત થાય છે. રહસ્યમુક્ત, તાદાત્મ્યમુક્ત થાય છે. તે તાદાત્મ્યમુક્ત પરબ્રહ્મતાને પામે છે. તેને જોવાનું, જાણવાનું, પ્રાપ્ત કરવાનું કાંઇ બાકી રહેતું નથી. પ્રગટ પ્રભુને બ્રહ્મપ્રિયાઓને સૌને દિવ્ય દૃષ્ટિ આપી એટલે તે ત્યાં રહેલા મુક્તોને ઓળખી શક્યા. એકબીજાના કુટુંબોના મા-બાપ, પુત્રો-પુત્રી વગેરે મુક્તો થઇને પરમધામમાં રહેલા હતા. પરમધામમાં સ્વરૂપ બે હોવા છતાં બ્રહ્મ અને પરબ્રહ્મનું એકપણું હતું.