ભાગ · અધ્યાય ૪૭–૪૮

ક્ષારપુરના રાજા-રાણી, સોમિકા ગણિકા તેમજ મદ્યપાની મિષ્ટાશવની કથા

આ અધ્યાય 47–48 સંયુક્ત છે

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ક્ષારપુરના રાજા-રાણી તથા તેની હજારો પ્રજા કાર્તિક સુદ બારસે સવારે લક્ષ્મીનારાયણ સંહિતાની વ્યાસની પૂજા કરી સ્વયંપ્રકાશ વ્યાસ પાસેથી “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિને નમ:” મંત્ર લઇ માળા ફેરવતા હતા. તેમણે કથા સાંભળી, આરતી કરી, પ્રસાદી લીધી ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિ પણ વિમાન લઇ આવ્યા અને કહ્યું, જેને ધામમાં આવવું હોય તે તૈયાર થઇ જાવ. રાજા-રાણી, હજારો પ્રજા તે સર્વે વિમાનમાં બેસી ધામમાં ગયા. જે ભગવાન ક્રિયાસાધ્ય છે તે આજે કૃપાસાધ્ય થયા છે.

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, શંકરાપુરની ગણિકા સોમિકા તેની પાંચ પુત્રી તથા બીજી ગણિકાઓ સર્વે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળી પછી લોમશ ઋષિ પાસેથી એકટાણું જમવું તથા મદ્યમાંસના ત્યાગનો નિયમ લીધો, પછી લોમશ ઋષિએ તેમને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ પતયે સ્વાહા” મંત્ર આપ્યો. તેનું ભજન-ભક્તિ કરી શુદ્ધ થઇ તે ગણિકાઓ સ્તુતિ કરવા લાગી, હે પ્રભુ અમને તમારા ધામમાં લઇ જાઓ. પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી. પોષ સુદ-એકાદશીએ વિમાન લઇ આવ્યા અને ગણિકાઓને ધામમાં લઇ ગયા. (પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણાં, ગીધ ગણિકા કપીવૃંદ કોટી)

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, બિલ્વપત્રનો મિષ્ટાસવ દારૂ વેચનારો, પીનારો તેના કુટુંબ સહિત કથામાં આવતો હતો. તેને રસ્તામાં લૂંટારાઓએ લૂંટી લીધો. તેથી પાછા ઘરે જવાનો વિચાર કરી વૃક્ષ નીચે બેઠો. ભગવાનની સ્તૂતિ કરી. હે પ્રભુ, અમે તમારે દર્શને આવતા રસ્તે લૂંટાયા. હવે રક્ષા કરો. તે સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણ શેઠનું રૂપ લઇ સાથે ઊટ, ઘોડા રસાલા સાથે આવ્યા અને જમવાનું આપ્યું અને પૂછ્યું ક્યાં જવું છે. મિષ્ટાસવ કહે, કથામાં જવું છે. શેઠ કહે, અમારે પણ કથામાં જવું છે. માટે ચાલો. અમારી સાથે શેઠે બધાને ખાવા-પીવામાં સાચવ્યા. શર્કરાનગરમાં આવ્યા પછી શેઠ કહે, હવે તમે જાવ. અમે નિરાંતે વિશ્રામ કરીને આવશું. મિષ્ટાસવે જોયું ત્યાં ઊટ, ઘોડા, રસાલો શેઠ કોઇ ન મળે. તે મિષ્ટાસવ કુટુંબ સહિત કથા મંડપમાં જઇને લક્ષ્મીનારાયણ સંહિતાની પૂજા કરીને વ્યાસની પૂજા કરી, કથા સાંભળી, આરતી ઉતારી પ્રસાદ જમ્યા. લોમશઋષિ પાસે “અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે” મંત્ર લીધો અને ભજન કરવા લાગ્યા. સેવા કરતા પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રગટ પ્રભુ અમે મહાપાપી છીએ, તમારે શરણે આવ્યા છીએ. અમારો ઉદ્ધાર કરજો, તમે શરણાગતના રક્ષણ કરનારા છો. સ્તુતિથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ તરત જ કૃપા કરી વિમાનમાં બેસાડી ધામમાં લઇ ગયા. ત્યાં સર્વે ભક્તોને દર્શન થયા અને બોલ્યા, અહો પ્રભુ તમારી દયાથી પાપીનો પણ ઉદ્ધાર થયો.