ભાગ · અધ્યાય ૩૨

પ્રભુકૃપાથી કુંભાર દંપતીને પુત્રપ્રાપ્તિ ❖ આરતીનું ફળ શું ?

શ્રીનરનારાયણ કહે : હે બદ્રીશ્વરી, ફણા ગામે કુંભાર રણથંભ અને સુનારીણી ભક્ત માટીના વાસણો બનાવી તેમાં ભગવાનના નામ લખી વેચે. ભગવાનને નૈવેદ્ય ધરી જમે. સાધુને જમાડી સેવા કરે. એક વખત આરાયણ સાધુ ત્યાં આવ્યા. તેમને જમાડ્યા, સેવા કરી. સાધુએ પૂછ્યું, ઘર સૂનું કેમ છે ? ભગતે કહ્યું, પુત્ર નથી તમે આશીર્વાદ આપો. સાધુએ કહ્યું, તમે અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરો છો તેથી તમારે ત્યાં ચંદ્ર પોતે જન્મ લેશે. તેથી તેનું નામ ચંદ્રસ્તંબ રાખજો. એમ આશીર્વાદ આપી સાધુ ગયા. કુંભાર ભક્ત દંપતી રાજી થયા. જતે સમયે પુત્ર થયો. મોટો થયો. તે ભગત સંઘની સાથે પોતાના કુટુંબને લઇ તિર્થ કરતા માઘ પૂર્ણિમામાં અશ્વપટ સરોવરમાં સ્નાન કરી સાંજે આરતી કરતા હતા.

બદ્રીશ્વરીએ પૂછ્યું : આરતીનું ફળ શું ? નરનારાયણ ભગવાન કહે : ગાયના ઘીમાં કરેલી એક વાટથી આરતી ઉતારે તો ઈન્દ્રપદ પામે છે. ત્રણ વાટોથી સૂર્યપદ, પાંચ વાટોથી બૃહસ્પતિપદ, સાત વાટોથી બ્રહ્મનાપદ, નવ વાટોથી શિવપદ, અગિયાર વાટોથી વૈરાજ્યપદ, તેર વાટોથી હિરણ્યપદ, પંદર વાટોથી ભૂમાપદ, એકાવન વાટોથી વાસુદેવ ધામ, એકસો વાટોથી વૈકુંઠધામ, બસ્સો એક વાટોથી આરતી ઉતારે તો ગોલોકમાં શ્રીકૃષ્ણની સેવા કરે, પાંચસો એક વાટોથી આરતી ઉતારે તો અક્ષરધામની પ્રાપ્તિ થાય છે, એક હજાર એક વાટોથી આરતી ઉતારે તો પરમધામમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચરણાર્વિદની સેવા દાસ-દાસી થઇને કરે અને તાદાત્મ્ય યોગ પામી સર્વે આનંદનો ભોક્તા થાય. એ રીતે સર્વે અવતારો, ઇશ્વરો, દેવો, બધા પરબ્રહ્મની આરતી ઉતારી મોક્ષને પામ્યા છે. પછી તે ભગત પોતાના પુત્રને લોમશઋષિ પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર અપાવી કંઠી બંધાવી, પ્રગટ પ્રભુના દર્શન કરી મહાન ભક્ત થયા.