બદરરાજા બોરરૂપે અને પ્રભુના અંશ નર બીજરૂપે થયા
આ અધ્યાય 4–5 સંયુક્ત છે
બદ્રીશ્વરીએ પૂછ્યું : હે નરનારાયણ, બદરરાજા બોરરૂપે કેમ થયો ? નરનારાયણ કહે : બદરરાજા આત્મનિવેદી ભક્ત હતો. તેણે વિચાર કર્યો. સંપત્તિ, પદાર્થ, વસ્તુ બધું ભગવાન માટે કર્યું. પણ આ દેહ કાંઇ ઉપયોગનો નહીં. જે ઇન્દ્રિયો અંત:કરણ ભગવાનના ઉપયોગમાં ન આવે તે છીદ્રો સમાન છે. એમ માની પોતાના પુત્ર વિશાલને રાજ્ય સોંપીને તપ કરી ભગવાનની અતિ ભક્તિ વડે તેના દેહનો રસ કરીને બોરડીના મૂળમાં ગયો. તેના બોર થયા. તે બોરને પ્રસાદી માની દેવો ઋષિ-મુનિઓ, સાધુઓ, યોગી, યતિઓ જમવા આવ્યા. નારાયણ પણ બોરની પ્રસાદી આપતા. તે સર્વે એક બોર જમે તેને એક વર્ષ સુધી તૃપ્તી રહેતી, ભૂખ ન લાગતી. તે બદરરાજા આ રીતે અતિ ભક્તિ કરીને નરનારાયણ તથા લક્ષ્મીજીની કૃપાથી પુત્રરૂપે બોર ફળરૂપે થયો.
નરનારાયણ કહે છે : હે બદ્રીશ્વરી, જે રીતે બદર રાજા બોરપણાને ભક્તિ કરીને પામ્યો. તેવી જ રીતે મારા અંશરૂપે રહેલા નર તે બોરના બીજપણાને પામીને બધાને તૃપ્તિ આપનારા થયા.